28 - વિનવણી / ભાનુપ્રસાદ પંડ્યા


ટોળાતી સૈયરમાં તારું નામ પડ્યે ગુલમોર થાવાની
બીજાંને ના પાડજે, સજન !
બોલાય ના તારું નામ એ નાતે ઓળખે મને ગામ
એમાં હા પાડજે, સજન !

સૂતરધાગો બાંધવા આવે હરખે ભરી કોઈ આશા તો
બેલાશક, હા પાડજે, સજન !
ઊંબરે ઊભી સીમને મારગ ઝરતી નજર માંડવાની,
કોઈ હઠ કરે, ના પાડજે, સજન !
ઓગળી જાતું આંગળી ફોડી કોઈ જો કરે વ્હાલને વહેતું
ઝટ ઝૂકી હા પાડજે, સજન !
તારી વિખૂટી વેળને માપે આંગળી વેઢે કોઈ
એને ના પાડજે, સજન !
યાદ રોપી ઉજાગરાને ઊછેરવાની કોઈ વાત કરે,
ઝાટકીને ના પાડજે, સજન !
મારા ચાંદલાના કંકુમાં તારી આવરદાને રોજ, ઊઠીને !
આંકવાની હા પાડજે, સજન !


0 comments


Leave comment