53 - આ એ જ / રાવજી પટેલ


આ એ જ એ જ પથ, એ જ વળાંક જોઉં.
મેં આામ્રના થડ તણો લઈ સ્હેજ ટેકો
જોઈ હતી પ્રથમ વાર વળી જતી એ.
ને સ્હેજ આછું મરકી મુજ ઘેનઘેરા
ઉન્માદને જ બસ શીય ગઈ જ ચાખી !

ધેનુ તણા ધણ વિષે રણકી રહી’તી
શી સાંજ ! ગોરજ તણા પટમાં છુપાવી
મોઢું; જતી ઘર ભણી લજવાળ કન્યા !

હું આમ્રના સ્વજન-શો લચકી નિહાળું
રાતું થયેલ નભ, શ્રોવરની સપાટી
કો' પદ્મના સળવળાટ થકી છવાઈ.

વર્ષો ગયાં; વરસના દિવસો ગયા સૌ,
થીજી ગયા સમયનો લય અંગ જાગે !


0 comments


Leave comment