5.2 - અનિદ્રારોગી – / સંજુ વાળા


આધેડને નીંદરથી બાર ગાઉ છેટું...
ખાટલીમાં પડ્યા પડ્યા તરફડવું
જેમ કોઈ ખાટકીના પગ તળે ઘેટું.

ભીંતોને ઊગ્યા હો કૂતરાના કાન એમ
ગુસપુસનો કરતી ધજાગરો,
રાતી આંખ્યું જોઈ આખ્ખુંયે ગામ પૂછે
શેનો આ કીધો ઉજાગરો?
જોતું જડી જાતું લોકોને એવું કે,
તરબૂચ થઈ જાય ઓલ્યું ટેટું
આધેડને નીંદરથી બાર ગાઉ છેટું...

બાકસની છેલ્લી દીવાસળીય દગો કરે
એવો ઉપક્રમ રોજ ઊંઘનો
મંતર, માદળિયાંય ધૂળ : હવે
કરવો ઉપાય કિયો બેઠેલી ખૂંધનો?

‘તારા ગણવાથી રાત પૂરી ના થાય’ –
એમ કહેતું’તું કોણ મારું બેટું?
આધેડને નીંદરથી બાર ગાઉ છેટું...

૨૯/૦૬/૨૦૦૬


0 comments


Leave comment