20 - સાંજ / ભાનુપ્રસાદ પંડ્યા


ગગનથકી સંકેલાઈને
ખર્યો વૃક્ષની ડાળી ઉપર
કલરવનો કૈં હળવો હળવો ભાર !
અને ખખડતો ઘૂઘરિયાળો
મ્હેકી રે’તો ગલીગલીમાં
ચાસટિયો કસદાર !

શેરીને ગજવી પીગળી ગઈ
ચાલ કોઈ રેવાલ,
ચોરાની વાતુમાં નેવું
નેવું વરસે યૌવન ભરતું ફાળ !

આળસતી બે હાટડિયુંના
ઓટા પરથી ઝગી ઊઠી કૈં
મીઠી ગડાકુ-ઝાળ !
ભાંભરતો વગડો આવીને
ખીલો ખોળી ઊભે !
આખો દિ’ ઘૂંટણિયે ચાલી
થાકેલું રોણું મલકીને
ભર્યે છાલિયે ઝૂકે !


0 comments


Leave comment