51 - આજ / રાવજી પટેલ


આજ આખોય દિવસ મથ્યો વરસાદ
કાલ બપોર લગી ન હતું કશુંય
તે સડકની ધાર પર ઘાસ ગર્ભકોમલ ડોકાઈ આવ્યું.
પગરખાં મહીં થોડી કનડીઓ હરેફરે.
મારે જવું – જવું –
મારે બેસવું છે ઘાસ પાસે.

આસપાસ મકાનોમાં ભીનીભદ ભરી હોય માટી એવું શાંત.
‘અરે, કોઈને શાક લેવા પણ નથી જવું ?’
મારે જવું; જવું –
કોણ ટૂંટિયું વાળીને પડ્યું માર્ગ પર ?
સૂર્ય ? મારી ઈચ્છા રૂપે ક્યારનો ભીંજાય ?
આ ગોરંભાયો ગાજે આજે મેઘસ્વર ઘુરુરુરુ ઘેર ઘેર
નેવે નેવે વહે પથ પર ખળખળ
ખુલ્લી લખ બારીઓ સકલ અંધ મનુષ્યની આંખો જેવી.

‘અલ્યા, કોઈને પોસ્ટઓફિસેય નથી જવું ?’
મારે જવું, જવું - પણ કોને લખું?...


0 comments


Leave comment