22 - વાંકુ ચિતરામણ ! / ભાનુપ્રસાદ પંડ્યા


વગડામાં મારગ ભૂલીને
અહીંતહીં અથડાતી કેડી
ટેકરીઓએ વહાલ કરીને તેડી !
કૈંક ચરણની ઋણી કેડી
વાટ–ભૂલ્યાની ભેરુ !
ફૂલ ખીલે ત્યાં તો કડિયાળી
ડાંગો આગળ નાની મોટી
શિંગડીઓનું પૂર બની છલકાતી કેડી !
કોસ છૂટ્યો ત્યાં સવળ્યો જાણે
તડકાનો ઝેરીલો એરુ !
થડની છાયા ગઈ છેટી ને
તેતર પગની જાળી કેડી !
કેડી આવળ આવળ !
કેડી બાવળ બાવળ !
કેડી ચણીબોરની લાલમલાલ ફૂવારી !
ભાતભાતના ફૂલે ખીલી
આ વેલીની ક્યાંય મળે ના ક્યારી !
ક્યાંય દીઠું આ બંકિમ કામણ ?
રસ્તો રુચ્યો નહિ એવાં કો’
બંડખોર પગલાંનું આ તો
વગડે વાંકુ ચિતરામણ !


0 comments


Leave comment