33 - કો’ક મંન / ભાનુપ્રસાદ પંડ્યા


ડાળખીયું નો’ય આ તેજીલી ટીશિયુંમાં
મ્હોર્યું ભુરાયું કો’ક મંન !
સમજુને ઝાઝું શું સમજાવું સાનમાં
ઝીણું બોલ્યાના આવ્યા દંન !
આજ લગી ફૂલને નો’તી પરોઢિયાથી
ચડિયાતા થાવાની ચાડ !
એક જ ટૌકાર ભેળા જામેલા કેદુના
ઓગળ્યા અબોલડાના પ્હાડે !
દખણાદે જાળિયેથી લટને ઉડાડતું
ઓરું આવીને ઊભું વંન !
આડું જોયાથી કોઈ રહી જાતી ડોક એમાં
વાંસળીયું વાગ્યાનો વાંક !
પાંપણ ઢળેલ જોઈ ટોક્યા જ્યાં સ્હેજ
તો કે’ વાટું જોયાને લાગ્યો થાક !
રાત્યુંની સોડમાં શીળી થઈ જાય બધી
દિ’ની અળખામણી અગંન !


0 comments


Leave comment