29 - ગાગરનાં નીર / ભાનુપ્રસાદ પંડ્યા


ગાગરમાં માયાં નહિ નીર એને મારગમાં
શીદને દિયો છ આમ ઢોળી !
અંજલિ ભરીને જેને ઝંખે છે લોક એને
રેણુમાં કેમ દિયો રોળી ?

ઊંડેરી વાવનાં તે પાણી પાતાળમાં ને
સીંચણિયું માંડમાંડ પૂગે,
મરડાતી કેડ્યને જ્યાં છૂએ કઠેરો ત્યાં તો
ચાંદલિયો તળિયે જઈ ઊગે !
બેડા પર ટેકવેલ આંગળીએ સીમ જતી
નજરુંને સાવ નાખી ડ્હોળી...

શેરીમાં વેરા મા ફેંટાની ફાંટમાં
ઝાઝેરાં લઉં એને ઝીલી !
એનાં તે બુંદ થકી અંકુરી અંગ અંગ
જાશે વનરાવંન ખીલી !
અમૃતના અઢળક એ કુંભમાંથી અમથી એક
આંગળી તો લેવા દ્યો બોળી !....


0 comments


Leave comment