5.4 - સાયટિકાગ્રસ્ત / સંજુ વાળા
ઊંહકારે, આહકારે જીવે આધેડ : કાંઈ જીવે...
સણકા, સબાકાની દૂઝતી જાગીર યાને
કેડ નામે ખમતીધર ખેડ: કાંઈ જીવે...
એક તો હો ઢળું ઢળું જાજરતી ઉંમર
‘ને એમાં વળી વિધુરાઈ ઉંબર પર બેઠી,
એટલું હો ઓછું તે બાંબળ કોઈ બોરડી શી
બરડેથી પીડાઓ ઊતરતી હેઠી.
ખૂટતી ખોરાકીની આખરી નોટીસ લઈ
કરતાં બજારુ પરેડ : કાંઈ જીવે
ઊંહકારે, આહકારે જીવે આધેડ : કાંઈ જીવે...
આયોડેક્સ, બામ જેવું ઘસવું પણ
પીઠ સુધી પહોંચવામાં પોતાનો હાથ પડે ટૂંકો
વકરેલા હરદને લોટ જેમ ગુંદનાર
ક્યાંથી હવે પાકે કોઈ છોકરો બળુકો ?
ઓસડ ને લેપ બધાં ખાડે નાખીને
પેઈનકિલરની પાડી ઘરેડ : કાંઈ જીવે.
ઊંહકારે જીવે આધેડ : કાંઈ જીવે....
૦૬/૦૭/૨૦૦૬
0 comments
Leave comment