21 - પગલાં / ભાનુપ્રસાદ પંડ્યા


ધૂળભર્યા મારગપે સીમતણી સોડેસોડે
ધીરે સરે પગલાંની છાની વણઝાર !

પ્રભાતમાં પડી પેલી પોલીપોલી પગલીની
ટચૂકડી આંગળીઓ-ગુલાબનાં ગાત ?

તેની જોડે વાંકાંચૂંકાં ઠરડાતાં આંગળામાં
ખરી પડ્યો નેવું નેવું વરસનો થાક !

ઊંડાં અને રેળાએલાં પગલાંમાં પથિકની
પીઠતણો ચીતરાયો આબેહૂબ ભાર !

વાડી ભણી બપોરના મરડાતી વહી જતી
કૂણીકૂણી મોજડીથી કેવડાની ગંધ !

કોઈ કોઈ નાલ તથા રિવેટની તસવીરે
તગતગી રહ્યો કેવો જુવાનીનો તોર !

ચોપગાંની ખરીઓમાં રેખાયો છે રગેરગ –
સીમાડાના સ્પરશનનો લીલેરો ઉમંગ !

દ્વિજગણે ક્યારે ક્યારે ગગન ને તરુ તજ્યાં
તેનો અહીં મારગની કોરેકોરે-ખેતરમાં-
અભિનવ લિપિમહીં આલેખ્યો છે લેખ !

પૂરેપૂરી પારખું ત્યાં સૂસવતા પવનની
પીઠે ચડી વણઝાર પલકમાં ગેબ !


0 comments


Leave comment