35 - તરસતણી બોલીમાં... / ભાનુપ્રસાદ પંડ્યા


તરસીતણી બોલીમાં થોડું પૂછી જાણીએ
સમજે તે વરસીને ઉત્તર આલે !
બે પગલાંના અંતર વચ્ચે લખી ઉતાવળ
ઉકેલતાં જાણે તે પાછળ પવન થઈને ચાલે !

આંગળિયુંના વેઢા ઉપર ઊગે – આથમે
સૂરજ તેની હોય ખબર લવલેશ,
‘આવ’ કહી આદરતા લાગે મારગ
તેને સાવ સમીપ આ થડકારાને દેશ !
આગ સરીખું રાતું રાતું અડી જાણીએ
બુંદ હોય તે ગળે લગાવી મ્હાલે !

મૂંઝારાનો સમદર ચારેકોર ઊછળતો
અને વચાળે રહ્યો શ્વાસનો ટાપુ !
પગલી પણ જ્યાં પડી નથી એ ધરા કહેતી :
‘તરી પધારે તેને સઘળું આપું !’
છીપલી જેવું મૂંગું મૂંગું રડી જાણીએ
હસીએ-જો કોઈ જીવને સાટે ઝાલે !


0 comments


Leave comment