27 - એ વો તે દિ’... / ભાનુપ્રસાદ પંડ્યા


એવો તે દિ’ય કદી ઊગશે...
વાડીનો મોર સાવ આવી સમીપ લાલ હથેળી ચૂગશે !
એવો તે દિ’ય કદી ઊગશે...

હાલતાં હોઈએ ન આખો જનમારો
એમ સાત ડગલામાં હાલશું,
એની તો ઠીક આખા ગામની નવાઈ
થઈ શેરીમાં માલશું !
આથમતું હોય એવું લાગે પરભાત
પછી મધરાત્યું ઊગશે...
એવો તે દિ’ય કદી ઊગશે...

મોતીએ પ્રોવેલ મારી બધી નવરાશ
એને ટોડલિયે ઝૂલશે,
આંગળીમાં ભારેલા રંગોની ભાત
એના ઉંબરમાં ખૂલશે !
પાદરની હેલ્ય ઝાઝા હોઠનાં વખાણ
ભરી આંગણિયે પૂગશે
એવો તે દિ’ય કદી ઊગશે...


0 comments


Leave comment