54 - હું તડકો – તમાકુ ને તું / રાવજી પટેલ


સોનેરી પત્તાં તમાકુનાં આમતેમ તડકામાં અમળાતાં જાય,
એવો હું અમળાતો આળોટું તડકો થૈ તડકીલો જીવ મારો ન્હાય.

ઝાંઝવાના કુંડ સામે શેઢે ને થાય : મને બોળીઝબોળીને પીઉં.
ઝાડપાન ઝાપટમાં લેવા મથે રે ક્યાંથી મરજીમાં માય મારો જીવ ?

જીવ પછી જોજે ને પાંપણથી ઠેલવો છે આખા મલકને વાયરાની જેમ,
સોનેરી પતું તમાકુનું તડકાની આાંગળીથી અમળાતું એમ.

શકરાની કીકી-શો આથમણે ઉગમણે ઝાલુઝબાક તારું નામ,
મોતીને વ્હાલપથી નરખું હું એમ નેણ અંજાતું સુરમાળું ગામ.

તડકો ઠરીને એવો બેઠો છે આંખમાં હો અલકાતો મલકાતો ભેજ,
લીલમિયા પાંદડામાં સોનેરી પાશ જેવું જીવતરિયું દુ:ખ મારું સ્હેજ.

સ્હેજ જરા સ્હેજ જરા ઓ પા અમારામાં આળોટો માટીની જેમ,
સોનેરી પત્તું, તમાકુનું તડકાની આંગળીથી અમળાતું એમ.


0 comments


Leave comment