5.7 - કોઈ કાં જાણે નહીં / સંજુ વાળા


પછી, પાછાં એમ કહે કોઈ કાં જાણે નહીં?
અભરે ભરેલ આખી ભાષાને ભોગવતા
માંહ્યલી મીઠાશને પ્રમાણે નહીં
પછી, પાછાં એમ કહે કોઈ કાં જાણે નહીં?

બોલકણા પદબંધ ને લોલમલોલ લયભંગ
ગોઠવણી અહોહો આહા,
પ્રસ્તાવના, અભિપ્રાય લટકામાં વિમોચન
ઠાઠમાઠ વચ્ચે સૌ સ્વાહા.
સંખ્યાની આગળના શૂન્ય થઈ મ્હાલવામાં
સુધ–બુધ જેવું ય ઠેકાણે નહીં
પછી, પાછાં એમ કહે કોઈ કાં જાણે નહીં?

પ્રસંગ વિનાના કોઈ આકાશી માંડવાનું
દૈવત પણ દયનીય ને દુઃખી,
કોદરાની કાચીપાકી રોટલીનું જમણવાર
સરવાળે ટાઢી ને લૂખી.
કંદોઈનું સુખ રોજ બત્રીસ પકવાન
તો ય કેવું, કે પોતાના ભાણે નહીં.
પછી, પાછાં એમ કહે કોઈ કાં જાણે નહીં?

૨૨/૦૨/૨૦૦૪


0 comments


Leave comment