2.0 - ‘બૃહત્ પિંગળ’ : ચાર દાયકે ફરીથી / પરોક્ષે પ્રત્યક્ષે / રમણ સોની
   ગુજરાતી કવિતાએ સૌ પહેલાં સંસ્કૃત બદ્ધ વૃત્તો છોડ્યાં, પછી પરંપરિત અને મુક્ત માત્રામેળ છંદો છોડ્યા ને છેવટે લયમેળ છંદોને પણ છોડીને ગદ્યલયને કેન્દ્રમાં લાવતી ‘અછાન્દસતા’ તરફ એણે ગતિ કરી. એ વાતને પણ હવે તો ચાર દાયકા થશે. ગુજરાતી કવિતાના મુખ્ય પ્રવાહનું આ ચિત્ર છે. ક્યાંક ગઈ પેઢીઓના કવિઓ છાન્દસ્ કવિતા કરતા જણાશે કે મુખ્ય પ્રવાહમાં રમેશ પારેખ ને વિનોદ જોશી જેવા કવિઓ છંદને નવા પ્રયોગમાં અંકિત કરતા જોવા મળશે પણ એનું પ્રમાણ ન-જેવું. અત્યારે તો લય-મેળી રચનાઓ ગણો તો ગઝલ અને ગીત. જરૂર નથી એમ માની લઈને આપણા કવિઓ છંદ ભૂલી ગયા. નવી પેઢીના કેટલાય કવિઓએ તો ક્યારેય છંદને જાણ્યો સુધ્ધાં નથી. ગઝલ લખનાર પણ મોટાભાગના તો લયની છાપ ગ્રહણ કરીને જ કામ ચલાવે છે. છંદ અને છંદની વાત જાણેકે સાવ અપ્રસ્તુત બની ગઈ છે.

   આવા સમયમાં, પિંગળશાસ્ત્રના આપણા એક સૌથી વધુ સમૃદ્ધ અને મૂલ્યવાન ગ્રંથ ‘બૃહત્ પિંગળ’ની બીજી આવૃત્તિ (આર. આર. શેઠ, અમદાવાદ, ૧૯૯૨.) પ્રગટ થાય છે એ આ સંદર્ભે આશ્ચર્યમાં નાખનારી પણ વિશેષ તો રોમાંચિત કરનારી વાત છે. પહેલી આવૃત્તિ ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ (દેવનાગરી લિપિમાં) પ્રકાશિત કરેલી. સાહિત્યના ઈતિહાસની એ એક ઘણી મોટી ઘટના હતી. જાણીતી ભગિની ભાષાઓમાં પણ છંદશાસ્ત્રોનું આટલું મહત્વાકાંક્ષી ને વ્યાપક અધ્યયન કદાચ બીજું ન હતું.

   દલપતરામે ૧૮૫૫ની આસપાસ પિંગળ વિશે લખવાનું આરંભ્યું ત્યાંથી ૧૯૫૫ સુધી પિંગળશાસ્ત્ર પર આપણા અભ્યાસીઓની સાધના ચાલતી રહી છે. એમાં રામનારાયણ પાઠકનો આ પ્રયત્ન સૌથી મોટો – ડોલરરાય માંકડે જેને શકવર્તી ગણાવ્યો છે એવો રહ્યો છે. બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં હીરાબહેન પાઠકે કહ્યું છે કે ૧૯૩૯ આસપાસથી આરંભાઈને સતત ૧૬ વર્ષ સુધીના દીર્ઘ પટ પર રામનારાયણ પાઠકની સૌથી વધુ એકાગ્રતા પિંગળના અભ્યાસ વિશે રહેલી. પિંગળ વિશેના પ્રાચીન-અર્વાચીન અનેક ગ્રંથોનું અધ્યયન અને પ્રત્યક્ષ સામગ્રી (કવિતા)નું સતત વાચન-શ્રવણ-પૃથક્કરણ, કહો કે એની રટણા એમના મનમાં ચાલતાં રહેલાં. વળી, ગેય પદ્યો અને દેશીઓનો પિંગળલક્ષી અભ્યાસ વધુ સાફ બને અને એની સમસ્યાઓને ઉકેલવામાં મદદ મળી રહે એ માટે શાસ્ત્રીય સંગીતનો આવશ્યક પરિચય કેળવવા સુધી અને સંગીતજ્ઞો સાથેની ચર્ચાવિચારણા સુધી પણ એમણે અભ્યાસના ફલકને વિસ્તારેલું અને એના ફલસ્વરૂપે, ‘બૃહદ્ પિંગળ’ તૈયાર થયું એ દરમ્યાનમાં પિંગળ વિશેનાં બીજાં નાનાંમોટાં ચાર પુસ્તકો પણ એમણે પ્રગટ કરેલાં. હીરાબહેન લખે છે કે, ‘આ કાર્યને ચિત્તમાં સાક્ષાત્ કરી શબ્દાકૃત કરવા માટે તેમનો દેહ અને મન વેઠી-સહી ન શકે, એવો પ્રચંડ પુરુષાર્થ ઉઠાવતાં મેં તેમને અનુભવ્યા છે. ૧૯૪૭ અને ૧૯૫૨ની એમની હૃદય રોગના હુમલાઓની બન્ને માંદગીઓ તેમજ ૧૯૫૦ની પક્ષાઘાતના હુમલાની માંદગી – એ ત્રણે પાછળ સવિશેષે એમની અદમ્ય પિંગળરટણા પ્રવૃત્તિ કારણભૂત હતી તેમ કહી શકાય’ (નિવેદન, પૃ.૧૬). અને આ ગ્રંથ પ્રકાશિત થાય એના થોડાક જ દિવસો પહેલાં એમનું અવસાન થયું. ‘પૂર્વાલાપ’ના પ્રકાશનના થોડાક જ સમય અગાઉ કાન્તનું અવસાન થયેલું એની યાદ અપાવે એવી, ધક્કો પહોંચાડનારી આ ઘટના છે.

   ધ્વનિતંત્રજ્ઞ ભાષાવિજ્ઞાની અને પિંગળશાસ્ત્રીની કર્ણેન્દ્રિય સતેજ અને સૂક્ષ્મભેદપારખુ હોય; લિપિના વ્યવધાનને વળોટીને એ ઉચ્ચારણ-શ્રવણ પર જ એકાગ્ર થાય તો એનાં ઉત્તમ પરિણામો મળે જ. વર્ષો પહેલાં, માત્ર સાંભળીને જ મર્મર સ્વરના ઉચ્ચારણ વખતની નાદતંત્રીઓની સ્થિતિને વર્ણવનાર ભાષાવિદ્ પ્રબોધ પંડિતે અને આ પિંગળવિદ્ રામનારાયણ પાઠકે આથી જ આવી સિદ્ધિઓ બતાવી છે. ‘બૃહત્ પિંગળ’માં વિશદ સૈદ્ધાન્તિક ને ઐતિહાસિક ભૂમિકા સમેત અક્ષરમેળ-માત્રામેળ–લય/સંખ્યામેળ વૃત્તોની તો ખરી જ, પણ એ ઉપરાંત પિંગળના અને ગઝલના છંદોની તેમજ દેશીઓની અને પ્રવાહી છંદ-પ્રયોગોની આયોજનબદ્ધ, તાર્કિક ચુસ્તીવાળીને બહોળી ઉદાહરણ સામગ્રીને હાથ ધરતી – જટિલતાઓને સ્પષ્ટ ને વિશદ કરી આપનારી પ્રત્યક્ષ ચર્ચા આનંદ- આશ્ચર્યમાં ગરકાવ કરી દે એટલી સમૃદ્ધ છે. છંદશાસ્ત્રનું લગભગ નિઃશેષ કહી શકાય એવું નિરૂપણ કરતો આ ગ્રંથ આપણી મોટી મૂડી છે.

   પણ ફરી એ જ પ્રશ્ન થાય કે આજે એની કોઈ પ્રસ્તુતતા રહી છે ખરી? આટલાં શ્રમ-શક્તિ- સાધનાથી કરાયેલું એક ભગીરથ કાર્ય આજે સાહિત્ય અને વિદ્યાના જગતમાં ઉપયોગિતાની દૃષ્ટિએ સાવ ન્યૂનમૂલ્ય બની રહેશે? છંદનું શાસ્ત્ર એ શું કાળગ્રસ્ત વિદ્યા ગણાશે? – પ્રશ્નો ઉદાસ કરી દેનારા છે. આપણાં શાળા-કૉલેજોમાં ક્યાંક છંદનું શિક્ષણ થોડુંક પ્રસ્તુત રહ્યું છે અને એ માટે કેટલાક અભ્યાસીઓએ છંદની આવશ્યક હાથ-પોથીઓ જેવાં નાનકડાં પુસ્તકો આપ્યાં પણ છે. પણ આવો બૃહત્ પ્રયત્ન તો આપણે ત્યાં આ એક થયો એ થયો. ઇચ્છીએ કે એની બીજી આવૃત્તિનું આ પ્રકાશન છંદ વિશેની આપણી જિજ્ઞાસાને સંકોરનારું બને. પ્રકાશક ભગતભાઈએ એમની ‘સ્વ. ભુરાલાલ શેઠ સ્મારક ગ્રંથમાળા’માં પડતર કિંમતે આ ગ્રંથ સુલભ કરી આપ્યો છે એ પણ જિજ્ઞાસુઓ-વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહક બની રહેશે.

   જો કે મૂળ વાત તો કવિતા પ્રવાહમાં છાંદસની આબોહવાની છે. પણ છાંદસ કવિતા ગુજરાતીમાં ફરીથી, મુખ્ય ભાવે નહીં તો નોંધપાત્ર રીતે, રચાતી નહીં જ થાય એવુંય ઓછું છે? બદ્ધ વૃત્તો પણ માત્ર ગાણિતિક બંધન રહેવાને બદલે સર્જનાત્મક સ્ફૂર્તિથી પ્રવાહિત થતાં આપણી કવિતાએ બતાવ્યાં છે. એટલે એ દિશાની પણ ઘણી શક્યતાઓ ખુલ્લી જ છે. ઇચ્છીએ કે એ રંગ પણ ફરી એકવાર આપણી સામે ઊભરી રહે.
જાન્યુઆરી-માર્ચ ૧૯૯૪


0 comments


Leave comment