15 - હવે... / ભાનુપ્રસાદ પંડ્યા


દિવસ પગ લંબાવી સૂતો, લજાયલ યામિની
ત્વરિત તનુને સંકોચાવી સવેગ ધસે જવા !
ફરીથી જળની આજુબાજુ થઈ રમતી તૃષા
(ઘડીક કરીને ‘કિટ્ટા’ થોડી હતી થઈ વેગળી ! )

મળી ગઈ સહ છાયાઓને અહીં નિજ રૈયત
(અબોલ તડકા ઝાંખાપાંખા હતા લઈ જે ગયા ! )
ઊઘડી ગઈ સૌ ભીંતે ભીંતે ફટોફટ ફૂલ શી
અભિનવ રૂપે બારી; ભાગ્યું ભિડાયલ ભીતર !

અવ અડકીએ તે અંગુલિ નહિ પણ પાંખડી !
વળી ઉચરીએ તે તે ગુંજારવો થઈ આથડે !
વસન ધરું આછાં કે પ્હેરી લઉં મલયાનિલ ?
સુરભિ લીલીનો શ્વાસે શ્વાસે અડે જઈ અંચલ !

વિકલ દિસતાં શેરી–પોળો હવે નહિ એકલાં !
રજની ગજવી વાતે વાતે ભર્યા ઘર–એટલા !


0 comments


Leave comment