55.2 - ગઝલ ૨ / રાવજી પટેલ
સદા ઘરથી છેટે રહ્યો ઘાસ જેવો
છતાં આાંખથી ના અલગ થાય શેઢો.
ચગદતો હમેશાં ગમે તેમ એને
બળદને કદી ના ચરી જાય શેઢો.
પગલાંનો એ છે જનમથી જ ભૂખ્યો
પથ પર ઘણી વાર પથરાય શેઢો.
નથી પાંખ એને કે ઊડી શકે એ
છતાં નીડમાં ક્યાંક સંતાય શેઢો.
નથી કોઈ હોતું કને વાત કરવા
મને એ સમયથી જ સમજાય શેઢો.
રહ્યો છું કને ને કને તોય છે શું ?
નર્યો ઘાસ છું કે ન પરખાય શેઢો !
0 comments
Leave comment