5.5 - મરણોન્મુખ / સંજુ વાળા


કાને બહેરાશ અને આંખોમાં હરે ફરે મોતિયો
ઓલવાતાં અંગોને જાળવવા ઝૂઝે રે
ઝાકળના ખેતરે રખોપિયો...

ચોપનમા વરસે છેક ગોઠવાતા ઘરઘરણે
કુંડળીમાં પાડ્યું તેં વાંકડું
વાત-વાતે નડતાં કમૂરતાં ને પંચક તે
ગાડે ઘલાય નહીં લાકડું
કહ્યામાં રહ્યા નહીં એક્કે ઈશારા
‘ને હોઠ પર થીજી સિસોટિયો...
કાને બહેરાશ અને આંખોમાં હરે ફરે મોતિયો...

મુઠ્ઠી તણખલાંની કાયાને ચરી જાય
વગડાઉ લ્હેરખીનું ટોળું,
આથમતી વેળાએ ઝાંખુ ઝબૂકે તું
ફૂટેલા ભાગ્યનું કચોળું.

અડધેરું વય વહ્યુંપાણીને મૂલ
અને અડધાનું ગવડાવે જિયો.. જિયો..
કાને બહેરાશ અને આંખોમાં હરે ફરે મોતિયો...

૦૭/૦૭/૨૦૦૬


0 comments


Leave comment