24 - ગાડામારગ / ભાનુપ્રસાદ પંડ્યા


મળસ્કાંની શેરિયું ને ઘૂઘરાવતા હાલ્યા ગાડામારગ !
અંધારને ખેડી સાખિયુંનાં બી વેરતા મા’લ્યા ગાડામારગ !

ડચકારાએ વાયરાને ભડકાવતા ભાગે ગાડામારગ !
સીમનું છેટું પૂંછડાને ઉલાળતા તાગે ગાડામારગ !

ધોરિયે વ્હેતા થાય રેલીને ગીત ભીનાં કૈં, ગાડામારગ !
ચાર શેઢામાં માય ના એવા રોપ અમીના ગાડામારગ !

તાંસળી ભરી ભરબપ્પોરી વેળને પીતા ગાડામારગ !
વાંસને વીંધે અમળાતા જે સૂર મીઠા તે ગાડામારગ !

બારસાખોની નમણાશોને વલખ્યે વળે ગાડામારગ !
થાકની પીઠી અંગ-સુંવાળી સેજને વરે ગાડીમારગ !


0 comments


Leave comment