5.8 - આંબવી ઊંચી ટોચ / સંજુ વાળા
સાંકડે મારગ ચાલવું કદી આંબવી ઊંચી ટોચ
જેવી જેની પ્હોંચ!
કોઈ હો અધિક ચડિયાતું કે કોઈથી વડું કોઈ,
કોઈને વહેમ ડાંડિયાનો તો કોઈ બિચારું મોઈ.
રે.. રે... ભરૂચ ! અંગરેજીમાં થઈ બેસે બરોચ.
જેવી જેની પ્હોંચ!
દૂર-સુદૂરે તાકતા રહી સુખની જોવી વાટ
ગોખના દીવે તાપવા જેવાં રોજ રચાતો ઘાટ
ખીણ-પહાડો ખૂંદનારાને પગમાં આવે મોચ
જેવી જેની પ્હોંચ!
એવડાં કેવાં રૂપ કે ચરણ ચાંપતા માટી હેમ,
સ્હેજ ઈશારે પીર-મુનિવર તપનાં તોડે નેમ.
અડતાં શીતળ આગ અને તું ચાખતો જૂનો સ્કોચ
જેવી જેની પ્હોંચ!
૦૭/૦૬/૨૦૦૫
0 comments
Leave comment