5.1 - ડાયાબિટિક – / સંજુ વાળા
શું કરીએ? કોઠાની આગ અને ડળકંતી દાઢના આ શૂળનું?
આધેડનો આર્તનાદ સાંભળો હે નાથ!
આધેડનો આર્તનાદ સાંભળો હે નાથ!
હવે કાઢો નખ્ખોદ ગોળપાપડીના કૂળનું...
જીવ સાલો લાલચું તે આમતેમ ભટકીને
થઈ બેસે ગળપણના દેશનો ગુલામ
હાથે કરીને હોય વ્હોરેલી પીડા તો
કોને જઈ દેખાડો અંદરના ડામ?
સપનામાં ખાધેલા ચુરમાના બદલામાં
દાતણ કરવાનું રોજ લીમડાના મૂળનું...
શું કરીએ? કોઠાની આગ અને ડળકંતી દાઢના આ શૂળનું?
સાકરના ‘સા’-નો’ને ખાંડ તણા ‘ખા’-નો પણ
આખ્ખો વિભાગ સાવ રાખવાનો નોખ્ખો
ભાષાને ભોળવીને સુગર ફ્રી કરવાની
છેક ભૂસ કરી કરી કરવાનો શબ્દકોશ ચોખ્ખો.
આધેડ સહુ એક સાથે નામ લઈ નાહી નાખો:
જલેબી ને સૂતરફેણીના વર્તુળનું...
શું કરીએ કોઠાની આગ અને ડળકંતી દાઢના આ શૂળનું?
૨૮/૦૬/૨૦૦૬
0 comments
Leave comment