12 - કૃષ્ણ કહે ઉદ્ધવને... / જનક ત્રિવેદી


ચલાળા સ્ટેશને એક ખખડધજ ટી સ્ટોલ છે. કેબિનનાં કટાયેલાં પતરાંનો વાદળી રંગ ઝાંખો પડી ગયો છે. લાકડાની ફ્રેમ ખવાઈ ગઈ છે. ખીલીઓ નીકળી જવાથી પતરાંના ખૂણા વળી ગયા છે. રેલવેના કોઈ અણઘડ પેઇન્ટરે લખેલા ‘રેલવે રિફ્રેશમેન્ટ સ્ટોલ’ - અક્ષરોમાંથી કેટલાકના પોપડા ખરી ગયા છે. નીચે લખેલા – ‘અહીં ગરમાગરમ ગાંઠિયા તથા મસાલાવાળી ચા મળશે' - શબ્દો હજી ઝાંખા ઝાંખા ય વંચાય છે. ગરમાગરમ ગાંઠિયા ભૂતકાળની બાબત બની ગઈ છે, ને ચામાંથી મસાલો અદૃશ્ય થઈ ગયો છે. અંદર એક જાહલ કબાટ છે. તેની એક બારીને કાચ વળગી રહ્યો છે. બાકીમાં કેલેન્ડરનાં પૂંઠાં ભરાવ્યાં છે. અંદર એક ભંગાર ટ્રેમાં બીડીઓની બેત્રણ ઝૂડીઓ અને બાકસ પડ્યાં છે. સિમેન્ટના સ્ટેન્ડ ઉપર એક મેલોઘેલો પ્રાઇમસ અને એલ્યુમિનિયમની બે રૂપચૌદશ તપેલી ઊંધે માથે તપ કરી રહી છે. ફર્શમાં ઉંદરે બેઝિઝક ઘર બનાવ્યાં છે. એકંદરે એ તમામ અસબાબને સ્ટોલ તરીકે ઓળખવો હોય તો ઓળખી શકાય.

રોજ સવારે કૅબિનની અંદર કૅબિન જેટલો જ જરીપુરાણો એક રાંક માણસ કાં તો માતાજીના ફોટા સામે નતમસ્તકે હાથ જોડી ઊભેલો દેખાય છે, અથવા સ્ટેન્ડ ઉપર ખસ્તાહોલ પ્રાઇમસ ઉપર ઘંટીઘોબાળી કાળી તપેલીમાં ચા ઉકાળતો નજરે ચડે છે. સિત્તેરની આજુબાજુના એ જઈફ આદમીએ માથે બાલ ખરી ગયેલી સુરબાલની જૂની ઢીલી ટોપી, ડીલે થીગડાવાળું જરવાળિયું પહેરણ ને ઢીલી ચોરણી ધારણ કર્યા છે. ચાનું રસાયણ પીધેલી રતૂમડા છેડાવાળી સફેદ મૂછો સવારની ઠંડી હવામાં ફરકી રહી છે. એ ભીખા ભગત છે, ટી સ્ટોલના માનવંતા માલિક ભીખા ઉકા. ભીખા ભગત ચા ઉકાળતા જાય છે ને ચાખતા જાય છે. તપેલીમાં ચા નહીં, ભીખા ભગતનું મેજિકપોશન ઊકળી રહ્યું છે. ફળફળતી ચા, ગરણી, અડાળી અને હોઠના સંજોગ થાતા રહે છે. એમ કલાક દોઢ કલાક નીકળી જાય છે. બેશક ‘નીકળી’ જાય છે. પછી ગાડીની લાઇન- ક્લિયરના ડંકા પડે છે ત્યારે સ્ટૉલને તાળું વાસી.. હંમણે વયો આવું... ભોળિયાનાથનાં દર્શન કરીન... એવું કંઈક બબડતા ગામઢાળા ચાલતા થાય છે. પછી ગાડી જાય ત્યાં સુધી ભીખા ભગત કળાતા નથી.

કૃષ્ણ કહે ઉદ્ધવને..
વાત સાવ સીધી છે. ગાડી જેવી ગાડી પ્લેટફોર્મ પર ઊભી હોય ને એકે મુસાફર ચા પીવા ટોલ ફરકે નહીં એ કેમ ખમાય. ઈ કરતાં દેખવુંય નૈં ને દાઝવુંય નૈં, બાકી રડ્યોખડ્યો એકાદ બાવો આખા દિવસમાં એકાદ ચા માગે તે ગનીમત. અથવા સ્ટેશન માસ્તર ઑફિસમાં જુગારનો કાર્યક્રમ રાખે ત્યારે ચાર પાંચ ચાનો ઑર્ડર મળે. બસ, એને ઘરાકી ગણવી હોય તો ગણી શકાય.

એક દયાળુ અધિકારીએ જ્યારે ભીખા નામના છોકરાને રેલવે ટી સ્ટોલનું લાઇસન્સ અપાવેલું ત્યારે આ સ્ટોલની બોલબાલા હતી. બસવ્યવહાર તદ્દન ઓછો હતો, તેથી ગાડીઓ મુસાફરથી ભરચક્ક રહેતી. ગાર્ડ-ડ્રાઇવર શોડ્યુઅલ હોલ્ટ કરતાં ગાડીઓ વધુ સમય થોભાવતા અને જોઈએ ત્યારે એન્જિનમાંથી કોલસા દેતા. બદલામાં ડ્રાઇવર-ગાર્ડને ફ્રી ફંડમાં ચા-નાસ્તો મળતાં. તદુપરાંત સ્ટોલને ‘પરબ’ સમજી મફતની ચા ગટગટાવી જતા ટિકિટચેકર અને પોલીસવાળા તો ખરા જ. આવક પ્રમાણે તે પોસાતું.

પરંતુ હવે વાત જુદી છે. હવે તો ગાડી આવીને ઊભી નથી કે પીપુડી વગાડી નથી. કોલસાની તો વાત જ નહી, ને બળેલી કોલસી માટે ‘ઈંગાર’ કાઢવાના રોકડા ચાલીશ માગે. આંખની શરમેય નહીં. રેલવે એ ટ્રાફિકના અભાવના નામે અથવા પાણીની અછતનાં બહાને ખોટ કરતી ગાડીઓ બંધ કરી છે. રેલવેના ચોપડે જમા થવી જોઈતી રકમ સીધી ગાર્ડ સાહેબો, ટિકિટચેકર સાહેબો અને સ્ટેશન માસ્તરોનાં ખીસામાં સરખે હિસ્સે જતી હોવાથી રેલવેના ચોપડામાં ખાલી ગાડીઓ દોડે છે. એ કારણસર પોતાના ધંધાને ધક્કો લાગ્યો છે તેની ભીખા ભગતને ખબર નથી. તેમને મન ગાર્ડ-ડ્રાઇવર અને સ્ટેશન માસ્તર હજીયે ‘આપડાં માવતર’ છે.

બીજી વાત, લોકોને હવે બાપુ ગાડીઓમાં પ્રવાસ કરવાનું ગમતું નથી. બસ વ્યવહાર વધી ગયો છે. સામે, ભંગાર એન્જિન, ખરાબ કોલસા-પાણીને કારણે ગાડીઓ ધણીધોરી વિનાની હોય તેમ દોડે છે. પરિણામે મુસાફરો ઘટી જવાથી ભીખા ભગતની આર્થિક સ્થિતિ છેલ્લાં કેટલાંક વર્ષોથી બગડી ગઈ છે. છોકરાઓ પરણી પરણીને નોખા થઈ ગયા છે. રાતી પાઈની પણ આવક રહી નથી. પરંતુ ભીખા ભગતની ઉદારતા હજી અકબંધ છે. સ્ટેશન માસ્તરને આગ્રહ કરી ચા પિવડાવે છે.

બે રૂપિયા ખર્ચી ચા પીવા હવે કોઈ સ્ટોલે ઢૂંકતું નથી. તેથી દર છ મહિને ભરવાની થતી લાઇસન્સ ફીની રકમ ભરી શકાતી નથી. સ્ટેશન માસ્તરની દયાથી અને કોમર્શિયલ ઇન્સ્પેક્ટરની મહેરબાનીથી ચડતર ફી ભર્યા વગર થોડો સમય પસાર થઈ જાય છે.

પરંતુ આખરે એક દિવસ સ્ટોલને સીલ લાગી જાય છે. કોમર્શિયલ ઇન્સ્પેક્ટર સીલ કરવા આવે છે. ભીખા ભગત રોણાંધોણાં આદરે છે. પરંતુ સ્ટોલને તાળું દેવાઈ જાય છે.

છતાં નિયમ મુજબ ભીખા ભગત સવારના સાતે આવે છે. સ્ટોલની પાછલી બારી નીચે હાથ નાખી સ્ટોપર ખોલે છે. બારી ઊંચી કરી ગડકીને અંદર જાય છે. અંદર જઈ ભીખા ભગત કબાટમાં રાખેલી ખોડિયારમાની છબિ સામે અગરબત્તી પેટાવે છે. ઘરમાં માંદી ઘરવાળી ડોશીની દવામાં એક ફદિયું ખરચી નહીં શકનાર ભીખા ભગત એક નાની દાબડીમાં દેશી ઘી રાખે છે. રૂની મોટી વાટ કરી ઘીમાં બોળે છે. પછી વાટ પેટાવી હથેળીમાં રાખે છે. હથેળીના ખાડામાં થોડું વધુ ઘી નાખે છે. પછી – ‘હે મારી માવડી, મારી લાજ રાખજે' - એમ બોલતા-બબડતા દીવો બળી રહે ત્યાં સુધી માતાજીની આરતી ઉતારે છે. બળતરાની વેદના થાય ત્યારે ભીખા ભગતની વૃદ્ધ આંખોમાંથી આંસુ ખરતાં હોય છે. પરંતુ સ્ટોલના ચોખંડા અંધકારમાં રોજ ભજવાતું એ દૃશ્ય જોવાવાળું કોઈ હોતું નથી.

દિવસો અને મહિનાઓ પસાર થઈ જાય છે. પણ ફીની રકમનો જોગ થાતો નથી. ઘરમાં માંદી ડોશી જાઉં જાઉં થઈ રહી છે, પણ ભીખા ભગતને એની ફિકર નથી. પરંતુ સ્ટોલ ઊઘડી જાય તો આબરૂ રહી જાય એની ફિકરમાં ભીખા ભગત ડૂબી ગયા છે. ટી સ્ટોલ ભીખા ભગતનાં આંતરબાહ્યનો એક હિસ્સો બની ગયો છે.

લાઇસન્સ રદ ન થાય તે માટે ભીખા ભગત સ્ટેશન માસ્તરને કાકલૂદીઓ કરી જાય છે. નવા સ્ટેશન માસ્તરને ખબર છે, પોતે ભીખા ભગતની બેકારી વધારી છે. એ જુગાર રમતો નથી ને રમવા દેતો નથી, તેથી ભીખા ભગતના ચાના ઘરાક સ્ટેશને આવતા બંધ થયા છે. સ્ટેશન માસ્તર કરુણાથી પ્રેરાઈને ભીખા ભગતની કાકલૂદીઓ હમદર્દી પૂર્વક સાંભળે છે, ‘સાહેબ, થોડા દિ ખોભળી જાજો. બસેંનો વેંત થઈ ગયો છે.' એકવારનું હોય તો ઠીક છે, પરંતુ આ તો કાયમની વાત થઈ. ભવની કોણ ભાંગે ! છતાં સ્ટેશન માસ્તર શક્ય એટલો વિલંબ કરે છે. હેડ ઑફિસનાં ફીનાં પુછાણનાં કાગળિયાં દબાવી રાખે છે, અથવા ફાડી નાખે છે, ને કશો જવાબ દેતા નથી. એમ બીજા બેત્રણ મહિના નીકળી જાય છે.

દરમિયાન ભીખા ભગત સ્ટેશન વિસ્તારમાં આડેધડ ઊગેલા ગાંડા બાવળનાં લાકડાં વેચી ગુજરાન ચલાવે છે. એકાદવાર કોમર્શિયલ ઇન્સ્પેક્ટર ખુદ આવી ભીખા ભગતને ચડતર ફી ભરવા દબાણ-દમદાટી દઈ જાય છે. ભીખા ભગત ચા પીવડાવે છે, હાથપગે પડે છે, આંસુડાં ખેરવે છે.

અચાનક એક દિવસ લાઇસન્સ રદ થવાની અણીએ ભીખા ભગત ફીની તમામ રકમ સ્ટેશને જમા કરાવી જાય છે, અને તરત સ્ટોલનો દરવાજો ખૂલી જાય છે. ભીખા ભગતનું નંદવાઈ ગયેલું મન ફરી સંધાઈ જાય છે.

હવે ભીખા ભગત લીટર દૂધ સાથે સ્ટોલમાં બાકાયદા પ્રવેશે છે. પ્રાઇમસ ઉપર દૂધ ગરમ કરવા મૂકે છે. દૂધ ગરમ થઈ રહે ત્યાં સુધી માતાજીની આરતી કરે છે... હે માડી, તેં તારા રાંક ભગતની પત્ય રાખી ખરી... તારી કરપાનો કોઈ પાર નથી, મા... ! સતને મારગે હાલ્યો છઉં ને હાલવા દેજે, હે જોગમાયા ! પછી ચા ઉકાળે છે. ઊકળતી ચા હથેળીમાં લઈ ચાખતા જાય છે ને ચાની ભૂકી અને ખાંડ ઉમેરતા જાય છે, ને ગરણી હલાવતા રહે છે. દરમિયાન દર પાંચ મિનિટે અડધી અડધી અડાળી ચા પીતા જાય છે. સમ ખાવાયે એકે ઘરાક ચા પીવા આવતો નથી. સવારની નવની ત્રણસો ચોપન લોકલ જાય છે. છતાં ગલ્લામાં એક પૈસો પડ્યો નથી. એનું દુ:ખ નથી. લાજ સચવાઈ ગયાનાં સુખની આભાથી ભીખા ભગતનો ચહેરો ચમકી રહ્યો છે.

ગાડી ગયા પછી સ્ટેશનમાં કાળો કાગડો દેખાતો નથી. ત્યારે કેડેથી ઝૂકી ગયેલો સિત્તેર પારનો લવોભાભો સ્ટેશનનાં પગથિયાં ચડી થર્ડક્લાસ વેઇટિંગ હોલની પથ્થરના લાદી પર લાકડી ઠપકારતો ભીખા ભગતના સ્ટોલ દીમનો આવે છે. ભીખા ભગત નજીક આવતા જતા લાકડીના ઠપકાર સાંભળતા રહે છે. સ્ટોલનાં બારણે નરવો અવાજ સંભળાય છે;... એલા ભીખા ક્યાં ગયો ? ભીખા ભગત લવાભાભાને સ્ટોલમાં બેસાડે છે. પછી બન્ને જણ ઉભડક બેસી મૂંગા મૂંગા બે ત્રણ રકાબી ચા પીએ છે. પછી લવોભાભો બોલે છે; લાવ્ય, લે ભીખા કાવડિયાં. ભીખા ભગત ખીસાંને ખૂણેખાંચરેથી પાવલી કે આઠઆની ગોતી કાઢી લવાભાભાને આપે છે. લવોભાભો ગાંધીચશ્માંથી ઝાંખી નજરે જોતાં પૂછે છે; રૂપિયો કાં નૈં ?! ભીખા ભગત માતાજીના સોગંદ ખાઈ કહે છે; લવા, એકેય ચા ખપી હોય તો મારી માવડી ના સમ... તારાં કાવડિયાં દૂધે ધોઈને દેવાં છ... આવતે ભવ મારે તારો ઢાંઢો થાવું નથી. લવોભાભો કહે છે... આવતે જલમ મારેય તારો ઘોડો થાવું નથી. બન્ને વચ્ચે ઝીણી ઝીણી રકઝક- કચકચ ચાલતી રહે છે - કોઈ સાંભળે નહીં તેમ.

લેઉઓ કણબી લવોભાભો ખાદીભંડારમાં ચોકીદાર હતો. ખાદીનાં જરવાળિયાં ઝભ્ભો- ચોરણી અને માથે માથાંથી મોટી ગાંધી ટોપી પહેરે છે. બાળ બ્રહ્મચારી છે. જમીન ભાઈઓને આપી દીધી છે. ગામના ગાંડા-અપંગની સેવા કરે છે અને કૂતરાઓને રોટલા નીરે છે. બાકીનો સમય ઓટલાઓ ઉપર નવરા ભાભાઓ સાથે સત્સંગ કરે છે.

લવોભાભો ભીખા ભગતને ઠપકો આપે છે; ભીખા, હવે કાંક્ય સુધર્ય તો સારું... બાકી આમ કેટલા દિ હાલશે ! ધંધામાં જીવ રાખ્ય તો બે કાવડિયાં રળીશ... તું ને એકલાને સા પીવા થોડો કાવડિયાં દઉં છું. ભીખા ભગત કપાળે આંગળી અડાડી કહે છે;... નસીબ... નસીબ, લવા, નસીબ ! નસીબમાં નો હોય અમથા ઉધામા કરવા ખોટા... ને આમાં લખ્યું હશે તો ક્યાંય નૈં જાય... મારી માવડી દૈ રેશે, સમજ્યો ! એમ કરતાં બેય ડોસા અગમનિગમનાં ગૂઢ ગિનાનની વડછડે ચડી જાય છે.

બપોર સુધીમાં લિટરે દૂધની ચા ભીખા ભગત પોતે એકલા ઢીંચી જાય છે. અલબત્ત, ગ્રાહકના ઇન્તેજાર અને ગમમાં ! પછી બપોરે સર્વે આધિ વ્યાધિ ઉપાધિ ચાની તપેલીમાં ઢાંકી નિરાંતે કોઈ ધાર્મિક સામયિકના જૂના અંક વાંચે છે.

આમ મહિનો બે મહિના જાય છે ત્યાં ફરી લાઇસન્સ ફી ભરવાની નોટિસ આવે છે. જો કે હજી બેચાર મહિના સુધી વાંધો આવે તેમ નથી.

આ ઘટના દર વરસે ઘટે છે. દર વખતે ફી ચડતર થાય છે. પાવલી- આઠ આના કરી માંડ વીસ- પચીસ લવાભાભાને ચૂકવાણા હોય ત્યાં પાછા વસમા દિ’ આવી જાય છે. ફરી ગાંડા બાવળના આધારે દિવસોને ધક્કા મરાય છે. ફરી માવડીની કરપાએ ફી ભરાય છે, ને ફરી તિલસ્માતી રીતે તાળાં ખૂલી જાય છે. ફરી સ્ટોલના અભેદ્ય કિલ્લા વચ્ચે સલામત ભીખા ભગત ચાનું દ્રાવણ ઉકાળતા થાય છે. ફરી લાકડીના ઠપકાર સંભળાય છે. લવોભાભો આવે છે. ‘ચાઉં’ પીવાય છે. ‘ગિનાનની ચર્ચાઉં’નો દૌર ચાલે છે... અને ફરી ફરી.... ફરી ફરી ઘટનાચક્ર ફરતું રહે છે.

કહેવાય છે, હરવખત લવાભાભાના વ્યાજ સાથે મૂળગાય ડૂબી જાય છે. લવોભાભો કહે છે... કાંય જાતા નથી... દઉં છઉં તો એમનમ નથી દેતો... વિયાજ લઉં છઉં રોકડું. લવાભાભા ચાલતા થાય છે, ને કંઈક બબડતા જાય છે. જોકે પૂછનારને એનો બબડાટ સમજાતો નથી.

ભીખા ભગતને પૂછો તો કહે છે;... મારી પાંહે કાંય હોય તો લવાને દઉં ને, લવાભાભાને પૂછો તો કહે છે; ભીખાનું વિયાજ ખાઉં છઉં. બેમાંથી કોણ સાચું તેની ખબર પડતી નથી. સાચી વાત એટલી કે ભીખા ભગતની ભીડ ભાંગે છે.

યુનિયન કાર્યકર સ્ટેશન માસ્ટર બીજા દૃષ્ટિકોણથી વિચારે છે. એને દરેક માણસ કાં તો સર્વહારા દેખાય છે, અથવા શોષણખોર. એની ફાંદની ચિંતા કરવાને બદલે શોષણ સામે પડકાર, બહેતર જિંદગી, સમાજવાદ અને એવી બીજી ઘણી વાહિયાત બાબતોની ફિકરમાં એ સતત ડૂબેલો રહે છે. એને થાય છે, કૂબડો લવોભાભો ભીખા ભગતને એકસ્પ્લાઇટ કરે છે. જોકે કાણી કોડી વગરના ભીખા ભગતનાં શોષણનો એનો ખ્યાલ ખરેખર રમૂજી છે, એને સમજાતું નથી, કે - તો પછી લવોભાભો આમ વારંવાર ઘર બાળીને તીરથ શું કરવા કરે છે.

એક દિવસ એ લવાભાભાને પૂછે છે,
ચશ્માંની દોરી કાને સરખી વીંટતા, બચ્યા ખૂચ્યા ખેરી ખાધેલા બે ચાર દાંત દેખાડતા લવાભાભા પહેલાં તો સ્ટેશન માસ્તરનો ઇરાદો અને સમજણશક્તિનું માપ કાઢતા લાંબીવાર સુધી એકધારું તાકતા રહે છે. પછી મૂંગા મૂંગા લાકડીને ટેકે ઊભા થાય છે અને કંઈક અવાજ સાંભળતા સ્ટોલ તરફ જુએ છે.

હોલમાં તડાકા મારતા રખડુ બાવાઓનું ઊકળતી ચા તરફ ધ્યાન આકર્ષિત કરવા ભીખા ભગત તપેલી ઉપર ગરણી ઠપકારી રહ્યા છે. ક્રમશ: તીવ્ર બનતા જતા હર ઠપકારે ભીખા ભગત બાવાઓ તરફ એક નજર કરી લે છે.

પછી લવાભાભા વાંકા વાંકા સ્ટોલ તરફ ચાલતા થાય છે. ચાલતા ચાલતા સ્વગત બોલતા હોય તેમ બબડતા જાય છે... આ ઓલ્યાં ગીત માયલું સે, કે... પરેમની વાતું સે નિયારિયું, ઓધાજી, .... પરેમની વાતું સે નિયારિયું...
૨૦-૪-૯૪
અમરેલી


0 comments


Leave comment