1 - રાગાધીનમ્ – નિવેદન/ સંજુવાળા
હું સાહિત્યનો કે શિક્ષણનો કોઈ ઉચ્ચ વારસો લઈને જન્મ્યો નથી. જન્મેવણકર અને કર્મે ખેડૂત અભણ માતા-પિતાના કેટલાક સંસ્કારોની દેનરૂપે મારામાં વ્યક્ત થવાની જરૂરિયાત ઊભી થઈ એમ લાગે છે. મારી આખી પેઢીમાં થોડુંક ભણ્યો હોઉં તો માત્ર હું પણ ભાષાના વિદ્યાર્થી તરીકે તો ભણવાનું થયું જ નહીં તેમ છતાં મારે ભાગે જ આ ભાષામાં ભાખોડિયાં ભરવાનું આવ્યું. એટલે જ કવિતાને ક્યારેય હળવાશથી લેવાનું રુચતું નથી. કવિતાની વાતે પહોંચ બહારની વસ્તુ હોય ત્યારે સમાધાન તો સ્વીકારવું પડે, પરંતુ મેદાનમાં ઊતર્યા પહેલાં હથિયાર હેઠાં મેલવાનું પણ ગમતું નથી. મારો ઉછેર તલવારની ધાર પર ચાલનારાઓની પરંપરામાં થયો. ભજન એક એવી વસ્તુ છે કે એ માણસને કાં તો તારે અને કાં તો ડુબાડે. ભજનની આ ભવપરંપરા મને ગળથૂથીમાં મળી. મારાં દાદીમા આખા પરગણામાં ઊંચા ગજાનાં ભજનિક તરીકે વિખ્યાત હતાં. ભગત પરંપરામાં તેમનો જન્મ. આજેપણ સાવરકુંડલામાં તેમના પિતાશ્રી જગા ભગતના નામ પર મોટું મંદિર ઊભું છે. કહેવાય છે કે એ વખતે દાદીમાને ભજન ગાવા માટે વીશ વીશ ગાઉથી તેડાં આવતાં. આ પરંપરા મારા પિતાશ્રીએ પણ તનમનથી ઝીલી. તેઓ પણ લોકઢાળવાળાં દેશી ભજનો અને ગુરુમુખી વાણીના ગાયક અને ઉપાસક રહ્યા છે. આજે મોટી ઉંમરે પણ તેમની સંધ્યા રામસાગરના રણકાર અને ભજનની કોઈક હલક/ઢાળ સાથે તો પરોઢ, પ્રભાતી અથવા તો સાવળના શબ્દોમાં આંદોલિત થઈ ઊઠીએ એવાં લયાત્મક પઠન/સ્મરણથી થાય છે. દોહરા-સોરઠા અને ભજન ભાવવાળા કેટલાક પદબંધો પણ તેમણે મૌખિક પાઠપરંપરાથી રચ્યા છે અને ગાયા છે.
બચપણમાં હું પણ તેમની આંગળી ઝાલીને ગામમાં અને આજુબાજુનાં ગામોમાં ભજન મેળાવડાઓ અને રામદેવપીરના પાટપૂજાના પ્રસંગોએ ગયો છું અને ભજન પણ ગાયાં છે. બાર તેર વર્ષની ઉંમરે હું પણ આવું તો લખી શકું તેમ કહીને થોડા દોહરા પણ લખેલા. તેમની આ ઐશ્વરીય આરાધનાનો લયમારા શ્રવણમાં ઘૂંટાતો રહ્યો. તેમનાં પદ્યાત્મક મહાભારતનાં જુદાં જુદાં પર્વોનાં પઠન અને ગાયનથી પણ લયતત્વ સાથે નાતો જોડાયો હશે. હિન્દી ભાષાનાં પદોનો એક ગૂટકો તેઓ ગણપતિના ગોખલામાં રાખતા. આ પદોનું ખૂબ જ સરસ ગાન પણ થતું રહેતું. મને યાદ છે તેઓ આ ગૂટકાને ‘બ્રહ્માનંદ’ કહેતાં. તેમનો ભક્તિભાવ, આરાધના અને શ્રદ્ધા તો મારામાં ન ઊતર્યા પણ પેલાં લયતત્વ અને સંગીતતત્વ આજ સુધી મારી સાથે રહ્યાં છે. શબ્દની લયાત્મકતા અને વાણીની ગત્યાત્મકતાએ મારો પીછો ન છોડ્યો. એટલે જ કદાચ આજે શબ્દનો સથવારો લઈને અહીં તમારી વચ્ચે ઊભો છું.
- સંજુ વાળા
(જોજન ઊંડા જળરાશિનું તળ, ગુજરાતી સાહિત્ય પરિષદના મહુવા અધિવેશનમાં રજૂ કરેલી કેફિયતમાંથી ૨૦૦૪)
0 comments
Leave comment