13 - પૂર્ણવિરામનો પશ્ચાત્તાપ / કંચનલાલ વાસુદેવ મહેતા 'મલયાનિલ'


પાત્રપરિચય
પૂર્ણવિરામ : ૧૯૧૪ની સાલના જૂન મહિનામાં લેવાયેલી પરીક્ષામાં પસાર થયેલો મુંબઈ યુનિવર્સિટીનો ગ્રૅજ્યુએટ. નાટકનો નાયક.
અલ્પવિરામ : તેનો મિત્ર.
શવલંગી : પૂર્ણવિરામની પ્રેમાળ પત્ની.
ઘેલાભાઈ : સરકારી નિશાળના માસ્તર. પૂર્ણવિરામના ‘લંગોટિયા' અથવા ‘લખોટિયા' દોસ્ત, જમાનાના સાચા અનુભવી.
શંકરભાઈ : ચરોતરના કણબી અને અમદાવાદમાં પ્રેક્ટિસ કરતા વકીલ.
ગાંડાભાઈ : મહિને મહિને ડહેલા બદલનારા ડૉક્ટર, મૂળ સુરત પાસેના ગામડાના, અમદાવાદમાં લાડવા ખાવા આવેલા ; પણ પાછળથી ખીચડીનાં સાંસાં.
ખીમજી ભીમજી : અમદાવાદમાં ટોળાબંધ ‘દ્યોડ્યા’ આવેલા અને ઘી-તેલના ભાવ ચડાવી દેનારા કાઠિયાવાડીઓમાંના એક , સ્ટોરના વેપારી.
વ્રજભૂખણ : માખણ લગાવી ઘૂસી ગયેલા એક મુનસફ-પૂર્ણવિરામની ન્યાતના.
ઉપરાંત મગા પટેલ , ગુમાસ્તો , કમ્પાઉન્ડર , સિપાઈઓ.

પ્રવેશ પહેલો
સ્થળ : પૂર્ણવિરામનો ઓરડો
પૂર્ણવિરામ : (પ્રવેશ કરીને એકદમ ભાષણ કરે છે.) ગોથાં ખાતાં ખાતાં મહામહેનતે બી.એ.માં સપ્લિમેન્ટરીમાં નામ આવ્યું. ચાલો, ખુશી થયા. ઘેર કંસાર કર્યો ; ભાઈબંધ દોસ્તદારોને ઘેર બોલાવી ચા-પાણી આપ્યાં ; બાધા રાખી હતી તે ડાકોર જઈ આવ્યો અને ઘેર છોકરાંને પરસાદ વહેંચ્યો. બીજાને ચાર દહાડા આનંદ થાય તો મને વળી આઠ દિવસ થયો. પણ હવે શું કરવું ? પરીક્ષા તો પાસ કરી ; પણ કાંઈ ખાવાપીવા વાસ્તે ગોઠવણ કરવી પડશે ને ?

અત્યારે વરસ થયાં છે પચ્ચીસ. અઢારમે વર્ષે ત્રીજી ટ્રાયલે મૅટ્રિક થયો. બે વર્ષ પ્રીવિયસમાં, બે વર્ષ ઇન્ટરમાં અને ત્રણ વર્ષ બી.એ.માં ગાળ્યાં. આ વખતે વળી દયાળુ યુનિવર્સિટીની વધારાની પરીક્ષામાં , ભગવાને કરવું તે સેવક નીકળી ગયો. પણ હવે છોકરાં છે ઘેર ત્રણ અને હું તો હમણાં જ વિદ્યાર્થી મટી ગૃહસ્થમાં ખપવા લાગ્યો છું. મૅટ્રિક પછી ડોસાએ કહ્યું હતું કે ‘અ’લ્યા પૂરણીઆ નોકરી રહીજા, તો ચાર વર્ષે કંઈક ઊંચો આવીશ અને ઘર ચલાવવા જેટલું આવી મળશે.' પણ એથી કાંઈ બી.એ. કહેવાઈએ કે ? કંઈ સભામેળાવડામાં માન પડે કે ? એવી કચરાપટ્ટી નોકરી તો આપણે નહિ લેવાના.

બિચારા ડોસા ! કહેતાં કહેતાં એ તો સિધાવી ગયા, પણ પૂરણભાઈને હવે માથે આવી પડી ત્યારે ખબર પડે છે કે એમનું કહેવું અક્ષરે અક્ષર ખરું હતું. બહુ બહુ વિચાર કરું છું, પણ શું કરવું એ સૂઝતું નથી.

(નીચે બેસે છે ; એટલામાં એમનો મિત્ર અલ્પવિરામ આવે છે.)
અલ્પવિરામ : કેમ પૂર્ણવિરામ ! શા વિચારમાં ? આજ તો કાંઈ રાંડેલી ડોશીની પેઠે કપાળે હાથ મૂકી બેઠો છે ? પરિણામ જૂઠું નીકળ્યું કે શું ?
પૂર્ણવિરામ : ના ભાઈ, પણ જૂઠા જેવું તો છે. કારણ કે સાચા પરિણામમાં અને જૂઠા પરિણામમાં ફેર શો છે ?
અલ્પવિરામ : કેમ આજ કાંઈ મરડાટમાં બોલે છે ? શવલંગીભાભીએ આજ ખાવા આપ્યું લાગતું નથી.
પૂર્ણવિરામ : એક દહાડો એવું જ થવાનું છે. ખાવાનું હશે તો આપશે ને ?
અલ્પવિરામ : તોયે ? કાંઈ નોકરીબોકરીનું થતું નથી કે શું ?

પૂર્ણવિરામ : હવે ભાઈ બરાબર સમજ્યો. શી નોકરી કરું તેની કાંઈ જ સૂઝ પડતી નથી. જ્યાં જોઉં છું ત્યાં કામ બહુ અને પગાર ઓછો. નોકરીયે શી કરું ? તું ભાઈ જીતી ગયો તે ભણ્યો નહિ. અત્યારે પચાસ ઉપર પેદા કરતો થઈ ગયો છે. ઓછા મળે તોયે તારે શરમ શી ?

અલ્પવિરામ : ના ભાઈ, આપણે તો કશુંયે નહિ. રેલવેમાં પોર્ટરે રહીએ ને મ્યુનિસિપાલિટીમાં નાકેદારીયે કરીએ. ધંધામાં આપણને કાંઈ શરમ નહિ.
પૂર્ણવિરામ : પણ મારે શું કરવું ? બી.એ. થયો એટલે હલકી નોકરી થાય નહિ. પગાર ઓછો મળે અને ટાપટીપ તો રાખવી પડે. આ બે શી રીતે બને ? પાછી શવલંગી પાછળ પડી છે. કહે છે ‘હવે તો છીદરી નહિ પહેરું. ગવન કે સાળુ લાવી આપો.' છોકરાને વાસ્તે ફરાક લાવશો તો પહેરાવીશ, નહિ તો ઉઘાડાં રાખીશ એ હા, પણ સળંગિયા તો નહિ પહેરાવું; ને મોટા છોકરાને વાસ્તે કોટ-પાટલૂન’ હવે તો, અલ્પવિરામ, તું કહે તેમ કરું.

અલ્પવિરામ : આ બાબતમાં એકબે જણની સલાહ લઈ જો ; અને પછી જેમ ઠીક લાગે એમ કરજે.
પૂર્ણવિરામ : એમ જો ફાયદો થાય તો એમ કરું. ગમેતેમ, પણ કંઈક રસ્તો સૂઝે તો ઠીક, નહિ તો મારે ઝેર ખાવું પડશે.

(બંને જણ જાય છે.)
*
પ્રવેશ બીજો
સ્થળ : ઘેલાભાઈ માસ્તરનું ઘર
(એક ગાદી ઉપર ઘેલાભાઈ ‘ગુજરાતી પંચ’માં શેરના ભાવ વાંચતા બેઠા છે એટલામાં પૂર્ણવિરામ પ્રવેશ કરે છે.)

ઘેલાભાઈ : ઓ હો..હો..હો ! કોંગ્રૅચ્યુલેશન્સ ! આ વખતે પાસ થઈ ગયા તે ઠીક થઈ ગયું ; નહિ તો પછી નવા કોર્સમાં જરા મુસીબત પડત.
પૂર્ણવિરામ : હા કાકા, ઈશ્વરને કહેવું'તું તે વળી નીકળી ગયો.
ઘેલાભાઈ : કેમ પછી શો વિચાર કર્યો ? જોજે ભૂલેચૂકેય માસ્તર-બાસ્તરમાં અરજી કરતો ! પૂર્ણવિરામ : કાકાસાહેબ, હું અહીં એ જ પૂછવા આવ્યો છું. જો કે પચ્ચીસ વરસ થઈ તો ગયાં છે, પણ એક વર્ષ ઓછું લખાવ્યું છે એટલે આ સરકારી નોકરીને માટે હજી છેલ્લું વર્ષ બાકી છે. કેમ કાકા, આપ આપની જ નોકરીને નિંદો છો ?

ઘેલાભાઈ : એ અમારી નોકરીની વાત અમે જ જાણીએ. તમને laymenને ખબર ન પડે.
પૂર્ણવિરામ : તોયે ?
ઘેલાભાઈ : આ એ જ કે ઘેર હાંલ્લાં કુસ્તી કરશે અને બહાર મૂછે તાલ દઈને ફરવું પડશે. દાખલ થશો એટલે નવી સિસ્ટમ પ્રમાણે પચાસનો પગાર આવશે. પણ તેથી શું ? ખરચ એટલું તો સ્હેજમાં થઈ જાય છે. પાંચસાત રૂપિયા ઘરના ભાડાના થાય છે. પાછું છોકરાંછૈયાં અને બૈરાંનું ખર્ચ, વાર-તહેવારે નિશાળમાં સિપાઈસપરાંને આપવું પડશે. વર્ષે-વર્ષે સાળું આસિસ્ટન્ટો બદલાય તે વારંવાર એમને માન આપવાની ટીપમાં ભરવું પડે. એટલે કંજૂસાઈથી રહો તો યે આપણા જેવા છોકરાંવાળાને તો પચાસ સ્હેજમાં ઊપડી જાય. આગળ ઉપર પગાર વધે ત્યારે છોકરાંને પરણાવવાનું આવે. વળી મોટી મુશ્કેલી તો એ છે કે નિશાળમાં લાંબો વખત તમે ટકશો કે નહિ ! આ ઑગસ્ટ-સપ્ટેમ્બર આવશે એટલે ઇન્સ્પેક્શન થશે અને તેમાં કાંઈ આડીઅવળી ભૂલ થઈ જાય તો ડિસમિસ ! એમનોયે બિચારાનો શો વાંક કાઢીએ ? થોકડે ને થોકડે બી.એ. થયેલા અને થોકડે ને થોકડે માસ્તર રહેનારા. પછી બધાને ગોઠવવા ક્યાં ? હા, જો હમણાં સરકાર એકએક શહેરમાં એક કરતાં વધારે નિશાળ કાઢતી હોય તો થોડાકે ગોઠવાય. પણ કોણ જાણે કેમ, એવું સરકાર કોઈ દહાડો કરતી જ નથી. જ્યારે સારી મૅનેજમેન્ટ સરકારની છે, માસ્તરો પણ સારા મળી આવે છે અને ભણનાર છોકરાઓની સંખ્યા પણ વધી છે ત્યારે હાઈસ્કૂલ આપણે ત્યાં સરકારની દેખરેખ નીચે કાઢવામાં આવે તો શું ખોટું ?

પૂર્ણવિરામ : સાચી વાત છે.
ઘેલાભાઈ : કદાચ ઈન્સ્પેક્શનમાંથી બચી જાઓ, તો પાછું તમારે સેકન્ડરી ટ્રેનિંગ કૉલેજમાં જવાનું આવે અને ત્યાંથી કદાચ પાછા આવવું પડે ; એટલા જ માટે ત્યાં મુંબઈમાં અહીંના મોકલેલા માસ્તરો લૉ ટર્મ ભરી દે છે. રખેને માસ્તરગીરી છોડવી પડે ! અહીંથી નાલાયક ઠર્યા એટલે પછી સરકારી નોકરીને માટે તો આશા જ ખોટી. હમણાં વળી માર્ક સિસ્ટમ નીકળી છે. આથી હેડમાસ્તરને જે ખુશી રાખશે એ જીતી જશે. ઉપરાંત, માસ્તરોએ નિશાળમાં ટોપી ન પહેરવી, પણ કોઈ પણ જાતનો હેડડ્રેસ પહેરીને આવવું અને ઇન્સ્પેક્શન હોય ત્યારે તો ખાસ કરીને, એવો નિયમ થયો છે ! સાલું વીસ વર્ષનો ગ્રૅજ્યુએટ હોય, પૂરી મોઢે મૂછ તો ઊગી ન હોય એવા પાઘડી પહેરીને લટકમટક કરતા આવે તે કેવું દેખાય ! આપણે તે ક્યાં સુતારકડિયાના છોકરા છીએ , તે ભાઈ પાઘડી પહેરશે તો જ રોજ રોકડી આવી મળશે ? મને તો સાલું કેટલીક વખત હસવું આવે છે !

પૂર્ણવિરામ : પણ હમણાં પેલો ગગુભાઈ દાખલ થયો તે તો બહુબહુ વખાણ કરતો હતો. માસ્તરના જેવી કોઈ પ્રામાણિક જિંદગી નહિ. શાંતિથી કોઈને જો life ગાળવી હોય તો એણે કાં તો માસ્તર અને હોશિયારી હોય તો પ્રોફેસર થવું. લખવાવાંચવાનો અવકાશ કેટલો મળે છે ! કોઈનું સાચુંજૂઠું કરવાનું જ નહિ , flattery નહિ. બસ , સૌ સાના કામથી જ વાત.

ઘેલાભાઈ : ગગુ તે પેલા છગન દલસુખનો છોકરો ને ? આ હમણાં જ દાખલ થયો. એ વળી એમ કહેતો હતો ? પણ એને શી ખબર છે કે માસ્તરની નોકરી કેમ થાય છે ? હું પણ જ્યારે દાખલ થતો ત્યારે એની પેઠે જ ધારતો હતો, પણ ટ્યુશન રાખીરાખીને મારી તો ઠૂંશ નીકળી ગઈ છે ! સવારમાં ઊઠી દાતણ-પાણી કરીને ગોરધન શેઠના છોકરાને ભણાવવા જાઉં છું ; ત્યાંથી શંકરલાલ વકીલને ત્યાં. ઘેર આવું છું કે તરત નાહી પૂજાપાતરી અડધી કરી ન કરી ને ખાવા બેસું છું અને પછી નિશાળે. સાંજે મેમણના છોકરાને ટ્યૂશન આપી બાગમાં ફરવા જાઉં છું. આમ પૂરું થાય છે. તમે તમારી મેળે જ વિચાર કરો ને ? અને પ્રામાણિક ધંધો ? વગસગ કેટલી કરવી પડે છે ! શેઠશાહુકારનાં છોકરાં નાપાસ હોય તો પાસ કરી આપવાં પડે છે. ભાઈબંધ-દોસ્તદાર અને સગાંવહાલાંનાં છોકરાંને પાસ કરીએ તે તો જુદું. એમને તે એની શી ખબર પડે ? હું જ્યારે પહેલો દાખલ થયો ત્યારે મારે હેડમાસ્તરનું શાક લેવા જવું પડતું. કોઈ દહાડો મોડું થાય કે રજા લેવી હોય ત્યારે એ બધું કામમાં આવતું.

આજે રવિવાર છે તે બેઠો છું, પણ વાત પૈસા કમાવવાની. જો કોઈને કહીશ નહિ. ખર્ચ પૂરું કરવા લાગ આવ્યે શેર-બેરનો વેપાર કરું છું અને ઈશ્વરની કૃપા છે તે ૨૦-૨૫ મળી રહે છે. પણ હમણાં આ પાછી લડાઈની મોંકાણ જાગી છે એટલે શેરબજાર સરકારે બંધ કર્યું છે.

પૂર્ણવિરામ : શેરનો વેપાર કરો છો?
ઘેલાભાઈ : ત્યારે તું જ વિચાર કરને કે ડાહ્યલાને પરણાવ્યો, મંગળીને પરણાવી તે બધું ક્યાંથી લાવીને?
પૂર્ણવિરામ : ત્યારે આપ શું કરવાની સલાહ આપો છો ?
ઘેલાભાઈ : હું તો ધારું છું કે તું એલએલ.બી.માં જા અને પછી કાં તો નોકરી કે પ્રેક્ટિસમાં દાખલ થઈ જજે.
પૂર્ણવિરામ : (થોડીક વાર શાંત રહી) જોઉં ત્યારે, માસ્તર તો નહિ જ. શંકરભાઈ વકીલને ત્યાં એ સંબંધી હકીકત પૂછી આવું. લ્યો રજા લઉં છું.
ઘેલાભાઈ : હા ભાઈ, આવજે. (પૂર્ણવિરામ જાય છે.)
*
પ્રવેશ ત્રીજો
સ્થળ : શંકરભાઈ વકીલની ઑફિસ તરીકે વપરાતી ઘરની ઓરડી.
(વકીલ કેટલાંક માણસો સાથે વાતચીત કરતા પ્રવેશે છે.)

શંકરભાઈ : (અરધી શુદ્ધ અને અરધી પોતાની જાતભાષામાં) જુઓ મગાભાઈ, આ તમને છેલ્લું કહી દીધું અધમણ ઘઉં અને પાંચ્છેર અથાણાનાં મરચાં આપી જાઓ તો કેસ હાથમાં લઉં.

મગા પટેલ : સા'બ, એટલું બધું તો ના પોહાય. કેસ કાંઈ ભારે નથી. હું જીભઈ વચીલને ત્યાં જ્યો'તો, તે અધમણ બાજરીએ હા પાડી'તી. પણ મીં કે આપણા શંકરભાઈ હારા સે તે ઈમની પાહે હેંડો.

વકીલ : હા, તમે આવ્યા તે ઠીક કીધું, પણ આથી ઓછે નહિ બને. ભલે તમારે જીભાઈને ત્યાં જવું હોય તો જીભાઈને ત્યાં જાવ.
મગા પટેલ : તાણે સા'બ તમારી મરજી.
(મગા પટેલ જવા માંડે છે. વકીલનો ગુમાસ્તો એને પાછો બોલાવે છે.)

ગુમાસ્તો : ત્યારે તમારે આપવું છે શું તે ઝટ કહી દોને.
મગા પટેલ : દહ શેર ઘઉં ને બશેર મરચાં મેલી જઉં. વધુ તો મીં ના પોહાય. આ ફેર ઘઉંનો પાકે સેતરમાં હારો ઊતર્યો નહિ.
ગુમાસ્તો : હશે પટેલ, એમનુંયે રહેવા દો ને તમારુંયે રહેવા દો. ચાલો, પંદર શેર ઘઉં અને પાંચ શેર મરચાં મેલી જજો . જાઓ તમારો કેસ નોંધાઈ ગયો.
મગા પટેલ : પણ..
ગુમાસ્તો : હવે પણ અને બણ. મેં બરાબર કર્યું છે.
મગા પટેલ : સાહેબ, કેસ જીતાડી આલજો પણ.
વકીલ : એની ફિકર રાખશો નહિ.
(પટેલ જાય છે અને પૂર્ણવિરામ દાખલ થાય છે.)

વકીલ : (હસતાંહસતાં) આવો પૂર્ણવિરામ. ઘણે દહાડે ભૂલા પડ્યા? સલાહ લેવા આવ્યા હશો તો ફી આપવી પડશે ફી.
પૂર્ણવિરામ : લેજોને સાહેબ. એલએલ.બી.માં ટર્મ ભરવા જવા વિચાર કરું છું. આપનો શો મત છે?
વકીલ : ત્યારે તો તમે અમારા પ્રતિસ્પર્ધી થવાના. ડાહ્યા હો તો એલએલ.બી. બેલેલ બી થવાનું રહેવા દો ને કાંઈક બીજું શોધો. હમણાં વકીલોની કાંઈ ખોટ નથી. દર વર્ષે બબ્બે ચચ્ચાર - બબ્બે ચચ્ચાર શહેરમાં આવતા જ જાય છે. પહેલાં ત્રણચાર વર્ષ બૂટનુંયે ખર્ચ ન નીકળે, તમને ખબર છે ? અમે આઠઆઠ અને છ-છ આનામાં નોટિસો લખી આપીએ છીએ. જે આવ્યા તે ખરા. જવા દઈએ તો બીજા લઈ જાય. હમણાં જ એક આવ્યો હતો તે પંદર શેર ઘઉંએ ઠરાવ્યો છે. એક વકીલે અધમણ બાજરીએ હા કહી હતી. પંદર શેરમાંથી પાંચ શેર ગુમાસ્તાના છે; કારણ કે કેસ એ લઈ આવ્યો છે. અમારા ધંધામાં માલ નથી. એ તો બહાર જ પાટલૂન, કોટ અને પાઘડી પહેરીને નીકળીએ. ઘેર તો ફાટેલું થેપાડું પહેરી બેસવું પડે છે. (બૂટમાંથી મોજાં કાઢી) જુઓ, આ મોજાં ઘૂંટીથી આગળ છે ? બૂટમાં ઘસાઈઘસાઈને નીચલો ભાગ ફાટી ગયો છે તે મેં કાતરી કાઢીને ફક્ત આટલું બાંય જેટલું રહેવા દીધું છે ! બૂટમાં શું છે તે કોઈ જોવા આવે છે? આ ખમીસ જુઓ ; અને આ કોટ જુઓ. મારા બાપાનો છે તે કૉલર બદલાવી પહેરું છું. મારા જેવો ખુલ્લા હૃદયનો માણસ તમને નહિ મળે. કાંઈ મેડિકલમાં પડ્યા હોત તોયે ઠીક થાત. રેવન્યુ ખાતામાં અરજી કરો ને કોઈ દહાડો મામલતદારનોયે ચાન્સ આવે.

પૂર્ણવિરામ : અરે સાહેબ ! એ ખાતાની હકીકત પૂછી આવ્યો છું. મારા જેવા બીજા ઘણા બિચારા ઘસડપટ્ટી અને ગદ્ધાવૈતરું કરે છે, અને આશામાં ને આશામાં બિચારા પેન્શન લેતા સુધી થોડે પગારે દહાડા કાઢે છે. ખરેખરો લાભ સરકારને કે થોડે પગારે ભણેલાગણેલા ગ્રૅજ્યુએટો મળે. મારે તો એ અંબોડીવાળા ફેંટા બાંધી ‘રાવસાહેબ’ થવા જવું નથી.
શંકર : ત્યારે કરશો શું ?
પૂર્ણવિરામ : હું તો એલએલ.બી. વાસ્તે પૂછવા આવ્યો હતો, પણ તમારું કહેવું સાંભળી ઠંડોગાર થઈ ગયો છું.
વકીલ : તમે ગાંડાભાઈ દાક્તરને ઓળખો છો ? હમણાં એમને એક સારા કમ્પાઉન્ડરની જરૂર છે. તમને એમાં અનુભવ જલદી મળ્યાથી એકાદ વર્ષમાં તમારી સ્વતંત્ર પ્રેક્ટિસ ચલાવી શકશો. આપણા વૈદ્યો ક્યાં M.B.B.S. અને L.C.P.S. થયા હોય છે? અત્યારે તો બધા અનુભવને જ પૂછે છે.

પૂર્ણવિરામ : જો એ લાભકારી હોય તો રહી જ જાઉં. હમણાં કમ્પાઉન્ડર ! એમાં શું ? મારે તો જરાયે ઓળખાણ નથી. તમે કાંઈ રેકમેન્ડ કરો તો ઠીક.
શંકરભાઈ : હા, લખી આપું ચિઠ્ઠી. એ પણ વકીલના જેવો જ ઇન્ડિપેન્ડેન્ટ ધંધો છે ; અને વળી લોકોનું ભલું કરો તે જુદું. કેટલો પરોપકારી ! જરા પેલું હોલ્ડર ખસેડોને !
(વકીલ ચિઠ્ઠી લખે છે.)

શંકરભાઈ : (પૂરી કર્યા પછી) જુઓ આમ લખ્યું છે.
‘મિ. ગાંડાભાઈ, આ ચિઠ્ઠી લાવનાર બૉમ્બે યુનિવર્સિટીના નવા ગ્રૅજ્યુએટ છે અને તમારે ત્યાં કમ્પાઉન્ડરની ખાલી પડેલી જગ્યાએ રહેવા ખુશી છે. જો કાંઈ હરકત ન હોય તો જરા એમને નોકરી ઉપર દાખલ કરી મારી ઉપર કૃપા કરશો.’
લિ. શંકરભાઈના જેગોપાળ
કેમ બરાબર છે ને ?
પૂર્ણવિરામ : તમારા લખવામાં ખામી હોય ? લ્યો, રજા લઉં છું
(ચિઠ્ઠી લઈ પૂર્ણવિરામ જાય છે. વકીલ એમના છોકરાની ચોરણી શોધવામાં ગૂંથાય છે.)
*
પ્રવેશ ચોથો
સ્થળ : ગાંડાભાઈ દાક્તરનું ડહેલું.
(એક પાટલી ઉપર દાક્તરસાહેબ તથા તેમનો નીકળી જવા ઇચ્છતો કમ્પાઉન્ડર રંગબાજી ખેલતા બેઠા છે. પૂર્ણવિરામ પ્રવેશ કરે છે.)

પૂર્ણવિરામ : દાક્તરસાહેબ, આ શંકરભાઈ વકીલે મને ચિઠ્ઠી આપી છે.
દાક્તર: (ચિઠ્ઠી વાંચી) હા, આવો બેસો. શંકરભાઈ મારા પરમ સ્નેહી છે. અને એમની સિફારસથી તમે આયવા છો તો મારે તમને થોડા સવાલ પૂછવા પડશે.
પૂર્ણવિરામ : ઘણી ખુશીથી, સાહેબ.
દાક્તર : તમને ચાનસ ખેલતાં આવડે છે ?
પૂર્ણવિરામ: ચાનસ શું? પત્તાની રમત છે તે? ના સાહેબ. પણ એક વખત બતાવશો એટલે આવડી જશે. પણ એને અને આ નોકરીને શો સંબંધ છે ?
દાક્તર : જુઓ, અમારો વખત ઘણી મુશ્કેલીથી પસાર થાય છે. અને આવું કાંઈક રમવાનું નથી હોતું તો પછી ડહેલું વહેલું બંધ કરવું પડે છે. ચાનસ અને રંગબાજી એ બે જણ રમી શકે છે એટલે એ ગેઈમ સંબંધી પૂછું છું.

પૂર્ણવિરામ : એટલે ? પ્રેક્ટિસ બરાબર નથી ચાલતી ?
દાક્તર : હા, એવું જ કાંઈક. તમે જાણો છો કે ખાડિયાની ગેટથી ચાઈલા તે મદનગોપાળની હવેલી ફરી સાંકડી શેરીમાં આવતાં દાક્તર અને વૈદ્યનાં ઘર કેટલાં થાય છે તે ? આપણા આખા શહેરમાં હકીમ, વૈદ્યશાસ્ત્રી અને એલ.એમ.ઍન્ડ એસ. જ ભરેલા છે. તમે શંકરભાઈના ઓળખીતા છો તેથી સાચું કહું છું. આ ધંધો કાંઈ તમારે કામનો નથી. એ તો કોઈ મૅટ્રિક ફેઈલ હોય તો કામમાં આવે. તમારા જેવા ગ્રૅજ્યુએટને રાખું તો મને કેટલું નીચું લાગે !

પૂર્ણવિરામ : (મનમાં) ‘ઓય મારા બાપ ! દાક્તરે તો ખાસડાં જ મારવા માંડ્યાં. મારો વ્હાલો હુરતો જબરો છે તો ! એમને રાખતાં શરમ આવે છે તો મને રહેતાં નથી આવતી ? વકીલે મને બનાવ્યો તો નહિ હોય? (મોટેથી) સાહેબ, ત્યારે કાંઈ રસ્તો ?
દાક્તર : તમારું વેપારમાં હેડ (મગજ-બુદ્ધિ) કેવુંક છે? ત્યાં ક્યાંક પેસી જાવને ? હમણાં આ જમાનો વેપારનો છે. હમણાં અમદાવાદમાં મિલનો ઉદ્યોગ વધી ગયેલો છે. કાંઈક સ્ટોરબોરમાં ઘૂસી જાવ. એકાદ વર્ષમાં જામી જશો. હમણાં કોઈના ભાગમાં પડો અને પછીથી વળી આગવી દુકાન ખોલવી ઘટે તો ખોલવી. હું ધારું છું કે તમારું સારું ચાલશે.

પૂર્ણવિરામ : (મનમાં) દાક્તરે યુક્તિ તો સારી બતાવી. ખરેખર, કોઈ શેઠિયાની વગ લગાડીએ તો મિલમાં સારું ચાલે. સૌથી સારી સલાહ મને તો આ લાગે છે. (મોટેથી) હા, હા, એ ઠીક બતાવ્યું દાક્તરસાહેબ ; મને પણ ગમતું જ છે. વેપારમાં મારું હેડ ઠીક ચાલશે. મહેનત મારી અને પૈસા એના, એવી રીતે કોઈની સાથે જોડાવું. લ્યો દાક્તરસાહેબ, ઉપકાર થયો ; રજા લઉં છું.
(પૂર્ણવિરામ જાય છે. દાક્તર રાણીનાં બે પાનાં લે છે.)
*
પ્રવેશ પાંચમો
સ્થળ : ખીમજી ભીમજીની દુકાન.
(ખીમજી ઘરના દૂધનો હિસાબ કરતા બેઠા છે. પૂર્ણવિરામ દાખલ થાય છે.)

પૂર્ણવિરામ : ખીમજી ભીમજી આપ જ કે ?
ખીમજી : હા જી ; કાંઈ કામકાજ ?
પૂર્ણવિરામ : આપ સાહેબે ગુજરાતી પંચમાં એક સ્ટોરના કામકાજ વાસ્તે એક કારકુન જોઈએ છે એવી જાહેર ખબર આપી હતી ?
ખીમજી : હા જી, આપને એ જગ્યા ઉપર રહેવા મનસૂબો છે ?
પૂર્ણવિરામ : આપ રાખો તો મારે પૂરપૂરો વિચાર છે.
ખીમજી : પહેલાં આપે ક્યાં ચાકરી કરી હતી ?

પૂર્ણવિરામ : સાહેબ, હું નોકરી નો'તો કરતો ; ભણતો હતો. ગયે મહિને જ બી.એ. ની પરીક્ષા પાસ કરી છે.
ખીમજી : (ખડખડાટ હસીને) બી.એ.ની ? તો સ્ટોરમાં કાં આવો ? આ ચાકરી તમ બી.એ.થી નહિ થાય. હું તો સમજો કે આપ કાંઈક વેપારી લાઈનના માણસ છો.
પૂર્ણવિરામ : ના સાહેબ, એવું તો નથી. પણ જો થોડા દહાડા કામે બાઝીશ તો બધું જલદીથી આવડી જશે.
ખીમજી : (ફરી હસીને) હા જુઓ. અંગ્રેજી ચોપડી ભણવા જેવું હોય તો પણ લ્યો હું તમને થોડાક સવાલ પૂછું છું. હું જાણું કે તમારા વિચાર કેવા છે ?
પૂર્ણવિરામ : ઘણી ખુશીથી સાહેબ.

ખીમજી : તમે ખુશામત કરી શકો કાં ?
પૂર્ણવિરામ : ખુશામત ? કેવી જાતની ?
ખીમજી : આ જુઓ. તમે મિલોમાં માલ ખપાવવા જશો ઈ વખતે તમારે સ્ટોરકીપરનાં ખોટાં જુઠ્ઠાં વખાણ કરવાં પડશે. તમે ત્યાં જશો તો પહેલાં તો એ તમારી સામું પણ નહિ જુએ. પછી તમારે ઈની નજર પડે ઈ વખતે સલામ કરવી પડશે અને પછી જોગ આવે તમારા માલની વાત કાઢવી પડશે. જો સામું ન ભાળે ને હાલ્યો જાય તો તમારે ઈની વાંહે વાંહે ફરવું પડશે. ચોપડો લખતો હશે તો તો અડધો કલાક બેસી રહેવું પડશે. આ બધું કર્યા પછી તમને કદાચ ઉત્તર દેશે કે ચાર દહાડા રહીને આવજો. એ પ્રમાણે તમારે પાછું જવું પડશે. બોલો, આ બધું તમ ગ્રૅજ્યુએટથી થાશે ?

પૂર્ણવિરામ : હું તો સાહેબ લાત મારીને ઊભો રહું. આવી ખોટી ખુશામત અને પરિણામ અપમાન ! ના રે સાહેબ , એ આપણાથી કદાપિ નહિ થાય.
ખીમજી : વારું ; બીજું કહું. જુઓ , તમારે શેઠનાં સગાંવહાલાં ફોડવાં પડશે. મૅનેજરને કાંઈક કમિશન આપવું પડશે. આ બધી ચોરી આવડશે ?
પૂર્ણવિરામ : ના સાહેબ, આપણને તો પ્રામાણિક ધંધો પસંદ છે. આવું તો આપણાથી ના બને.
(જવાનો વિચાર થાય છે.)

ખીમજી : બેહો બેહો ; ત્રીજું કહું. માલમાં ભેળસેળ કરવી પડશે. કોવરેમ મોંઘું થાય તો ઈને બદલે લુબ્રીકેટિંગ ઑઇલ તરીકે બીજા તેલની ભેળવણી કરવી પડશે. નમૂનો કાંઈક બતાવી, માલ કાંઈક દેવો પડશે. દસ દાગીનામાં એક ભાંગલો ઠબકારી દેવો પડશે. કહો , આ બાબતોમાં તમે અનુભવી થાશો?
પૂર્ણવિરામ : ના સાહેબ , માફ કરો. આ કામ મારું નથી. એ જૂઠ અને ચોરી આપણાથી તો નહિ થાય. શેઠ , રજા લઉં છું. આપનો સમય લીધો તે માફ કરજો.
ખીમજી : હા ભાઈ, આવજો. જો , માઠું ન લગાડશો. તમારા હારા વાસ્તે મેં તો કહ્યું છે.
પૂર્ણવિરામ : ના રે શેઠ , ખરી વાતમાં ખાર શો ?
(જાય છે.)
*
પ્રવેશ છઠ્ઠો
સ્થળ : વ્રજભૂખણ મુનસફનો બંગલો
(આરામચેર ઉપર વ્રજભૂખણ મુનસફ બેઠા છે; પૂર્ણવિરામ આવે છે.)

મુનસફ : (પૂર્ણવિરામને જોતાં) આવો, કેમ પાસ થઈ ગયા ને? સારું થયું.
પૂર્ણવિરામ : હા સાહેબ, ઈશ્વરકૃપાથી નીકળી તો ગયો. પણ ખરેખરી પરીક્ષા તો હવે આવી છે. શું કરવું એ સૂઝતું નથી. આપ કાંઈક...
મુનસફ : એ તો ભાઈ, સૌસૌની વૃત્તિની વાત છે. તમને જે ધંધો વધારે પસંદ હોય એમાં પડી જવું. મારી તો એ સલાહ છે.
પૂર્ણવિરામ : હા સાહેબ, સરકારી સ્કૂલમાં માસ્તુર રહેવા વિચાર...
મુનસફ : (વચમાં) એ સારું છે. Quiet life છે અને સમય પણ ઘણા મળે. વર્ષમાં ત્રણ-ચાર મહિના તો ઘેર જ રહેવાનું.
પૂર્ણવિરામ : હા સાહેબ , પણ એક માસ્તરનો અભિપ્રાય આ સંબંધી લઈ આવ્યો હતો, પણ એમણે તો મને એજ્યુકેશનલ લાઈનમાં પડવાની સાફ ના કહી. પછી સાહેબ, એલએલ.બી.માં જવા વિચાર કર્યો.

મુનસફ : એ પણ સારું છે. ખાસ કરી judicial ખાતામાં દાખલ થઈ જાઓ તો આગળ સબ જજનો ચાન્સ મળે ખરો.
પૂર્ણવિરામ : હા, પણ શંકરભાઈ પટેલ કરીને એક વકીલ મારા સ્નેહી છે. એમને હકીકત પૂછવા ગયો હતો, તેમણે કહ્યું કે ભાઈ નોકરીએ ઘણા રહ્યા છે અને પ્રેક્ટિસે ઘણા કરે છે.
મુનસફ : એક રીતે એમનું કહેવું ખરું છે. એ લાઈન overcrowded થઈ ગઈ છે.
પૂર્ણવિરામ : હા જી. ઘણી જ overcrowded થઈ ગઈ છે. એમણે તો મને દાક્તરી લાઈન લેવાની સલાહ આપી.

મુનસફ : પ્રેક્ટિસ ચાલે તો તો એમાં સારું મળે.
પૂર્ણવિરામ : હા જી. પણ એ સંબંધમાં સુરતના ગાંડાભાઈ દાક્તરને મળ્યો હતો. એમણે પોતાની સ્થિતિ બહુ હાસ્યરસથી કહી અને એ લાઈન ના લેવાની ખાસ ભલામણ કરી. એમણે તો મને વેપારમાં પડવાની ખાસ સૂચના આપી.

મુનસફ : હા. આ જમાનો તો વેપારનો છે. જો તમને ગમે તો મારી તો એ જ સલાહ છે.
પૂર્ણવિરામ : જી હા. પણ એમાં મારા જેવાનું કામ ચાલે એમ લાગતું નથી. હું એક સ્ટોરના વેપારીને મળી આવ્યો. એણે વેપારની બધી રીત બતાવી. આપણને તો એ ખુશામત અને ચોરી ઠીક ન લાગી.

મુનસફ : (હસીને) એ તો ખરુંસ્તો. વેપારમાં માત્ર ખુશામત અને ચોરી રહેલી છે. તમારાથી એ ભાગ્યે જ થશે. પોસ્ટબોસ્ટનું કાંઈ નથી ઠીક પડતું ?
પૂર્ણવિરામ : અરે પોસ્ટ, પોલીસ ને રેલવે એ તે કાંઈ નોકરી છે ? મારા મુરબ્બીએ મને તો કહ્યું છે કે ભૂલેચૂકે પણ એ નોકરી લેવી નહિ.
(એટલામાં સિપાઈ ચિઠ્ઠી લઈને આવે છે. ચિઠ્ઠી વાંચીને મુનસફ બહાર જવાની તૈયારી કરે છે.)

મુનસફ : મળજો વળી ફરીથી. હમણાં તો મારે કલેક્ટર સાહેબને ત્યાં જવાનું આવ્યું છે.
પૂર્ણવિરામ : ઠીક ત્યારે, રજા લઉં છું.
*
પ્રવેશ સાતમો
સ્થળ : પૂર્ણવિરામનો ઓરડો
(જાજમ ઉપર માથે હાથ મૂકી પૂર્ણવિરામ બેઠો છે અને એકાકી ભાષણ કરે છે.)

હવે સાલું કરવું શું? માસ્તર માસ્તર થવાની ના કહે છે , વકીલ વકીલ થવાની ના કહે છે ને દાક્તર દાક્તર થવાની ; વેપારીને વાસ્તે નાલાયક ઠર્યા , મિલમાં જાઉં કે સ્ટોરમાં રહું તો બીજે દહાડે કાઢી મૂકે. એ લોકનો ભરોસો શો ? મુનસફ પાસે ગયો તો બધાયે ધંધા સારા કહે છે , અને પાછા બધાયે ખોટા કહ્યા. હવે કોઈ નોકરી રહી નથી. જ્યાં જઉં ત્યાં બધું crowded લાગે છે. હવે કાંઈક કરવું પડશે. કાંઈ સમજણ પડતી નથી. ભણ્યા પણ ગણ્યા નહિ ; નહિ તો આ વખત ના આવત. બી.એ. ભણ્યા ન હોત તોયે સારું થાત , કે જ્યાં પડ્યા ત્યાં ખેમ ને કુશળ લાગત. હવે શું કરીશ ?

(ઢીંચણ ઉપર માથું મૂકી ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. શવલંગી એમને આ સ્થિતિમાં જોઈ જાય છે.)
*


0 comments


Leave comment