31 - એ જોણું... / ભાનુપ્રસાદ પંડ્યા


એ જોણું...
અમને ખુલ્લી આંખે આવ્યું જાણે સાવ અચાનક સોણું !
એ જોણું...

બોરસલીથી ફૂલ નહિ પણ
ખૂટે નહિ એમ હળવે ઝરતાં હાસ !
અમે હવાને હવે ઓળખી
એ શ્વાસ નહિ પણ – ઝમતી કો’ક સુવાસ !
પાંખડીઓની પાંપણ પરથી ઊડી ગયું સૌ રોણું...

નામ વગરને દેશ અમારી
ઓળખાણની પતંગ ઊડે એક દેખ્યાને દોર !
વેણ હશું કૈં વદ્યાં હજારો
પણ એનો તો એક અરથ –‘કલશેર !’
ઊડ્યાં છીએ બેશક, પણ લાગે પાંખવિહોણું...


0 comments


Leave comment