4 - મારું સ્નેહલગ્ન / કંચનલાલ વાસુદેવ મહેતા 'મલયાનિલ'


પ્રિય વાચક ! આજનું મારું ચરિત્ર લખતાં મને જેટલો શોક થાય છે તેટલો જ શોક કદાચ તને વાંચતાં થશે; પણ તારે એથી ઉદ્વેગ પામવાનું કે નિરાશ થવાનું કાંઈ પણ કારણ નથી. એવા સંજોગોમાંથી કદાચ તારે પસાર થવાનું આવે તો મારા જેવું તું ન કરે એની સાવધાની રાખવા જ આ વૃત્તાંત હું અહીં આલેખું છું.

ઉપક્રમ
મારો આ વૃત્તાંત લખી હું એકલી સ્ત્રીઓનો જ દોષ કાઢવા માગતો નથી. પુરુષ પણ એમાં કેટલે દરજ્જે ગુનેગાર હોય છે તે પણ સાથેસાથે તારા સમજવામાં આવશે. પરંતુ મુખ્યત્વે કરીને પાશ્ચાત્ય પ્રજાનાં અનુકરણોમાંનું એક, આ જમાનાનું સ્નેહલગ્ન એ એક ગાંડપણ છે–ભ્રમ છે – ‘ફસ’ છે એટલું જ જણાવવાનો મારો ઉદ્દેશ છે.

ગામેગામ, સર્વદિશાઓમાં સુધારાનાં બણગાં ફૂંકાઈ રહ્યાં છે. જ્યાં ને ત્યાં સુધારાની જ વાતો. પણ સુધારો એટલે યુરોપીય પ્રજાનું અનુકરણ. આપણામાં સુધારાની અગત્ય પણ એક નવાઈ જેવી રીતે જણાઈ આવે છે. દાખલા તરીકે પોતાને ઘેર છોકરી વિધવા થાય ત્યારે વિધવાવિવાહ આખા હિંદુસ્તાનને અગત્યનો છે એમ પિતા એ જણાવે છે; પણ જો પોતાની એ વિધવા છોકરીનું પુનઃલગ્ન એ વિધવાવિવાહનો હિમાયતી કરે તો જ એ ખરેખરો સમાજસુધારક કહેવાય. પરંતુ આવા સુધારા આપણા દેશને અનુકૂળ છે? આપણા ઉદ્દેશોને બંધ બેસે છે? એ વિચાર પ્રથમ શાંતપણે કરવા જેવા છે. ધર્મસંબંધી જ્ઞાન મેળવવું, રામાયણ, મહાભારત, ભાગવત આદિ ધર્મગ્રંથો વાંચવા, વેદનાં રહસ્યોમાં ઊંડા ઊતરવું એ હવે ધીમે ધીમે ‘ઑર્થોડોક્સી’ – પંદરમી સદીના વિચાર જણાય છે.

આવો એક સુધારો તે આપણું સ્નેહલગ્ન છે. જમાનો જ જાણે અધમ ગતિએ પહોંચતો હોય, જગતનું જાણે પરિવર્તન થતું હોય એમ આ વૃત્તાંત વાંચવાથી સમજાશે. હું કે મારી પત્ની જ કાંઈ આ આરોપને પાત્ર નથી, પરંતુ પુરુષ અને સ્ત્રી જાતિ જ હવે સામાન્ય રીતે મેં બતાવ્યું તે રૂપ લે છે.

ચાક્ષુષ રાગ
મારો જન્મ ૧૮૮૩માં થયેલો હતો, એટલે હાલ મારું વય ત્રીસ વરસનું છે. મારાં માબાપનું કુટુંબ ઉચ્ચ જ્ઞાતિનું છે, અને ખરેખર, એમને ઘેર જન્મ લીધાથી મને અત્યારે સંપૂર્ણ સંતોષ છે.

હું તેર વર્ષનો થયો ત્યારે જગદીશપ્રસાદ નામના મારી જ્ઞાતિના એક ગૃહસ્થની છોકરી સાથે મારો વિવાહ કરવામાં આવ્યો. તે વખતે ઇંદુરેખા સાત વર્ષની હતી. મારે ઘેર એ આવતી ત્યારે એ બાળાથી હું શરમાતો અને મારાથી એ પણ શરમાતી. પતિપત્નીનો સંબંધ જાણે અમે સમજતાં ન હોઈએ !

એક ચાકરડીની આંગળીએ વળગી એ મારે ઘેર જમવા આવતી. હું પણ એને ત્યાં શરમાતો ખચકાતો જતો; – તે વખતે તો જમવા જ માટે – સાસુના આમંત્રણને માન આપવા ખાતર જ કે માતુશ્રીના આગ્રહથી. પણ પાછળથી હું ત્યાં જવાનો ઠીક લાભ લેતો અને ઇંદુને અવારનવાર મળતો હતો.

વિવાહ થયાને છ વર્ષ વીતી ગયાં. હું હવે કૉલેજમાં અભ્યાસ કરતો હતો. ઇંદુ પણ નિશાળે જતી હતી. મારી વય હવે ઓગણીસ વરસની થઈ હતી. સંસ્કૃત, અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યના સંસ્કારો મારા હૃદયમાં પડવા માંડ્યા હતા, અને લગ્ન પછીના જીવનની કાલ્પનિક મનોરથ-સૃષ્ટિઓ રચતાં હું શીખ્યો હતો.

એક દિવસે ઇંદુરેખા મારે ત્યાં આવી. કોણ જાણે શાથી, પણ મારી અને ઇંદુરેખાની ‘પળવાર મળી દ્ષ્ટોદ્ષ્ટ', અને અમારાં હૃદય ચમક્યાં. એ યૌવનમાં પ્રવેશતી હતી. હું પણ જુવાનીના પૂરબહારમાં હતો.

તે દિવસથી પ્રીતિનો નવીન અનુભવ મને થવા લાગ્યો. પિતાએ અપાવેલી પત્નીમાં પ્રથમ દર્શને જ પ્રીતિ – કહેવાતી પ્રીતિ ઉત્પન્ન થઈ શું? એ પ્રીતિ પૂર્વજન્મનાં કર્મને લીધે ઉદ્ભવી હશે? તે વખતે તો એમ થતું હતું, ૫...ણ હાલ તો એમ નથી. એ માત્ર એક અનુભૂત મિથ્યા મોહ હતો.

તે દિવસથી ઇંદુ તરફ મારી મમતાની કંઈક શરૂઆત થઈ અને લક્ષ્ય તેના તરફ રોકાવા લાગ્યું. રસ્તામાં, જ્ઞાતિભોજન વેળાએ કે જ્યારે જ્યારે એ મળતી ત્યારે ત્યારે આખો દિવસ તેના જ વિચાર મારા મનમાં ઊભરાવા લાગતા. એને જ્યારે જ્યારે જોતો ત્યારે ત્યારે આનંદ જ થતો–સંતોષ થતો. દિવસે દિવસે મારું ઔત્સુક્ય વધતું ગયું. એને મળ્યા વગર દિવસ બે દિવસ જતા તો જાણે હદ થઈ જતી. માધવને માલતીનો તેમ મને ઇંદુનો વિરહ થવા લાગ્યો. એમ દિવસ જતાં બંનેનો સ્નેહ વધવા લાગ્યો, હૃદય હૃદયને ઓળખવા લાગ્યું, પરિચય પણ વધવા લાગ્યો; જોકે હજુ બોલી શક્યાં ન હતાં. મારી આંખ એના ઉપર પડતાં એની આંખ લજ્જાતી અને એની મારા પર પડતાં ખરેખર હું પણ શરમાતો. છતાંયે એકમેકને જોવાનું મન તો સરખું જ થતું.

ધીમે ધીમે તેની સાથે મને બહારના પરિચયમાં આવવાનું પણ મન થયું. બાળપણમાં માબાપે નક્કી કરેલી પત્નીને હવે મેં મારી મેળે પત્ની તરીકે કબૂલી. માતપિતાની કેળવણીને લીધે ઇંદુરેખામાં કંઈક હિંમત આવી હતી, અને તેના વર્તન ઉપરથી મને એમ લાગ્યું કે એને પણ મારા જેવી જ લાગણી થાય છે. મનોમન શાક્ષી પૂરતાં હતાં.

મુગ્ધાલાપ
એક દિવસે ઇંદુ મારે ત્યાં જમવા આવી હતી. એ જમી ન જમી ને ચાલી ગઈ. હવે તેના જીવનમાં, તેના વર્તનમાં – બધે હું ધ્યાન દેતો થયો હતો. એને આમ ચાલી જતી જોઈ મને કંઈક આશ્ચર્ય લાગ્યું.

માલતી મારા મામાની છોકરી હતી. ઇંદુરેખા ને માલતીને સારો સંબંધ હતો. મારે ને માલતીને કંઈક છૂટથી બોલવાનો વ્યવહાર હતો. તે વખતમાં તો એ જ અમારી સંયોગશૃંખલા હતી – એ જ અમારી સંકેતદૂત હતી. એટલે માલતીને મેં પૂછ્યું : ‘કેમ આજ તમારાં બેનપણી જલદી ચાલ્યાં ગયાં?'

વાતચીતનું મંડાણ થયું. હૃદય ખોલવાનું પહેલું પગથિયું શરૂ થયું.
‘કોણ જાણે, હું પૂછી લાવીશ.' માલતીએ જવાબ વાળ્યો.

શરૂઆતમાં છોકરીઓને વરવહુની વાતો બહુ ગમે છે. માલતીને પણ તેમજ હતું. મારા પ્રશ્નમાં કંઈ મહત્વ ન હતું, પણ માત્ર વાતના આરંભ ખાતર જ મેં તો પૂછ્યું હતું. તરત જ તેણે તે વાત ઇંદુને પૂછી અને બીજે દિવસે મને મળી હતી હસતી કહેવા લાગી : ‘હૃદયંગમભાઈ, એમણે પુછાવ્યું છે કે હું ટ્રેનિંગ કૉલેજમાં અંગ્રેજી શીખવા સારુ દાખલ થાઉં? '
    ‘પણ મેં પૂછ્યું હતું એનું શું કહ્યું?'
   ‘જમીને આવ્યાં હતાં અને વળી ઘેર જરૂરનું કામ હતું એટલે તરત જતાં રહ્યાં. પણ તમે કહોને, એ દાખલ થાય?’ માલતીએ મારા પ્રશ્નને નજીવો ગણી કાઢી પોતાની વાત આગળ ધરી.

 પ્રશ્ન જેટલો નજીવો હતો તેટલો જ ગહન હતો. કેળવણી વાસ્તે મને કદાચ કાંઈ વાંધો ન હતો, પણ અંગ્રેજી ભાષાની કેળવણીને બદલે પહેરવાઓઢવાની કેળવણી – પાશ્ચાત્ય રંગઢંગ દાખલ થઈ જાય તો? છતાં તે વખત તો મેં બહુ ધ્યાન દીધા સિવાય હા કહી.

તે દિવસથી અમારી વચ્ચે વાર્તાલાપનું મંડાણ થયું. હવે જેમ બને તેમ એના સ્વભાવ અને આચરણ સંબંધી જાણવામાં આવે તો સારું એમ ધારી એની હું ખૂબ પૂછપરછ કરતો; કારણ કે ઇંદુરેખા સાથે મારે સ્નેહલગ્ન કરવું હતું એને હું પસંદ કરીને પરણું – અર્થાત્ એને હું ગમું અને એ મને ગમે એનું નામ સ્નેહલગ્ન.

ખરેખર, તે દિવસોમાં એના સિવાય કોઈ બાબત પર મારું મન ચોંટે નહિ. ‘બસ મને તું પ્રિય છે, અત્યંત પ્રિય છે, કેટલી પ્રિય છે તેનું માપ મારાથી નથી કાઢી શકાતું’ એમ મનમાં બોલ્યા કરું.

ઉપર પ્રમાણે હું માલતી મારફત એના સંબંધીની હકીકતો જાણતો. ધીમેધીમે મેં ચિઠ્ઠીઓ મોકલવા માંડી અને ત્યાર પછી તો નિયમિત પત્રવ્યવહાર શરૂ કર્યો. ‘વહાલા હૃદયંગમ' અને ‘પ્રાણેશ્વરી ઇંદુ’, ‘પ્રિય સખી ઇંદુ', એમ ઉમળકા આવે તેમ અનેક વિશેષણો અમે એકએકને લખવા માંડ્યાં.

પહેલાં તો પત્રો લાંબા ઘસડાતા, પણ પછીથી કાંઈ લખવાનું સૂઝતું નહિ. ‘સાચું કહું છું કે મને તમારા સિવાય કોઈ ગમતું નથી’ એમ એ મને વારંવાર લખતી. હું પણ કોણ જાણે શાથી ‘આ હૃદયને હવે બીજું કાંઈ પ્રિય નથી' એમ સાક્ષરી ભાષામાં લખતો. સ્નેહલગ્ન તે જ સાક્ષાત્ સ્વર્ગ અને ‘જ્યાંજ્યાં સ્નેહલગ્ન છે ત્યાં ત્યાં સંસારમાં સ્વર્ગ છે’ (
ઇંદુકુમાર) એનો જાણે સાક્ષાત્ અનુભવ મને થવા લાગ્યો. અમે દૂર રહેલાં હતાં છતાં પણ પ્રીતિની અંદર લટપટ બની ગયાં. એને જાણે હું સંપૂર્ણ ઓળખી ગયો હોઉં અને તે મને જાણી ગઈ હોય તેમ પત્ર મારફતે અમે સ્નેહલગ્ન કરી ચૂક્યાં. આખા જીવન સુધી સાથે રહેવા છતાં પણ જે સ્વભાવની માહિતી સંપૂર્ણ રીતે ન મળે તે માહિતી જાણે અમને એકબે વર્ષના પત્રલેખનમાં મળી ગઈ.

સ્નેહમિલન
લગ્ન હવે નજીક આવતું ગયું. ‘એ હૃદયેશ્વરીનો હવે હું પૂરેપૂરો માલિક થઈશે. બસ, હવે તો તેને ક્યારે મળું' એમ થઈ રહ્યું. અનેક ઊર્મિઓ ને ઉત્કંઠાઓ થતી હતી. દિવસ વીતતા અને હૃદય છલકાતું.

લગ્ન આડા પાંચ દિવસ બાકી હતા. તે દિવસે મારે શ્વસુરગૃહે જમવાનું હતું. જમીને હું આગળના ઓરડામાં ઘડીક બેઠો હતો. સાસુ નીચે હતાં. જગદીશપ્રસાદ ઓચિંતા બહાર ગયા હતા. હું ખુરશીમાં બેઠો ‘ગુજરાતી’ વાંચતો હતો, એટલામાં કોઈકનાં પગલાંનો અવાજ સંભળાયો. જોઉં છું તો શરમાતી શરમાતી ‘કુમુદસુંદરી' જેવી ઇંદુરેખા મારી તરફ આવતી હતી. આંખની નીચે પ્રસ્વેદની કોર બંધાઈ રહી હતી. કપોલ પર ગુલાબી રંગ છાયો હતો. પંદર વર્ષની એ મુગ્ધ કાન્તા આજે કંઈક નવીન જ સુંદરતા બતાવતી હતી.

ઇંદુ ગભરાતી શરમાતી મારી ખુરશીને અઢેલી જાજમ પર નજર નાખી શાંત ઊભી રહી.
મારા હૃદયમાં તો કોણ જાણે શુંયે થતું હતું. આજુબાજુ જોઈ મેં એક હાથે તેનો હાથ પકડ્યો અને બીજે હાથે એની સાડીનો છેડો ઝાલી કાંઈક અલૌકિક આનંદ અનુભવતાં મેં પૂછ્યું, ‘કહો, કેમ છો?’
‘હું તો પૂછવા આવી છું કે દ્ઢ છો ને સ્નેહમાં? ખામી તો નહિ આવે ને?'
‘ઓ..હો ! એ પ્રશ્ન હવે ઉદ્ભવે જ ક્યાંથી? હું તો તમને ક્યારનોયે પરણી ચૂક્યો છું. હવે તો ક્યારે એ બાહ્ય આડંબર થઈ જાય, એમ થયા કરે છે.'
‘ત્યારે તો ઠીક; નહિ તો પછી થોડાક જ દિવસ રહ્યા છે.'
‘તમારે એ શંકા આણવાની જરૂર નથી.'
‘લ્યો, હું જાઉં છું. બહેન આવશે.'
‘એ કંઈ ઉપર નહિ આવે. ઉતાવળ શી છે? જવાય છે. ઊભાં તો રહો.’ ‘ભાઈસાહેબ જવાદો ને.’
‘ના, એમ જવાનું નથી.’
મારો સ્નેહ ઊભરાતો હતો. એના હાથ પકડ્યા હતા તે મેં છોડી દઈ એની કમ્મર ઉપર વીંટાળ્યા અને રોકી રાખતો હોઉં તેમ છાતી સરખી ચાંપી. અમારી
ઊર્મિઓ અન્યોન્યમાં શમી.
‘ખસો, જવા દો. આમ ગાંડાં શું કાઢો છો ? કોઈક આવશે.’

બોલતાં એનાં મનની કાંઈક જુદી જ સ્થિતિ થઈ હોય એમ લાગ્યું. મેં આશ્લેષ લીધો તેથી જાણે એને ગમ્યું ન હોય તેમ દેખાડ્યું. અંતરમાં તો એ સંપૂર્ણ સંતુષ્ટ હતી. મારાથી એના કેશ ચૂંથાઈ ગયા હતા તે ઠીક કરતી એ જવા લાગી, તેનો હાથ પકડી મેં પૂછ્યું: ‘ફરી ક્યારે મળશો?’

‘આમ પજવો છો તે હું તો નહિ આવું.' એમ કાંઈક સ્મિત ને કાંઈક બાહ્ય રોષ સાથે બોલતી એ પાછળના મેડામાં ચાલી ગઈ.
મને હર્ષ અને શોક બંને થયા હતા. કેવો આનંદ થયો ! હજી વધુ રહી હોત તો ઠીક થાત. એમ વારાફરતી લાગણી થયા કરતી હતી.

સ્નેહલગ્ન
આજે લગ્નનો દિવસ હતો. મારે ઘેર ધામધૂમ ચાલી રહી હતી. સગાંસ્નેહી મારે ઘેર કામકાજ કરવા આવેલાં હતાં. ધીમે મીઠે સ્વરે મારી બહેનો લગ્નપ્રસંગનાં ગીતો ગાતી હતી. કોઈ અવર્ણનીય આનંદ તે વખતે મારા ઘરમાં અને હૃદયમાં પ્રસરેલો હતો.

હું ઉપરના મારા ઓરડામાં આંટા મારતો છૂપી રીતે આણેલી પ્રિય ઇંદુની છબીને જોયા કરતો હતો. એટલામાં કુમુદેશ – મારા મિત્રોમાંનો એક – ત્યાં આવી પહોંચ્યો. મેં ખૂબીથી છબી છુપાવી. અને ‘આવો સાહેબ’ એવો સંબંધને લીધે મશ્કરી સાથેનો આવકાર આપ્યો. એ ખુરશી પર બેઠો અને હું પણ બેઠો.

‘કેમ, સાંજે મારી સાથે છેક સુધી રહેશો ને?’ મેં પૂછ્યું.
‘હા, હા; શા માટે નહિ? મારે લગ્નક્રમ જોવો છે એટલે તમે નહિ કહો તોયે હું બેસીશ. ત્યારે આજ તો તમે ધૂસરીએ જોડાવાના, કેમ?’ કાંઈક સ્મિત સાથે એ બોલ્યો.

‘કુમુદેશ, હું કાંઈ એને ધૂસરી નથી ગણતો. ખરેખર, ઍની બેસન્ટ કહે છે તેમ આપણા હિંદુ તપસ્વીઓ આપણા ઘણા અપરાધી છે. તે લોકોએ સ્ત્રીઓને નિંદવામાં બાકી જ નથી રાખી. મોક્ષ મેળવવા જતાં, દેશોદયની હિલચાલમાં, વૈરાગ્ય વૃત્તિમાં આડે આવનારી, કલહકજિયો કરાવવામાં તે, – એમ બધી બાબતોમાં દોષી તો સ્ત્રીઓ જ. બિચારા પુરુષો કંઈ સમજે છે? એ તો જાણે નિર્દોષ બાળક ! હું એમ નથી માનતો. સ્ત્રીઓમાં સદ્દગુણોનો અલૌકિક ભંડાર છે. દોષદ્ષ્ટિએ તો અલબત્ત, બધું દુર્ગુણમય જ દેખાય. ખરેખર સ્ત્રીઓ આપણી સાથી છે. કુમુદેશ ! તમારાથી છૂટા પડવું પડશે પણ ઇંદુરેખા તો સદાયે સાથે જ રહેવાની. અને મને તો એમ લાગે છે કે સ્વર્ગમાં ઊડવા વાસ્તે સ્ત્રી તે ખરેખર આપણી પાંખ છે.' મેં કહ્યું.

આ બધામાં પ્રીતિ જ – કહેવાતી પ્રીતિ જ કારણરૂપ હતી. સ્ત્રીમાં સ્વર્ગ, મોક્ષ, ઈશ્વર, બ્રહ્મ વગેરે ધીમેધીમે મને ભાસેલાં હતાં. કંઈક કવિતાઓ જે પ્રિય ઇંદુને સંબોધી હું લખતો હતો એ જ ઇંદુને આજે સાંજે હું પરણવાનો હતો.

સાંજ પડી અને વરઘોડો ચડ્યો. પૂર દમામ સાથે મારા પિતાજીએ વેવાઈને ઘેર જાન તેડી આણી. કહ્યા પ્રમાણે હું મંડપમાં જઈ બેઠો. વખત થતાં ઇંદુને પણ મારી સામે બેસાડવામાં આવી. હસ્તમેળાપનો વખત થયો. મધુર સ્વરે મંગલાષ્ટકો ગવાતાં હતાં. હું તો જાણે સ્વર્ગમાં હોઉં- અપ્સરાગણથી વીંટાયેલો હોઉં- એમ લાગતું હતું. એ મારે રોમેરોમ આનંદ પ્રસરી રહ્યો હતો. મુહૂર્ત આવતાં ગુરુદેવે અમારા હસ્ત મેળવ્યા અને તે જ વખતે અમારા હૃદયમાંથી સ્નેહના પ્રવાહ અન્યોન્યમાં હસ્તપંથે વહ્યા. હું ધીમોધીમો અર્થસૂચન કરવાને તેનો હાથ દબાવતો હતો; ‘ઇંદુરેખા, હવે તમે મારાં થયાં છો !' એમ જાણે મારો કર બોલતો હતો.

લગ્નમાં બેઠા પછી તે ઊઠ્યા સુધીનો સમય કોણ જાણે કેમ, પણ ઓછો થઈ ગયો હોય એમ લાગ્યું. બીજાનાં લગ્નમાં ઘણો વખત જાય છે ને મારામાં આટલો જ કેમ ! એ જ વિચાર થવા લાગ્યો અને તરત જ એ શંકા દૂર કરવાને મેં કુમુદેશને પૂછ્યું.

‘તમને તો લગ્નસમય ટૂંકો જ લાગે ને? પૂછો તમારા પિતાજીને. ક્યારના કંટાળતા હતા કે આટલું બધું મોડું કેમ? નકામી રાત જાય છે, એ લોક સમજતા નથી. પાછું પૂર્ણ વિધિસર લગ્ન થતું હશે તો ! સુધરેલા ખરા ને !” કુમુદેશે પિતાના શબ્દો અવતારીને કહ્યું.

ત્યાર પછી અમે ઘેર ગયાં. જોતજોતાંમાં લગ્નના દિવસને પંદર દિવસ વીતી ગયા. જમણવાર વગેરે બાબતો હવે ક્યારનીયે પતી ગઈ હતી.

થઈ રહ્યું. પરણવાનાં હતાં તે પરણી ચૂક્યાં. દિવસ ગયા તેની ખબરે ન પડી. આમ વારંવાર મનમાં વિચારો આવતા હતા. એ દિવસોના અનુભવો ફરીથી થાય એમ મને ઇચ્છા નહોતી, પણ એ દિવસો વધારે ટક્યા હોત તો ઠીક થાત એમ મનને લાગતું.

ખરેખર, મારી સ્થિતિમાં કંઈક નવો જ ફેરફાર થવા માંડ્યો. યૌવને મારો દેહ છવાયો. કંદર્પનાં બાણ શું તે ન સમજનારો, તેને એક વ્યર્થ કલ્પના માનનારો હું, એ જ કુસુમશરના ઘા અનુભવવા લાગ્યો ! ‘पश्य़ामि ताम...’ વગેરે કહી અંતે સર્વવ્યાપક માનવા લાગ્યો. ‘प्रासादेषु' વગેરે બોલી અદ્વૈતવાદ સિદ્ધ કરવા લાગ્યો. કૃષ્ણને, માધવને, દુષ્યન્તને થયેલી વિરહવેદના મારા હૃદયમાં – આખે શરીરે થવા લાગી.

એક દિવસ રાત્રે હું પથારીમાં આડો પડ્યો હતો. જરા પણ ઊંઘ નહોતી આવતી. થોડીથોડી વારે બારીમાં ઊભો રહી જે દિશામાં એ રહેતી હતી તે દિશા તરફ મીટ માંડતો હતો. પલકે પલકે પાછો શયનમાં લોટતો હતો. તે વખતે રાત્રિના બાર વાગ્યા હતા. પૂર્ણિમા હતી. ચંદ્ર મસ્તિકે ચઢ્યો હતો. ‘પ્રિયતમે ! દેવી ! પ્રાણેશ્વરી ! હૃદયેશ્વરી ! જીવનેશ્વરી ! મુજ આત્મન્ !' એમ જેમ આવે તેમ વિશેષણો લગાડી હું લવતો. અને મારો વિયોગ શાંત કરતો હતો. ‘हसे नारो पति: कंठे मय़ा विश्लेषति शत्रुणा’| રઘુપતિ, એનો અર્થ હું બરોબર સમજી શકું છું. અનુભવી શકું છું.....

‘પ્રિય ઇંદુ, મારા જીવનની ચંદ્રિકા! હવે તો આ હૃદય વધારે દૂર નહિ રહી શકે.’ હું ચંદ્ર સામે જોઈ બોલતો હતો :–
‘અરે ઓ ચંદ્ર ! ઓ વ્હાલા ! વિનંતિ લે સખે કાને,
જરી સંદેશ આ મારો પ્રિયાને જઈને કહેને તું.
પ્રસારી કૌમુદી તારી પ્રિયાના કર્ણ પર પ્યારા !
ન કાં સંદેશ આ મારો સખીને જઈને કહે ને તું?
મને કવિતા સ્ફુરતી હતી; ચંદ્રને મારો દૂત બનાવતો હતો : કિરણ સાથે સંદેશ કહેવડાવતો હતો; ત્યાં વળી એકાએક વિચાર આવ્યો : આ આકર્ષણનું કારણ શું હશે? પ્રીતિ શું? આ બધું મને શાને લીધે થાય છે? કોઈ magnatism આકર્ષણશક્તિ અમારા બંનેની વચ્ચે રહેતી હશે? ઘડીમાં હતાશ બનતો, ઘડીમાં મારી આવી માનસિક નબળાઈને ઠપકો દેતો, હું બે અઢી વાગતાં ઊંઘી ગયો.

પ્રેમ-પરાકાષ્ઠા
પ્રીતિની પરાકાષ્ઠા પર હું આજે ચડવાનો હતો, કારણ કે આજે મારો ચંદ્રરજની (Honey moon)નો પ્રસંગ હતો. પરણ્યા પછી અત્યારસુધી માતુશ્રીએ ઇંદુરેખાને ઘેર નહોતી તેડી. તેથી તેના પર વારંવાર રોષ આવતો. આજે તે રોષનું સાંત્વન હતું. સવારમાં ઊઠ્યો ત્યારથી મને આનંદ થયા કરે. કોઈની સાથે વાત કરતાં, કાંઈ કામ કરતાં પણ એ આનંદ તો જારી જ રહેતો. એકી વખતે બે અનુભવો મને થયે જતા હતા. સાંજે ફરી આવી વહેલો ઘેર આવ્યો અને વાળુ કરી મેડે પ્રિય ઇંદુની વાટ જોતો હતો. એને જોઈ શકું તેમ બારી આગળ ખુરશી નાખી બેસી રહ્યો હતો. આઠ-સાડાઆઠ થતાં એ મારે ઘેર આવી. અત્યારે તેનું સૌંદર્ય કાંઈ ઓર જ દેખાતું હતું. માથે વાંકી સેંથી પાડી હતી. ગળામાં ઝીણો અછોડો પહેર્યો હતો. છેલ્લામાં છેલ્લી ઢબનું પોલકું પહેર્યું હતું અને આછો ગુલાબી સાળુ ઓઢ્યો હતો. એના મુખ ઉપર તો આજે શરમના ગંજ વળી ગયા હતા.

એ આવીને બહેન પાસે નીચું જોઈ ઊભી રહી.
‘બેસો ભાભી ! આવી પહોંચ્યાં?'
ઇંદુનું શરીર થરથર કંપતું હતું. બહેન આગળ તો આંખમાં આંસુ પડે તેમ થઈ રહ્યું હતું. મારી આગળ આવવું તેને ગમતું હતું. પણ તે કોઈ જાણે નહિ તેવી રીતે. આખા ગામને ખબર પડે તેમ એને મારો સહવાસ આવ્યાથી શરમ આવ્યા વગર તે રહે? નણંદ, સાસુસસરો અને પોતાનાં માબાપ – આમ બધાં વડીલ જાણે એ તે ખમાય? છતાંયે રીતરિવાજને અનુસરીને એ બધું કરવું પડ્યું.

‘આવો, ભાભી ! આવ્યાં કે !' એમ નાના દિયરજી અને સાસુજીના આવકારો ઝીલતાંય ઇંદુરેખાના હૃદયમાં ચીરાડો પડતી હતી.

બહેને છાબડીમાંથી એને ફૂલહાર પહેરાવ્યો અને હાથે ગજરા બાંધ્યા. કપાળમાં આડ કરી ચાંલ્લો કર્યો ને સુંદરતામાં વધારો કર્યો. ‘જાઓ ભાભી ! તમારા ઓરડામાં દીવો કરો અને ચોપડી પડી હોય તો વાંચજો.’

દીવોબીવો કાંઈ કરવાનો નહોતો. ક્યારનોયે ચાકર બધી ગોઠવણ કરી ગયો હતો. પણ કાંઈ એમ કહેવાય કે મારા ભાઈ તમારી વાટ જુએ છે તે જાઓ?
આવતાં આવતાં દાદર પર એ અટકી ગઈ અને રોકેલો અશ્રુભાર ખાલી કર્યો. એ ખૂબ રડી – એનાથી રડી પડાયું.

અરે ઓ હિંદુ સંસાર ! આના કરતાં અમને બેને ક્યાંક એકલાં મુસાફરી કરવા મોકલ્યાં હોત તોયે ઠીક થાત. બિચારીને આટલી બધી શરમાવીને રડાવી !

આખરે ઇંદુ ઉપર આવી. હું તો બારણાં પાસે એની જ વાટ જોતો હતો. આવી એવી જ મેં એનો હાથ પકડી કોચ ઉપર બેસાડી અને એના હાથમાં હાથ મેળવી એની સાથે બેઠો. ઘણે દિવસે – અરે પહેલી જ વાર આજે આમ મળવાનો પ્રસંગ આવ્યો હતો.
‘અહીં ગમશે ને?'
‘બળ્યું ગમવું ! આ તે ખમાય ? વડીલો, ગુરુજનો વગેરે આગળ આમ શરમિંદા પડવું પડે તે!’ કંટાળીને ઇંદુ બોલી.
‘હશે, હવે જે થવાનું હતું તે થઈ ગયું. પા કલાક પછી કશુંયે નહિ સાંભરે. આટલાં બધાં પરણ્યાં એમને એમ નહિ કરવું પડ્યું હોય?’ મેં સાંત્વન કરતાં કહ્યું અને ઇંદુ માટે ગૂંથાવેલો ફૂલહાર મેં એના ગળામાં પહેરાવ્યો અને ગુલાબદાનીમાંથી ખૂબ સેંટ એના પર છાંટ્યું. એટલે સુધી કે તે બિચારી અકળાઈ ગઈ. પણ હવે મારો વારો આવવાનો હતો. પોતાના ગળામાંથી બહેને પહેરાવેલો હાર– દેવીની પ્રસાદી સરખો – એણે મારા ગળામાં આરોપ્યો.
હું રહ્યો જરા સાહિત્યવિલાસી – literary tasteવાળો – એટલે હું એને અગાશીમાં લઈ ગયો. બે ખુરશીઓ ત્યાં ગોઠવી અને ચંદ્રના સન્મુખ અમે પ્રેમગોષ્ટી કરતાં બેઠાં.
‘અડોઅડ કપોલ લાગી રહેલ.
મંદ અતિ મંદ શી ગોષ્ટી મચેલ.’ (ઉત્તરરામચરિત્ર.)

એ લીટીઓ મને યાદ આવી અને ખરેખર તેમ જ કરવાનું મન થયું. અહો ! એ દિવસે તો કાંઈ ઓર જ આનંદ પ્રસરેલો હતો.

રાગશૈથિલ્ય
ઉચ્ચગમન થઈ ગયું અને હવે જાણે અધઃપતન શરૂ થયું. હજી પ્રથમ પરિચય પછી માત્ર એક જ મહિનો વીત્યો હતો એટલામાં તો અમારામાં વિરોધી ફેરફારો શરૂ થવા લાગ્યા. પહેલાં અમે એકમેકના સદ્દગુણ જોતાં. હવે દુર્ગુણો-છિદ્રો તરફ નજર જવા લાગી.

ટ્રેનિંગ કૉલેજમાં ઇન્દુરેખાએ અંગ્રેજી ચોથી સુધી અભ્યાસ કર્યો હતો અને તે પછી ભણવાનું છોડી દીધેલું. શરૂઆતમાં થોડા દિવસ મેં એને ઘેર ભણાવવાનું ચાલુ રાખ્યું હતું તે પણ ધીમેધીમે છોડી દીધું. પારસી છોકરીઓનું અનુકરણ કરવાનું જ્ઞાન એણે સારી રીતે મેળવ્યું હતું. પગમાં ઊંચી એડીવાળા બૂટ, લાંબી બાર હાથની સાડી અને છેલ્લાંમાં છેલ્લી ફૅશનનું પાલકું વગેરે એનો હંમેશનો પોશાક હતો. છૂટથી ચાંપલું ચાંપલું બોલવું, નજીવી બાબતોમાં સમજ્યા સિવાય હદ કરતાં વધારે હઠ કરવી એ બધું અંગ્રેજી કેળવણીનું પરિણામ એનામાં આવ્યું હતું.

‘અરધું અંગ ઉધાડું રહે એવાં પોલકા તમે ના પહેરશો.' એમ કહું ત્યારે ‘તમારી પાસે લેવા આવું ત્યારે ના આપશો, મારે ઘેરથી સીવડાવું છું તેમાં તમારા બાપનું શું જાય છે ?' એમ જવાબ મળતો. ‘ઝીણાંઝીણાં સાળુ અને ચોળીઓ પહેરો છો તે ઠીક નથી દેખાતું’ કહું તો એના જવાબમાં ‘તમે કેમ ઝીણાં પહેરણ પહેરો છો? તમને તાપ લાગે અને અમને ન લાગે ?'

એને મારામાં હઠીલાઈ, કંજૂસાઈ વગેરે દોષો દેખાવા લાગ્યા. દરરોજ જુદીજુદી સાડી પહેરવાની હું ના કહું તો મારવાડી લાગું; કપાળમાં ચાંલ્લો કરવાનું કહું તો પંદરમી સદીનો ગણાઉ; પાસે બેસું તો બાયલો દેખાઉ !

Familiarity breeds contemptનો અનુભવ હવે મને બરોબર થયો. સંજોગવશાત્ નોકરી મારે મુંબઈ થઈ. હું ત્યાં જવા નીકળ્યો. મારી સાથે આવવાની એણે ના કહી, કારણ કે ઘરબારનું નક્કી થયા સિવાય ત્યાં આવવું એ ઠીક ન હતું. હું ગયો અને બેત્રણ દિવસમાં ગોઠવણ કરી એને કાગળ લખ્યો. જવાબ આવ્યો કે ‘હું છ દિવસ પછી આવીશ. મારી એક બહેનપણી સ્ટેશન ઉપરથી પસાર થવાની છે એને મળીને આવીશ.'

વારું, આપણે વળી છ દિવસ વધારે. સાતમો દિવસ થયો તોપણ એ ન આવી. મેં ફરી કાગળ લખ્યો. એણે દસમે દિવસે આવવાનું લખ્યું. ફરી તેને લેવાને હું સ્ટેશન ઉપર ગયો. જાણે એમના ભાઈની જાનમાં નીકળ્યાં હોય તેમ બધા નવા શણગારો એમણે અંગ ઉપર લાદ્યા હતા. જોકે હું પણ કાંઈ કમ ડ્રેસમાં ગયો નહોતો. મને જોઈ એને પણ લાગ્યું કે ‘પોતે પૈસા ઉડાવે છે અને હું કાંઈક કરું છું ત્યારે દાંતિયાં કરે છે !'

એ ત્યાં આવી અને અમારો સ્વતંત્ર સંસાર શરૂ થયો. હું સવારે સાડાદસ વાગ્યે નોકરી પર જતો ને સાંજે ચોપાટી પર એક આંટો મારીને ઘેર આવતો તે વખતે વાળુની તૈયારી થતી હોય. વાળુ કરી પાડોશીને ઘેર જઈ ગપ્પાં મારતો. ઇંદુ પણ જોડે એક બેનપણી સાથે અલબેલી મુંબઈની વાતો કરવા જતી. પહેલાં સ્નેહમાં જે ચૈતન્ય હતું તેમાં હવે જડતા લાગી. શીતળતા હતી ત્યાં ઉષ્ણતા લાગી. નિઃસ્વાર્થ હતો ત્યાં સ્વાર્થ લાગ્યો.

મારો વાંક પણ કાંઈ થોડો ન હતો. હું પણ રેશમી કોરનું ધોતિયું અને કોઈકોઈ વખત પાટલૂન ચઢાવતો. ગળામાં કૉલર, ટાઈ ઠઠારીને બહાર જતો. પણ એ જો સારાં લૂગડાં પહેરતી તો સ્ત્રીઓની જાત vain - મિથ્યાગુમાની એમ મને લાગતું.

એક દિવસની વાત છે. રવિવાર હતો. ઇંદુએ મને એ દિવસે સાંજે કહ્યું કે ‘હું ચોપાટી પર ફરવા જવાની છું.'
મારી રજાની અગત્ય ન હતી. માત્ર મને જણાવવામાં એની ફરજ પૂરી થતી હતી.

‘મારી મરજી તો એમ છે કે તમારે ન જવું. જો ફરવા જવું હોય તો ચોપાટી કરતાં કોઈક બીજી જગ્યા ઉપર લઈ જાઉં.’ મેં ઉત્તર આપ્યો.
‘પણ જોડેનાં જવાનાં છે એમની જોડે હું તો જઈશ.'
‘ઇંદુરેખા ! આજ્ઞા પાળવામાં શિથિલતા બહુ દેખાડો છો. સપ્તપદી બોલ્યાં હતાં તે સાંભરે છે?' મેં મના કરી.
‘હવે ઊંઘી તમારી સપ્તપદી. મારે તો મોડું થાય છે. લૂગડાં પહેરતાં હજી વાર થશે.’ આમ કહી તે એકદમ બહાર ગઈ ને જોડેની એની સખીને ‘સમર્થબહેન તમે શું પહેરવાનાં છો?' પૂછ્યું. બંને જણાંએ નક્કી કરી કલાકે લૂગડાં પહેર્યાં અને સાડા છ વાગ્યા એટલે ચોપાટી તરફ વળ્યાં.

સમર્થ મારી સાથેના ભાગમાં રહેતી હતી. ઘણાં વર્ષથી એ મુંબઈમાં વસેલી એટલે બરોબર મુંબઈવાસી ફૅશનેબલ સમર્થ બની ગઈ હતી. તેનાં બહેનપણાં મને બિલકુલ ગમતાં નહિ. મેં ઇંદુને બેત્રણ વખત કહેલું પણ ખરું, પણ મારી આજ્ઞાનું પરિણામ અવગણના જ હતી.

પણ મારું કહેવું એ ક્યાંથી સાંભળે? એ ગઈ ને તરત જ કોટ-પેન્ટ ચઢાવી જે સ્થળ મને ન જવા જેવું લાગતું તે જ સ્થળ ચોપાટીએ હું પણ ચાલ્યો. રસ્તામાં એ બંને જણાં મને મળ્યાં. સાડાસાત આઠ થયા એટલે પાછો ઘેર આવ્યો, અને ઘરમાં પેસતાંની સાથે જ આવકાર મળ્યો : ‘મને ના કહેતા હતા અને તમે કેમ આવ્યા? અમારે જવા લાયક નહિ તે તમારે લાયક હોવાનું કારણ?’

આ બનાવ પછી મારા ઘરમાં suffragist– સ્ત્રીહક માગવાની હિલચાલ શરૂ થઈ. હું જે કરું તે એ કરવાની જ. તે એટલે સુધી કે એક બે વખત સમર્થ સાથે હોટેલમાં જતી મેં જોયેલી, અને એક વખત તો બંને જણાં પોતપોતાના પતિનાં પાટલૂન, કોટ, ટાઈ, કૉલર વગેરે પહેરી ઘરમાં છાનાંમાનાં shakehand કરતાં પકડાયેલાં

વહાલઘેલછા
પરણ્યા પછી છ વરસ વીતી ગયાં હતાં. એટલામાં મારે ઘેર કુટુંબમાં એક બાળકની વૃદ્ધિ થઈ હતી. હવે અમે પૂરેપૂરાં કુટુંબી થયાં હતાં. જ્યોતિ તે વખતે બે વર્ષનો થયો હતો. એની વૃદ્ધિની સાથે મારા ખર્ચમાં પણ વૃદ્ધિ થયે જતી હતી. મને સો રૂપિયા મળતા તે પૂરેપૂરા ભુક્કો થઈ જતા. હવે તો વળી જ્યોતિનું – અને તે પણ ઇંદુરેખાની જયોતિનું ખર્ચ થવા લાગ્યું હતું.

બાળક થયા પછી એ મારી પરવા ઓછી કરવા લાગી. જ્યોતિને લૂગડાં, જ્યોતિને બૂટ-મોજાં, જ્યોતિને અછોડો. બસ આખો દિવસ તેની જ વાતચીત. આવી સ્થિતિ છતાં પણ અમે કંઈ બહારથી લડેલાં નહિ. કોઈક દિવસ માત્ર મતભેદ થઈ જાય, પણ બીજે દિવસે તો પાછાં વહાલસોયાં બની જઈએ, કારણ એને મારા સિવાય છૂટકો ન હતો અને મારે એના વગર ઘડી ચાલતું ન હતું. માત્ર અમારાં મન ધીમેધીમે ઊંચાં થયે જતાં હતાં. અમારો કંકાસ કેવી રીતે વધતો ગયો તે જ હું અહીં બતાવું છું. આ ઉપરથી એમ નથી સમજવાનું કે આ છ વર્ષ તદ્દન કલહમય જ હતાં.

જયોતિ આવ્યો અને મારાં માન ઊતર્યાં. જ્યોતિ રડતો હોય ને હું ધમકાવું તો ઇંદુ મને ધમકાવે : ‘ખસો આઘા ! છાના રાખવા બેઠા છો ! એમ બે વરસના છોકરાને મરાતો હશે?’

મારી એ મૂર્ખાઈ તો હતી જ, પણ બહુ રડે એટલે વિવેક જતો રહે અને એકબે ધપ્પા દેવાઈ જાય. મારા હાથમાંથી લીધા પછી ઇંદુ જયોતિને શીખવાડતી : ‘કર ભાઈ હત્તા. એમણે તને માર્યો, ખરું? કરો હત્તા.' એમ કહી પોતાના હાથે જયોતિનો હાથ ઝાલી મારા ખભા ઉપર એક-બે ટપલીઓ લગાવતી. એથી કંઈ મને વાગતું ન હતું, પરંતુ આવું શિક્ષણ અપાય ત્યાં ભવિષ્યમાં છોકરા બાપની આજ્ઞામાં ન રહે તેમાં નવાઈ શી?

દૂષિત હ્રદય
એક દિવસ મારે કાંઈક રજા હતી. ઇંદુ ઘેર હતી. જ્યોતિ ઊંઘતો હતો. બે-ત્રણ વાગતાં હું જરા બહાર ગયો હતો અને પાછો ઘરમાં આવી જોઉં છું તો ઇંદુરેખા પાછલી બારીએ એકીટશે કંઈક જોઈ રહી હતી. છૂપી રીતે હું અંદરના ઓરડામાં ગયો અને એની પાછળ ઊભો રહી જોઉં છું તો સામેના માળાના છજામાં એક પચીસેક વર્ષનો પુરુષ ઊભો હતો અને તેની સાથે નજરેનજર મિલાવી ઇંદુ શાંત મૂઢ બની ઊભી રહી હતી. અંદરના મેડામાં એની બહેન હોય કે પત્ની હોય, પણ કોઈક સ્ત્રી ઊભી હતી. મારી અને તે સ્ત્રીની નજર ઘડીભર એક થઈ.

ઇંદુની નજર એ સ્ત્રી તરફ ગઈ. એ ક્યાં જુએ છે એ જાણવાને ઇંદુએ પાછું જોયું. અને ઓ ! એને ઠગવાને મેં એકદમ નજર નીચી નાખી દીધી. એ પણ ગભરાઈ ગઈ. ‘હું તો કેટલી ફફડી ઊઠી ! આમ છાનાછપના શું આવો છો? હું તો બીની કે આ ઘરમાં કોણ પેઠું ?'

મારા ઉપર ચડેલો ક્રોધ એણે બીજી રીતે શમાવ્યો. એ મને પામી ગઈ, હું એને જાણી ગયો. અમે બંને દૂષિત થયાં હતાં, પરંતુ મારી ભૂલ મને ન સમજાઈ અને એનો દોષ એને પણ ન લાગ્યો.

‘બસ, આવો પ્રેમ રાખો છો કે ? વચનો આપ્યાં હતાં તે આવાં પાળો છો કે ?' અમે અરસપરસ પૂછતાં હતાં. અને ત્યારથી અમારા કંકાસનું બરોબર મંડાણ થયું. ત્યારથી અમે એકબીજા સાથે બોલીએ પણ ઓછું. બેસીએ પણ ઓછું. કામ સિવાયની વાતચીત પણ અટકી.

થોડા દિવસ રહી એ પિયર ગઈ. મને તો એ ખૂબ ગમ્યું. એમ બેત્રણ મહિના છૂટા પડવાથી કદાચ શાંતિ પણ થાય. પરંતુ એ હવે બને તેમ ન હતું. થોડા દિવસ પછી એ પાછી આવી.

હવે હું વધારે લાગણીવાળો થયો હતો, જ્યારે એ વધારે હઠીલી થઈ હતી. હું એને કાંઈ કહું તો એ જાણીજોઈને એથી ઊલટું કહેતી; એથી મને ક્રોધ ચઢતો. હવે ધીમેધીમે મેં ઇંદુ પર હાથ ઉપાડવો શરૂ કર્યો, તે એટલે સુધી વધ્યો કે પછી તો હાથમાં આવે તે ફટકારતો. એક વખત તો એની બંગડી નંદાઈ જવાથી કાચ કાંડામાં પેસી ગયેલો અને લોહી નીકળેલું.

ધીમેધીમે ઇંદુને માર મારવામાં હું ટેવાઈ ગયો. પણ આમ વધારે દિવસ હવે ટકે તેમ નહોતું. હું એનાથી સંપૂર્ણ કંટાળેલો હતો. એ પણ મારાથી કાંઈ ઓછી કંટાળી ન હતી.

રાગ-વિરાગ
હવે ઇંદુ મહિનોમાસ મારી પાસે રહી છ મહિના પિયર જતી રહે. કોઈ વાર હું એને કાઢી પણ મૂકતો. આમ મારી સ્થિતિમાં ને વિચારોમાં ફેરફારો થવા લાગ્યા : ‘આ મેં ક્યાં લપ વ્હોરી ! પરણ્યો તે બહુ જ ભૂલ કરી; ખરેખરી ભૂલ કરી !' અરે, આપણા લગ્નની આ રૂઢિ બહુ જ ખરાબ છે. બિચારા વિલાયતના લોકોને આ બાબતમાં તો ઘણું સુખ છે. ન ફાવે તો ચાલ નીકળી જા; છૂટાછેડા ! તારે પરણવું હોય ત્યાં પરણ; મને ફાવશે તે હું કરીશ. વળી પટે લગ્ન થતાં હોય તો કેવું સારું? દસ વર્ષ કે એવી કાંઈક મુદત બાંધી હોય તો ઠીક પડે. દસ વર્ષ બને તો સાથે રહીએ, નહિ તો તું તારે રસ્તે અને હું મારે રસ્તે.

પહેલાં કેવું મીઠુંમીઠું બોલતાં હતાં. ‘તમારા વગર તો મને જીવવુંયે ગમતું નથી. જિંદગી સુધી પણ તમને ચાહતી નહિ અટકું. કદાચ મર્યા પછી પણ આપણે એકઠાં ને એકઠાં જ રહીએ તો કેવું સારું !' ક્યાં ગઈ એ બધી સ્નેહઊર્મિઓ? ઠગારી ! મને ઠગ્યો ! ખરેખર, હું નહોતો ધારતો કે તું આમ કરીશ. જો મને પહેલેથી ખબર હોત તો હું તને પરણત જ નહિ.’

પરણ્યા પછી બાર વર્ષ વીત્યાં હતાં. કલહકંકાસ કરતાં અમારું ગાડું આટલે સુધી આવ્યું હતું. હવે તો જિંદગી ક્યારે ટૂંકી થાય એમ બંનેને થતું હતું. યાત્રાએ જઈએ તો સાથે પૂજા કરવા પણ ન બેસીએ. કદાચ આવતે અવતાર એ મને મળે અને હું એને મળું તો ! એમ હવે તો આવતા ભવનો ભય લાગ્યો કે રખેને પાછાં અમે સાથે જોડાઈએ!

ત્રણેક મહિના રાખી મેં એને કાઢી મૂકી હતી અને હવે ફરીથી આવવું નહિ એમ ખાસ સૂચવ્યું હતું. એ ઘેર ગઈ અને દસ દિવસ પછી મારા પર એક વકીલની સહી સાથે નોટિસ આવી કે ‘જો તમારી ધર્મપત્નીને અને તમારા હક્કદાર વારસને રહેવા, ખાવા અને પહેરવા બદલ ખર્ચ પૂરું પાડવામાં નહિ આવે તો કાયદા મુજબ કેસ ચલાવવામાં આવશે’ પહેલાં તો હું ખચકાયો પણ પછી મહિને પંદર રૂપિયા મોકલવાનું લખી વાળ્યું.

પ્રણય પૂર્ણાહુતિ
તે પછી એક વર્ષ મેં ગમે તેમ મુંબઈમાં કાઢ્યું અને પછી અત્યંત લાગણી થવાથી મારા મિત્ર કુમુદેશને મારી મિલકતનું ફાવે તેમ કરવાની સૂચના કરી કોઈને પણ જણાવ્યા વિના હું મુંબઈ છોડી કાશી જતો રહ્યો અને ત્યાં પાસેના ગામડામાં રહેવા લાગ્યો. ત્યાં એક દિવસ છાપામાં નીચે મુજબ ખબર વાંચી :
કૂવે પડવાથી નીપજેલું મરણ.

હૃદયંગમ કેસરીપ્રસાદની સ્ત્રી સૌ. ઇંદુરેખા ઉમર વર્ષ અઠ્ઠાવીસ. કૂવા પરથી પગ લપસવાથી કૂવામાં પડી મરણ પામી છે.

એ વાંચતાં મને એકદમ દિલગીરી થઈ. પૂર્વ સંસાર સાંભરી આવ્યો. લગ્ન પૂર્વેનો સમય અને પછીનો સમય મારી આંખ આગળ ખડો થયો. આંખમાંથી ચોધાર આંસુ વહ્યાં. ખૂબ પશ્ચાત્તાપ થયો. મારી આવી પ્રકૃતિને ઠપકો આપવા લાગ્યો. જિંદગી ફરીથી દુ:ખી લાગી. એને લીધે વીતેલું દુઃખ વિસારે પડ્યું, પણ લીધેલો આનંદ ફરીફરી સાંભરી આવવા લાગ્યો. ગમે તેમ કરીને પણ અમારું ગાડું સાથે ચલાવ્યું હોત તો ઠીક થાત. ગમે તેવી પણ એ મારી પત્ની હતી. ઇંદુરેખા ! મને માફ કરજે. મેં તારો બહુ જ અપરાધ કર્યો છે. હવે બળી જવાતું હતું, પણ એ બધું શા કામનું ?

ઉપસંહાર
પ્રિય વાચક! સ્નેહ એ શું એ તારા ધ્યાનમાં આવ્યું હશે. અક્ષય પ્રેમ હોવો એ તો અત્યંત દુર્લભ છે. અમારું સ્નેહલગ્ન હતું. પણ પરિણામ જોયું ને? મને તો ખાતરી થઈ ગઈ છે કે સ્નેહલગ્ન કરી શકાય જ નહિ. એ લગ્નની પરીક્ષા પરિણામ ઉપરથી થઈ શકે છે. એકમેકનો જીવન સુધી સ્નેહ રહે, સ્નેહશૃંખલા અખંડ રહે એને જ હું લગ્ન થયેલું માનું છું. સ્નેહલગ્ન આરંભમાં નથી પણ અવસાને છે.
 * * *


0 comments


Leave comment