55.3 - ગઝલ ૩ / રાવજી પટેલ


કદી આાંખમાંથી ઊડી જાય પંખી,
કદી આાંખ વચ્ચે પડી ન્હાય પંખી.

અટારી નીચે વૃક્ષ ઊગ્યું'તું મનમાં,
વિચારો થઈ આજ અટવાય પંખી.

કરી પાંખ પ્હોળી ઉભય ગાલ ઉપર,
તમારા ચહેરાનું મલકાય પંખી.

નર્યા ફૂલ વચ્ચે રહી રહીને થાક્યું,
હવે શબ્દ થઈને આ અંકાય પંખી.

પણે ડાળ આંબાની ટહુક્યા કરે છે,
પણે રાત આખી શું વેરાય પંખી.

હજી જીવું છું એનું કારણ છે એક
હજી શ્વાસમાં એક સંતાય પંખી.


0 comments


Leave comment