4 - રઘડો નતોડ / ચુનીલાલ મડિયા


સીમાવદર ગામમાં જઈને તમે પૂછો કે ચોપાટનો ખેલાડી કોણ છે, તો એક નાનું છોકરું પણ ટપ દઈને જવાબ આપે : ‘રઘડો.’

આ ઉપરથી એમ નથી સમજવાનું કે રઘડા સિવાય બીજાઓને ચોપાટ રમતાં નથી જ આવડતું. કાથડભીબાપુની ડેલીનો ઓટો આજ વર્ષોથી ચોપાટ રમવાનો અખાડો હતો. કાથડભીબાપુ તેમના હજૂરિયાઓ સાથે કોઈ કોઈ વખત સવારો સવાર સોગઠાં ઠોકતા. પણ એ સૌ તો, રઘડો કહેતો તેમ, માત્ર ‘કોડાં ઉલાળી’ જાણે. ચોપાટ ‘રમી’ જાણનાર – ખરા અર્થમાં રમી જાણનાર - તો એક માત્ર રઘડો જ.

રઘડો ગામ ખાતે ચોપાટનો વિજેતા હતો. ગામના ચુનંદા કહી શકાય તેવા રમનારાઓને તેણે એકેક નતોડિયું ભરત આપીને પોતાને બિનહરીફ પુરવાર કર્યો હતો.

ગામમાં કોઈને ઘેર મહેમાન આવે અને ચોપાટ રમવી હોય ત્યારે રઘડાને તેડાવે. રઘડાની રમત જોઈને સૌ મોંમાં આંગળાં ઘાલી જાય. ધાર્યા દાવ નાખી જાણનાર તો રઘડો જ. અને કાંકરીની ચાલમાં તો બીજો કોઈ ખેલાડી એના પેગડામાં પગ ઘાલી શકે તેમ નહોતો. રમત શરૂ થાય કે પહેલી જ ચાલે રઘડો દસ કે પચ્ચીસ દાણા નાખીને દાવ લે અને ટપોટપ કાંકરી માંડવી શરૂ કરે. બૌ અજબ ફાવટ હતી. તોડ પણ પહેલવહેલો રઘડાનો જ થતો. તોડ કરવો હોય ત્યારે રાડો પોતાના બીડી ફૂંકી ફૂંકીને કાળાએશ થઈ ગયેલ ઓઠ, કંઈક ગણતરી કરતો હોય તેમ ધીમે ધીમે ફફડાવતો. આ વખતે સૌ સમજી જતાં કે રઘડાની ટોપ કોઈ કાંકરી ‘ખેરવવા’ ઉપર છે. ‘રઘડા, ઓલી લીલી ઉડાડી દે, ત્રણ દાણા નાખીને -' કોઈ રઘડાને સૂચના આપતું અને રઘડો હાથમાં કોડાં લઈ, એ લીલી કાંકરી ઉપર નજર ચોંટાડી, એક, બે અને ત્રણ વખત ખખડાવી, સાચે જ ત્રણ દાણા નાખતો અને સૌને તાજુબ કરી મૂકતો. કેટલાકને આમાં રઘડાનો આ રમતનો જૂનો મહાવરો કારણભૂત લાગતો, કેટલાક એને રઘડાની આંગળીઓની અદ્ભુત કરામત ગણતાં, તો કોઈ અગમ્યતાના આશકો, જેઓને બધી ક્રિયાઓમાં અગમ્યનાં જ દર્શન કરવાની આદત હતી તેઓ કહેતા : ‘એ તો કોઈ બાવા પાસેથી વિદ્યા શીખી આવ્યો છે!’

એ ગમે તેમ હોય. રઘડો ગામ ખાતે ચોપાટનો અઠંગ ખેલાડી હતો એ તો નિઃશંક. એની આ ખ્યાતિ અડખેપડખેના દસ-વીસ ગાઉમાં પ્રસરી હતી. તેની સાથે એકાદ રમત રમવી એ જીવનનો લહાવો ગણાતો. અરે, રમવું તો દૂર રહ્યું, પણ તેને રમતો જોવામાં પણ લોકો ગર્વ લેતા. સવાર-સાંજ કાથડભીબાપુની ડેલીના ઓટા ઉપર રઘડો રમવા બેઠો હોય ત્યારે જોનારાઓની ઠઠ જામતી. કામે જનારા દાડિયાઓ ઘડીભર કામ વિસારે પાડી જોવા ઊભા રહેતા. નદીએ નહાવા જનારાઓ નહાવાનું મોડું કરીને પણ રમત જોવાનો લહાવો લેતા. પરગામના ગાડાખેડુઓ પણ ઓટા સામે ગાડાં ઊભાં રાખી, ઢાંઢા મૂતરી રહે ત્યાં સુધી આડામાં રાશ ભરાવી રાખી, રમત જોયા કરતા. ગમે તે જગ્યાએ ચોપાટની વાત નીકળે ત્યાં રઘડાનું નામ લેવાવાનું જ: ‘રમી જાણનાર તો એક રઘડો સીમા-વદરવાળો જ; બીજા બધા એનાથી હેઠ.’

રઘડાનાં નૈપુણ્ય અને ખ્યાતિએ એને ધીમે ધીમે બેહદ ગર્વિષ્ઠ બનાવ્યો. વાતવાતમાં આત્મશ્લાઘા કરવાની તેને આદત પડી. જેવાતેવા સાધારણ રમવાવાળાઓ જોડે તો તેણે રમવુંયે બંધ કર્યું, પછી કાચાપોચા શિખાઉનું તો પૂછવું જ શું?

‘હવે એવા છબા રમવાવાળા હારે તો શું કરવું? મારી મૂછ લાજે !' કહી ઘણી વખત એ મૂછને વળ આપતો.
પછી તો એનું અભિમાન એટલી હદ સુધી પહોંચ્યું કે કાથડભીબાપુની ડેલીએ રમવા જવાની પણ એણે ના પાડવા માંડી :
‘ડેલીએ રમવાવાળો કોણ છે, ઈ તો બતાવો મને ! મારી વડ્યનો કોઈ ગોતી દીઓ તો ખરા કહું !’

કેટલાક રસિકો રઘડાને ચગાવતા : ‘રઘડા, આપણા કાથડભીબાપુ કેવુંક રમી જાણે?'
ઊંહ ! ઈ વળી કે’દુકનો રમવાવાળો? મારી કાંકરી બૂમમાં પૂગે ત્યાં સુધી તો એનો તોડ પણ નથી થાતો.’ રઘડો અત્યંત ઉપેક્ષાવૃત્તિથી કહેતો.
‘તૈયે તો તું બાપુનેય નતોડિયું દઈ દે, કેમ?'
‘અરે એને નતોડિયું દેવું એમાં તી કયો પાડો ઉઠાડવો'તો!’
‘ને ઓલ્યો કુઈણાશંકર?’ કોઈ પૂછતું.
‘કુઈણાશંકર તો મારા હાથનો ચેલો. કાલ સવાર સુધી મારાં સોગઠાં સાચવતો.' રઘડો ગુરુની અદાથી કહેતો.
‘ને ભૂરૂભી?'
‘એને તો કોડાં નાખતાંય નથી આવડતાં.’
‘ટપૂડો કેવુંક રમે?'
‘એના બાપદાદે કોઈએ સોગઠી હાથમાં ઝાલી છે તી એને રમતાં આવડે?'

આમ, રઘડો સહુને ગણતરીમાંથી કાઢી નાખતો. પોતાને એ ચોપાટના ખેલાડીઓનો સમ્રાટ માનવા લાગ્યો. ક્રિકેટના ખેલાડીઓ પોતા માટે ખાસ બેટ રાખે છે તેમ રઘડાએ ગોરધન સંઘેડિયાને ખાસ વરદી આપીને પોતા માટે લાલ ચણોઠી જેવી ચાર રંગતડી સોગઠીઓ ઉતરાવી હતી. એ સોગઠીઓ વિના એ રમે જ નહીં.

અને પછી તો એને દિગ્વિજય કરવાનો મોહ લાગ્યો. જેટલા જાણીતા રમવાવાળા હતા, તેમની સાથે એણે લાલ ચણોઠીઓ વડે રમવા માંડ્યું અને સહુની સોગઠીઓ મારીને પોતે જે તોડ કર્યો હોય તેના રંગના ડાઘ પોતાની સોગઠીઓમાં કાયમ રહેવા દીધા. એ નિશાનીઓની તે કોઈ અમૂલ્ય પારિતોષિકો જેટલી કિંમત આંકતો. કોઈ જાદુગર પોતાને મળેલ સંખ્યાબંધ ચાંદ છાતી પર ટાંગી રાખે છે તેવી અદાથી રઘડો પોતાની એ પ્રખ્યાત સોગઠીઓ રાખતો.

એક દિવસ રઘડો તેના પ્રશંસકો વચ્ચે આત્મશ્લાઘા કરતો બેઠો હતો, ત્યાં કાથડભીબાપુનું તેડું આવ્યું: ‘બાપુ ડેલીએ ચોપાટ રમવા બોલાવે છે.’

રઘડાએ આવનાર તરફ પૂરું જોવાની પણ પરવા કર્યા વગર કહ્યું: ‘હવે રમ્યા રમ્યા ! મોટા રમવાવાળા નીકળ્યા છે ! બાપુને મારા હાથનું પડ ખાવાની ખૂજલી થઈ લાગે છે !’

રઘડાએ આમંત્રણનો અસ્વીકાર કર્યો.
બીજું તેડું આવ્યું. રઘડાએ પહેલાં કરતાં પણ વધારે તુચ્છકારથી તે પાછું વાળવા કર્યું, પણ તેના મિત્રોએ તેને સમજાવ્યો : ‘રઘડા, જા ને; એક નતોડિયું ચોંટાડી આવ્યને, એટલે બીજી વાર તારું નામ જ ન લીએ ! રમવાની ખો ભૂલી જાય !’
‘હા, હા, જા એક નતોડિયું આપી આવ, એટલે સાત પેઢી સુધી ફરીથી રમવાનું નામ જ ન લીએ !’

અંતે માંડ માંડ રઘડો ઊઠ્યો : ‘ઠીક, હાલ્ય ભાઈ, હાલ્ય ! બાપુને આજ હાથે કરીને જ નતોડિયું ખાવું છે, પછી હું શું કરું?’

હાથમાં તેની પેટન્ટ સોગઠીઓ રમાડતો રમાડતો રઘડો બાપુની ડેલીએ પહોંચ્યો.
ડેલીએ જઈને તેણે રમત શરૂ તો કરી, પણ અત્યંત ઉપેક્ષાવૃત્તિથી. પહેલી જ ઘાલે દસ દાણા નાખીને દાવ લીધો અને અડખેપડખે બેઠેલા સૌને છક કરી નાખ્યા. પછી તો એકીસાથે ચારે સોગઠીઓ ઘરમાંથી બહાર કાઢીને રમતી કરી. કાથડભીને તો હજી દાવના દાણા પણ નહોતા પડ્યા ને એકે પઘડું નહોતું મુકાણું ત્યારે રઘડાની એક સોગઠી તો લગભગ પાકી જવા આવી હતી અને ઘરમાં જવા માટે પચ્ચીસ દાણા અને તોડની જ જરૂર હતી. કાથડભીનો માંડ માંડ દસ દાણા પડવાથી ચાલવાનો દાવ આવ્યો અને એક સોગઠી ચાલવા માંડી, પછી વખત દસ દસ અને એક વખત પચ્ચીસ દાણા નાખીને એમણે બીજી સોગઠી મૂકી અને પહેલી સોગઠીને ખૂબ આગળ જવા દઈ, ફૂલ ઉપર બેસાડી.

આ દરમિયાન રઘડાની એક સોગઠીએ કાથડભીની પાકવા આવેલી સોગઠીનો ગજબ પીછો પકડ્યો. રઘડાનો વિચાર કાથડભીની પાકી સોગઠીનો તોડ કરી તેને પાછી મુકાવવાનો હતો, પણ એ ફૂલ ઉપર બેઠી હોવાથી તેમ થઈ શકે તેમ નહોતું.

‘એય મવાલી ! બીકણ ! રાંડીરાંડ બાપડીની ઘોડે ફૂલ ઉપર શું ભરાઈ બેઠી છો?’ કાથડભીની કાંકરી કોઈ જીવંત વ્યક્તિ હોય તેમ રઘડાએ તેને ઉદ્દેશીને કહ્યું : ‘પડમાં આવ્ય તો ખરી કહું !'

અને કાથડભીનું ક્ષાત્રાભિમાન ઊકળી આવ્યું. યોદ્ધો ઘરમાં ભરાઈ બેઠો હોય અને બહાર ઊભેલ દુશ્મનની ઉશ્કેરણીથી પાનો ચડે ને બહાર નીકળી આવે તેમ કાથડભીએ રજપૂતની વંશપરંપરાગત ટેવને વફાદાર રહીને પોતાની સોગઠીને ફૂલ ઉપરથી નીચે ઉતારી.

‘રઘડા, લગાવ્ય ! એને લગાવ્ય ! બે દાણે લગાવ્ય !’ રઘડાના પક્ષકારોએ પાનો ચડાવ્યો.
રઘડો અત્યાર સુધી ઊંધા પગ નાખીને બેઠો હતો, તે હવે ગોઠણ ઉપર અર્ધો ઊભો થઈ ગયો. બાજની આંખો તેના શિકાર ઉપર ઠરે તેમ તેની બંને આંખો કાથડભીની સોગઠી ઉપર ઠરી હતી. આ વખતે એની મુખમુદ્રા જોવા જેવી હતી. આંખો ઝીણી કરી, બંને નેણને નજીક ખેંચી, મામા શકુનિની જેમ ધાર્યા પાસાઓ ફેંકવાની રેખાઓ કપાળમાં લાવી, ‘એ.. એ.. એ... ને આ બે દાણા !’ કહી તેણે કોડાં ફેંક્યાં; અને બરોબર બે જ દાણા પડ્યા !

‘ખરો ! ખરો, બહાદુર ! રંગ છે !’ રઘડાના પ્રશંસકોએ પ્રશંસા કરી.
વનરાજને પોતાનો શિકાર હાથ આવે અને જે વિજયસ્મિત સાથે એ લેવા જાય એવા તિરસ્કારમિશ્રિત સ્મિત સાથે રઘડો પોતાની સોગઠી લઈને ગોઠણિયાભર ઊભો થયો અને કાથડભીની સોગઠી ઉપર એ ટચાક અવાજ સાથે જોરથી પછાડી. કાથડભીની સોગઠી છટકીને રડતી રડતી ઠેઠ સામી ભીંત સુધી પહોંચી. એની પાછળ રઘડાએ પોતાની વિજયના ગર્વથી ભરેલી નજર પણ મોકલી અને થોડી વાર સુધી ત્યાં જ ઠેરવી. ત્યાંથી વાળીને એ નજર તેણે કાથડભી ઉપર માંડી. એ આંખમાંથી વરસતો વિજેતાનો ગર્વ અને પરાજિત પ્રત્યેની ધૃણા કાથડભીથી જીરવી શકાય તેમ ન હતાં, પણ શું કરે? પોતે જ જાતે ઊઠીને રઘડાને રમવા તેડાવ્યો હતો ને? પોતાનો તો હજી તોડ પણ નહોતો થયો અને રઘડાની તો બીજી સોગઠી પણ ઘરમાં પહોંચવા આવી હતી. સૌને બીક લાગતી હતી કે રઘડો જીતી જશે અને બાપુને નતોડિયું પડ ખાવું પડશે.

હવે તો રઘડો પણ ઉત્સાહમાં આવીને દાણા નાખતો હતો. બીજી સોગઠીને ઘરમાં પહોંચાડ્યા પછી ચાર જ ઘાલમાં ત્રીજીને પણ અંદર પહોંચાડી. હવે એ ઊભો થઈને ચાલ્યા જવાની તૈયારી કરવા લાગ્યો, પણ કાથડભીને હજી તોડ થવાની આશા હતી, તેથી નતોડિયું ન ખાવા માટે તેમણે આગ્રહપૂર્વક રઘડાને બેસાડ્યો.

રઘડાની એક સોગઠી હતી તે પણ ત્રણ ઘાલમાં આગળ નીકળી ગઈ તેથી કાથડભીની તોડ થવાની રહીસહી આશા પણ ઊડી ગઈ. પણ રઘડાની ખાનદાની ક્યાં ઓછી હતી ? કાથડભીની એક સોગઠી પેટઘર આવીને પડી હતી એટલે એણે પોતાની એક સોગઠીને કોઈ અમીરની અદાથી ઘરમાંથી કાઢીને ગાંડી બનાવી. આમ કરવામાં તેણે કાથડભીને રમત રમવાની તક આપી મહદ ઉપકાર કર્યો હોય તેવો ડોળ કર્યો, પણ કમનસીબે કાથડભીની સોગઠી ફૂલ ઉપર હોવા છતાં રઘડાના ત્રણ દાણા પડવાથી ગાંડી સોગઠીએ તેનો તોડ કર્યો.

‘શું મોઢાં લઈને રમવા બેસતા હશો?’ રઘડાએ કાથડભીની સોગઠીને ભમ્મમમ...કરતી ઉડાડી મૂકતાં કહ્યું અને પછી બીજા ત્રણ દાણા નાખીને છેલ્લી સોગઠી પણ તેણે ઘરમાં મોકલી.

કાથડભીએ નતોડ પડ ખાધું.
રઘડો ઊભો થતાં થતાં બોલ્યો : ‘કઢી ચાટો કઢી ! ચોપાટ રમવાનાં ડાચાં કહે છે?’ અને પોતાનાં સોગઠાં લઈ, વિજેતાની જેમ ચાલ્યો ગયો.
કાથડભી તેના શબ્દો સાંભળીને રોમેરોમ સળગી ઊઠ્યા. તેમનો એક હાથ જમૈયો લેવા વળ્યો, પણ ભેરુઓએ તેમને વાર્યા.

તે દિવસે ડાયરામાં સૌને કસુંબા કડવા ઝેર જેવા થઈ પડ્યા. કાથડભીને તો સાંજે વાળુંપણ ન ભાવ્યું. બીજું બધું તો ઠીક પણ રઘડો જાતાં જાતાં કઢી ચાટવાની જે ગાળ દેતો ગયો હતો તે આખી ક્ષત્રિય કોમની નામોશી હતી. તેમનું જાતિઅભિમાન સળગી ઊઠ્યું. કુટુંબ આખાને આઠ દિવસ સુધી કસુંબો ગળે ન ઊતર્યો. ગામ આખામાં વાત પ્રસરી ગઈ કે રઘડાએ બાપુને નતોડિયું પડ આપ્યું. ‘જણ ખરો રમવાવાળો છે ! ‘બાપુ જેવા બાપુને નતોડિયું આપી આવ્યો !' ‘માળો રમ્યે ભારે લોંઠકો !' આમ બે મોઢે તેનાં વખાણ થવા માંડ્યાં.

આ બનાવ પછી રઘડો બિનહરીફ યોદ્ધાની જેમ ફરવા લાગ્યો. કોઈ પૂછતું:
‘રઘડા, તને હજી સુધી કોઈએ નતોડિયું દીધું છે?’ તો એ જવાબ આપતો: ‘મને નતોડિયું દેવાવાળો તો હજી એની માના પેટમાં હશે. કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે?'

બીજી બાજુ, કાથડભીનો ઘા રુઝાવાને બદલે વધારે ને વધારે અસહ્ય બનતો ગયો. તેમની એક જ અબળખા હતી: ‘ગમે તેમ કરીને આ બે દોકડાના આહીરને નતોડિયું ખવરાવું તો હું ખરો !'

દિવસ ઉપર દિવસ જવા લાગ્યા. રઘડાની આત્મશ્રદ્ધા પણ વધતી જ ગઈ. નાચ્યા વગરના માતેલ ખૂટિયાની જેમ એ ફરવા લાગ્યો. તેનાં મોંફાટ અભિમાનવેણોથી તેના પ્રશંસકોને પણ લાગવા માંડ્યું કે હવે તો આ આંકેલ આખલાને કોઈ કાંધ નાખે તો સારું. કોઈ માથાનો જડે તો ઠીક થાય. શેરને માથે કોઈ સવા શેર મળી જાય તો આનો મદ ઊતરે; નહીંતર કોણ જાણે કેવાં પરિણામ આવશે.

એવામાં બન્યું એવું કે સીમાવદરની એક ઢેઢડી કાથડભીની ડેલી વાળવા જતી, એ કાથડભીની બહેનના ગામ આંબલિયાળાના ઢેઢને ઘેર નાતરે ગઈ. એણે ત્યાં જઈને વાત કરી કે કાથડભી બાપુને ગળે કસુંબો નથી ઊતરતો. આ વાત કાથડભીના ભાણેજ જે ચોપાટના ભારે રસિયા હતા, તેમને કાને પહોંચી. તેઓ મારતી ઘોડીએ સીમાવદર આવ્યા અને મામાને આશ્વાસન આપી રઘડાને ડેલીએ રમવા આહ્વાન મોકલ્યું.

ગામના બેચાર નવરા દાદાઓ સાથે ચોરામાં બેઠો બેઠો રઘડો ટોડા છોલતો હતો ત્યાં બાપુના માણસે આવીને રઘડાને ભાણાભાઈનું રમવા આવવાનું આહ્વાન આપ્યું.

આસપાસનાં દસ-વીસ ઘર સાંભળે એવા અવાજે રઘડો બોલી ઊઠ્યો : ‘ઇ કઢીચટ્ટાવ હાર્યે આ રઘડો ચોપાટ રમશે? એક નતોડિયું ખાધું છે છતાં હજી ધરવ નથી થીયો?’
‘ભાણાભાઈને સ્વાદ ચાખવો બાકી રહી ગયો લાગે છે!' કોઈ બોલ્યું.
‘એને ખબર છે કે આ રઘડો ડેબાં ભાંગી નાખશે? જા ભાઈ, જા; ભાણાભાઈને કહે કે રઘડા હાર્યે ચોપાટ રમવા કરતાં છોકરિયું હાર્યે છબા રમી લ્યો ! હજી મૂછનો દોરો ફૂટવાને વાર છે.’ કહી રઘડાએ મૂછોને વળ આપતાં આપતાં બાપુના માણસને પાછો વાળ્યો.

બાપુએ ફરી માણસને મોકલી કહેવડાવ્યું : ‘મરદનો દીકરો હો તો ભાણાભાઈ સામે પડમાં આવી જા, નહીંતર નતોડિયું ખાધું કબૂલ કર !’

‘જા, રઘડા, જા; ઈ ભાણાભાઈને જરાક હાથ બતાવી આવ્ય એટલે ઠામૂકા ગામમાં પગ મૂકતાં જ ભૂલી જાય.’ રઘડાના મિત્રોએ એને પરાણે રમવા મોકલ્યો. પાછળ પ્રેક્ષકોનું મોટું ટોળું ગયું.

કોઈ શહેનશાહને છાજે એવી લાપરવાહીથી રઘડો કાથડભીની ડેલીએ આવ્યો અને ભાણાભાઈ સાથે રમવા બેઠો.
આજે જોનારાઓની હકડેઠઠ્ઠ જામી હતી. રઘડાના દરેક હલનચલનમાં આત્મવિશ્વાસ દેખાઈ આવતો હતો.
ભાણાભાઈએ પહેલી જ ઘાલે પચ્ચીસ દાણા નાખીને દાવ લીધો અને એક સોગઠી માંડી.
રઘડાને આવી જાતનો પ્રથમ જ અનુભવ હતો, તેથી કંઈક વ્યાકુળ થઈ ગયો. તેણે બે ઘાલ ફેંકી, પણ એક વખત ત્રણ અને એક વખત એક દાણો પડ્યો. તે ગભરાઈ ગયો.

ફરી ભાણાભાઈએ દાવ લીધો અને બીજી સોગઠી માંડી.
પણ રઘડાને ઉપરાઉપર ચાર ઘાલમાં માત્ર બબ્બે, ત્રણ ત્રણ દાણા જ પડતા રહ્યા. સૌ જોનારાઓને થયું કે આ રઘડો રમે છે કે બીજું કોઈ? આમ કાં થાય? ઉપરાઉપર દાવ લેનાર રઘડો છ-સાત ઘાલ સુધી છાનો બેઠો રહે?

ભાણાભાઈની ચારેય સોગઠી ચાલવા લાગી.
અંતે રઘડાના દસ દાણા પડ્યા અને સોગઠી મંડાણી.
ભાણાભાઈની એક સોગઠી તો હવે પાકવા આવી હતી; ઘરમાં જવા માટે તોડ થવાની જ વાર હતી. રઘડો ઊંચોનીચો થતો હતો.
ત્યાં તો ભાણાભાઈએ દાવ લઈને રઘડાની એકની એક ચાલની સોગઠીનો પઘડે તોડ કર્યો ! કોઈના માન્યામાં પણ ન આવ્યું.

રઘડાની આંખે અંધારાં આવ્યાં. આ દૃશ્ય એ સાચું જ ન માની શક્યો. આ આખો બનાવ એની સમજમાં ન આવવાથી તે ઉભડક થઈ ગયો અને માથું ખંજવાળવા લાગ્યો.

તેને પચ્ચીસ દાણા આવ્યા અને બીજી સોગઠી મૂકી, પણ તે દરમિયાન ભાણાભાઈની તો બે સોગઠી ઘરમાં ચાલી ગઈ હતી.
સૌ આશ્ચર્યથી રમત જોઈ રહ્યા.
રઘડો વધુ ને વધુ મૂંઝાવા લાગ્યો. કેમે કર્યા તેના દાણા સરખા જ નહોતા પડતા. ઘાલ નાખવા જતાં હાથ થોથવાઈ જતો હતો. છતાં પોતાને પડ લાગશે એ વાત તો કેમ કરી તેને ગળે નહોતી ઊતરતી.

ભાણાભાઈની ત્રીજી સોગઠી પણ ઘરમાં ગઈ ! આ બધું જોતો કાથડભીના હૃદયમાં તો ઉલ્લાસ માતો નહોતો.
રઘડો બાઘા જેવો બનીને આ જોઈ રહ્યો. તેની માત્ર બે જ સોગઠી ચાલતી હતી. તોડ થવાની તો આશા જ નહોતી; કેમ કે ભાણાભાઈની એકની એક સોગઠી પણ હવે ઘેર પહોંચવા આવી હતી. કાથડભી વૈરતૃપ્તિનો ઊંડો આનંદ માણી રહ્યા હતા.

રઘડાને એ નતોડિયું લાગવાનું નક્કી જ હતું. ગમે તેમ કરીને તોડ કરવા એ ફાંફાં મારી રહ્યો, પણ ભાણાભાઈની તો એક જ સોગઠી ચાલતી હતી. પચ્ચીસ અને બે દાણા નાખે તો જ રઘડાનો તોડ થઈ શકે તેમ હતો. તેણે બરોબર સ્વસ્થ થઈને પચ્ચીસ દાણા નાખ્યા. હવે તેનામાં કંઈક કાંટો આવ્યો. ત્રણ વખત કોડા ખખડાવીને તેણે ફરી દાણા નાખ્યા, પણ તેને કમનસીબે એને બદલે ત્રણ દાણા પડ્યા !

ગુડા ભાંગી ગયા હોય તેમ રઘડો હતાશ થઈને ઢગલાની જેમ બેસી ગયો. ભાણાભાઈની છેલ્લી સોગઠી એક જ દાણે ઘરમાં જાય તેમ હતી. જીવનનું સર્વસ્વ હણાઈ ચૂકવાની તૈયારીઓ હોય તેમ રઘડાએ ઊંડો નિસાસો મૂક્યો.

સૌની આંખો રઘડા ઉપર મંડાઈ હતી. કાથડભીની આંખોમાં કિન્નો લેવાયાનું ખુન્નસ તરવરતું હતું. રઘડાના પ્રશંસકો નિમાણા બનીને જોઈ રહ્યા હતા. છતાં રઘડો તો આ બધું જોતો જ ન હોય તેમ શૂન્ય નજરે બેઠો હતો.

ભાણાભાઈએ પઘડું નાખીને છેલ્લી સોગઠીને પણ ઘરમાં મોકલી.
સૌને હોઠે આવી અટકેલો શબ્દ બહાર નીકળી પડ્યો : ‘નતોડ ! નતોડ ! નતોડ !’
કહે છે કે આ વખતે રઘડાની શૂન્ય આંખોમાં અસાધારણ ચમકનાં પૂર ધસી આવ્યાં અને છાતી થડકાવી દીએ એવા પ્રચંડ અવાજથી એ સૌની સાથે બોલી ઊઠ્યો : ‘નતોડ !’

અને પછી હા! હા! હા! હા! કરીને કાન ફાડી નાખે એવું અમાનુષી હાસ્ય તેણે કર્યું.
હવે રઘડો શેરી-ગલીઓમાં ભટકે છે અને જે કોઈ સામું મળે એને પૂછે : ‘તમારો તોડ થયો?’
અને પાછળ છોકરાંઓનું ટોળું તેના ઉપર પથ્થર ફેંકતું બૂમો મારે છે : ‘રઘડો નતોડ ! રઘડો નતોડ !’

અને પરાજયથી અંકિત થયેલી રઘડાની મુખાકૃતિ આનો કારુણ્યભર્યા સ્મિતથી મૂક ઉત્તર આપે છે : ‘ના.'
* * *


0 comments


Leave comment