30 - ઊગે જરીક / ભાનુપ્રસાદ પંડ્યા


ઊગે જરીક તારા મલક્યાનું ભોર
ત્યાં હું સોડમતી લ્હેરખી થૈ પૂગું,
ખુલ્લાં મેદાન જેવી નજરુંની મોકળશે
તરણાંની જેમ તાજું ઊગું !

ફરફરતાં ઝુલ્ફાંમાં આળખું અડપલાં
ને પાંપણની આડશોમાં ઝૂલું,
વગડાની જેવું તારું પ્હોળું એકાંત
એમાં સાંકડા તે બાગ બધા ભૂલું !
સરકું સહેજ હું તો અડક્યાનાં પાંદડાંમાં
મારું ટહુકવું ય મૂંગું !

ઊડી ઊડીને આવું સામે ને તોય
મોંએ સમથળ કાં સ્રોવરને દેખું ?
હથેળિયુંને કાંઠેથી ડગલાં ભરુંક
બધે ઉપસાવી દઉં લાલ રેખું !
ઊઘડે આછેરું તારું જોયાંનું પોપણું
તો સૂસવતે શ્વાસ આવી ચૂગું !


0 comments


Leave comment