32 - કૂંપળ ફૂટ્યાની વાત / ભાનુપ્રસાદ પંડ્યા


કૂંપળ ફૂટ્યાની વાત વાયરો જાણે ને જાણે ડાળ !
આપણે તો બોલીએ ઈ ખોટું નરાતળ !

મા’સુદી પાંચમે દખ્ખણથી આવીને
ફરફરતું કો’ક હશે અડક્યું
પીળુડે પાંદડે રોયેલી દાંડલીનું
એશિયાળું ભીતરે ય થડક્યું !
ટશર્યું ફૂટ્યાની વાત તડકો જાણે ને જાણે તાલ !
કૂંપળ ફૂટ્યાની વાત વાયરો જાણે ને જાણે ડાળ !

મરકી રતૂમડું લીલુડે ઘરચોળે
સીમ આખીનું ઢંકાતું રૂપ
અમથા જરીક સૂકા પાંદડાને ખોંખારે
મીઠા કંઠ તણું ગાન થાય ચૂપ !
ભોંઠા પડ્યાની વાત ફાગણ જાણે ને જાણે ગાલ !
કૂંપળ ફૂટ્યાની વાત વાયરો જાણે ને જાણે ડાળ !
આપણે તો બોલીએ ઈ ખોટું નરાતાળ !
બાઈ, ખોટું નરાતાળ !0 comments


Leave comment