55.4 - ગઝલ ૪ / રાવજી પટેલ


છૂટેલ તીરથી તો વીંધાય માખીઓ
પણ નયનમાં રહી ગયું એથી વિંધાઉં છું.

આસવ તમે ભર્યો છે મારા ગિલાસમાં
તમને ખબર નથી કે તમને જ પાઉં છું.

આવો નશો કદીયે ન્હોતો ચડ્યો મને
પાછો ફરીફરીને બસ, ત્યાં જ જાઉં છું.

ને એટલે જ કહું છું હું ઘાસ થઈ ગયો
ક્યારેક મૂળસોતો રોપાઈ જાઉં છું.

દૃષ્ટિ મહીં જ જૂનું અંધારું હાલતું
જાણે હજીય પ્હેલોવ્હેલો પીડાઉં છું.

આખું બજાર જોતું કે એકલો છું હું
સૂકો જરાક નાખી હું પાન ખાઉં છું.


0 comments


Leave comment