8 - એક સીધો સાદો પત્ર / જનક ત્રિવેદી


ભાઈ જનુની ચિરણજીવી ઘણી હોજો.
ગામ કોઠીથી લિખિતંગ તારા બાપુના જય નાગનાથ વાંચશો. ભગવાન તારી ચડતી કળા અવિચળ રાખે. અહીં ઘરમાં અમે સૌ ખુશીમજામાં છીએ. તારું સુખરૂપ પહોંચી ગયાનું પત્તું વાંચી ખુશી થઈ.

તું અહીંથી ગયો પછી બે દિવસ ઘરમાં કોઈને ગોઠ્યું નહીં. ટબલી અને ૨મલાને મુદ્દલેય ગમતું નથી. મેં પૂછ્યું... કાં... ? તો કહે; મોટાભાઈ વગર એમને કોઈ મારતું નથી.

બીજું ખાસ લખવાનું કે તેં મને તારાં ચંપલાં ફાટી ગયાની વાત કરેલી. તો જૂનાં રસ્તામાં અધવચ ભૂંડા લગાડે એ પહેલાં નવાં લઈ લેવાં. જેવાં તેવાં લેતો નહીં. બાટાનાં જ લેજે. પણ ચંપલ શું કરવા, બૂટ જ ખરીદી લેજે. જોજે પાછો ચામડાંનાં લેતો નહીં. અમથું પાલિશ કરાવવાની પળોજળમાં પડવું ને. એ કરતાં ઓલ્યાં ગાદીવાળાં અને પાલિશ નો કરાવવો પડે એવાં જોડાં... શું માળું નામ.. નહીં યાદ આવે, પણ કૉલેજિયન છોકરાંવ પેરે છે એવાં.... ઉપર વાઘરીને બદલે ચૈડકી વાળાં.. યાદ આવ્યું હતું મારું હાળું... હુંય ગામેગામનાં પીઉં છું... ઍક્શન... બરાબર ને...! હા.. તો ઈ જ તમતમારે લઈ લેજે. બે પૈસા વધુ નાખવા પડે પણ વરસ બે વરસ મન ભરીને પેરાય તો ખરાં. મેં જોયાંતાં એક જણનાં.... હાથમાં લઈને. બૌ સુંવાળાં. પણ આપણને તો ભૈ એવાં સુંવાળાં જોડાં ફાવે નૈં.... પગ લપટી જાય. મારેય તારી જેમ શેરમાં ભણવાનું થ્યુંતું.... ત્યારે કુરૂમનાં જોડાંનું મેં વેન લીધુંતું – લઈ દિઓ તો નકર ના. બાપા મોચીની દુકાને લઈ ગયા તા. જોયાં તો કુણાં માખણ જેવાં... આપણને તો બહુ ગમી ગયાંતાં. પણ બાપાએ કીધું... ગાંડા, તારે આ નકામાં. રોજના પાંચ ગાઉ હાલવું તારે, ને આ પગ લપટી જાય એવાં જોડાં તારે શું કામના, વાત તો બાપાની સાચી હતી. પાંચ ગાઉ આપણે હાલવું ને પગ લપટી જાય એવાં જોડાં સું કામનાં. તે દિથી સુંવાળાં જોડાં આપણને નો ફાવ્યાં તે નો જ ફાવ્યાં, પણ તને ફાવશે. તારે અડધો ગાઉએય ક્યાં હાલવું છે.

તું ભલાદમી... બીજી જોડ્ય લૂગડાં સિવડાવવાય રોકાણો નહીં... ને વાજોવાજ્ય હાલતો થઈ ગ્યો... ! તારી બાએ બહુ જીવ બાળ્યો ને મને ખિજાણી કે - હારોહાર્ય બીજી જોડ્યેય છોકરાને સિવડાવી દીધી હોત તો તમારું શું જાતુતું. તારી ઉતાવળ્યે મારે અમથો ઠબકો ખાવો પડ્યો. એક જોતાં ઈ સારું થયું... આંયના ટેભાવને તો તું ઓળખ છ... કાં તો એક પાયસું ટૂંકું કરે ને કાં તો લાંબું... ને કોલર જો તો કૂતરાના કાન જેવા... ! ના ભાય, એવાં લૂગડાં કૉલેજમાં હાલે નહીં. તો તું ન્યાંથી જ એક જોડી લઈ લેજે ને મનગમતી સિવડાવી લેજે. બુસકોટનું કપડું જેવું તેવું લેતો નહીં... તને ગમે છ ને ઓલ્યા મોટામોટા ચોકડાવાળું... તમતમારે લઈ લેજે ઈ... મોંઘાસોંઘાની ચંત્યા કરતો નૈં ને પાટલૂનનું કપડું લેતો નૈં... આમ તો ટેભાવ બધેય સરખાં... ફિટ-અનફિટની ફરિયાદ તો રેવાની જ... ઈ કરતાં તું જિન્સ જિન્સ કરતોતો ઈ લૈ લેજે. તારી બા એવાં મોંઘાં લેવા દેત નૈં... ને કહેત - છોકરાને બૌ ફટવી નો મરાય. ભણશે નૈં ને ફતૂરમાં પડી જાશે. એટલે જ મેં તને એક જ જોડી કરાવી દીધાં ને મનમાં કીધું કે પછે વાંહેથી લખી વાળીશ કે લઈ લેજે તું તારે. નકામું રાંક દેખાવું ને ! સૌની જેમ રહીએ એમાં જ મજા. મનમાં નાનામોટાનો ભાવ અભાવો નો રે. મેં પણ આ વખતે ખાદીમાં કન્સેશન હતું તે બે ઝભ્ભા સિવડાવી લીધા. અમથું રાંક થૈ ને સું કામે ફરવું. ખાદી મારે કોઈ નવી થોડી છે. ગાંધીબાપુએ હાકલ કરી કે પરદેશી લૂગડાંની હોળી કરો, ઘરે ઘરે ખાદી કાંતો ને ખાદી પેરો. તે દિની ખાદી પેરી ઈ પેરી. - મિલનાં લૂગડાં અમને ફાવે જ નૈં, રમલા-ટબલીનેય ખાદીનાં એકેક જોડ સિવડાવી દીધાં. ખાદી એટલે ખાદી. શિયાળામાં ટાઢ નો વાય ને ઉનાળામાં ઘામ નો થાય. પણ માણસનો જીવ છે ને.. તે થાય કે મિલનાં સુંવાળાં રેશમ જેવાં રંગબેરંગી લૂગડાં જિંદગીમાં એકવાર તો પેરી જોવાં જોઈ કે એમાં કેવીક મજા આવે છે. પણ પાછું થાય કે નૈંન ક્યાંક નો ફાવે તો ખરચો માથે પડે. નો જ ફાવે આપણને... ને વળી સ્વર્ગમાં બાપુનો આત્મા દુભાય !... પણ તું એ લૂગડાંમાં કેવોક લાગ છ ઈ મારે જોવું છે.

આવાં સારાં કપડાંને જેમ તેમ પેરતો નૈં. ધોઈ ઈસ્ત્રી કરાવીને જ પેરવાં. અપ ટુ-ડેટ શું કરવા નો રેવું ! અમને તો જોકે ઈસ્ત્રી ફિસ્ત્રી ગમે જ નૈં.. લગનમાં જાતાં હોઈ એવું લાગે. ખાદીનાં લૂગડાંને ઈસ્ત્રીની જરૂર જ નૈં... એને ઈસ્ત્રી ટકે જ નૈં. ખાદીનું સુખ જ ઈ ને ! પેરી ને હાલતા. પણ તને હવે ઈ કરચલિયાળાં નો ફાવે.

અને હા, બૂટની સાથે એના રંગની હારે ભળે એવાં મોજાં લઈ લેજે. બૂટની આવડદા વધે ને સારા લાગે. મેં પણ ઓલ્યા જોડા હારે લીધાંતાં. પણ ત્યારે નાયલૉન-ફાયલોનનાં નોતાં મળતાં. બીજે અઠવાડિયે જ ફાટી ગયાં. બાપા ખિજાણા;... ચામડતોડ, તને મોજાં-ફોજાં હોતાં હશે ? ગારાના દેવને તો કપાસિયાની આંખ્યું જ હોય. બોલ, કેમ ફાટી ગ્યાં... ?! મેં કીધેલું, બાપા મેં તો બૌ સાચવી સાચવીન પેર્યાતાં, પણ જોડાંની ખીલીયુંએ ફાડી નાખ્યાં. બાપાએ કીધું કે, બૂટમાં ખીલીયું ન નીકળે તો સું આડહર નીકળે, માળા મૂરખ !... ખીલીયું મોઢાં કાઢે તો પાણાથી ઢબકારી બેહારી દેવાય... પણ આવાં મોઘાંદાટ મોજાં ફાડી નાખ્ય ઈ કેમ પોહાય. તે દિનું નામ લીધું કે આપડે જોડાં જ નો પેરવાં... જોડા પેરીએ તો મોજાંનું નામ લેવું પડે ને !

આ વખતે શિયાળો ભારી આકરો બેઠો છે, ને તું ઓઢવામાં બે પાતળાં ગોદડાં જ લૈ ગ્યો છે. આપણા ભરવાડ જજમાનોએ ગયા વરસે ગાડર કાતર્યાતાં તે બે ગાંસડી ઊન દૈ ગ્યાતા. તેમાંથી વાઘા મેઘવાળે ત્રણ બતારા ધાબળા વણી દીધાતા - ટાઢ્ય કોરેમોરે આંટા મારે એવા. તેમાંથી એક તને દેવાનું ધાર્યુંતું. પણ તને ઈ કૈડશે અને તારી હારે રેતા શેરના છોકરાઓમાં દેહાણ્ય લાગશે એમ ધારી તને નથી દીધો. પણ તારે ટાઢ્યે ઠરવું નૈં. અમથાં શરદી-સળેખમ થૈ જાય... ને દાક્તરને વીસ-પચ્ચી નીરવા પડે. ઈ કરતાં બજારમાંથી મિલનો બનાવેલ બ્લેન્કેટ ખરીદી લેજે ... ને પૈસા વધિયાણ હોય તો બહાર પેરવા ફેશનેબલ ગરમ જર્સી ખરીદી લેજે. અમારો વદાડ કરવો નૈં. અમે તો પાણા જેવા થૈ ગ્યા... ટાઢ-તડકો અમને અસર નો કરે. પાછી અમારે ખાદી કેવી હૂંફાળી છે, ખબર છે ! ટાઢ અડખેપડખે આંટા દે આંટા.

ટાઢમાં વાંચવાનું બૌ આકરું હોય તેની મને ખબર છે. ઘડી-બઘડી વાંચ્યું નથી ને આંખ્યું ઘેરાણી નથી... ચોપડી હાથમાં ઠઠી રે. તારે તો વળી ભણવાનુંય આકરું. એટલે ચા-પાણી પીધા હોય તો ઊંઘ નો આવે. ને મોડે સુધી વંચાય. આંય તું નોતો પીતો. નોતો પીતો એમ નૈં, તારી બા જ નોતી પીવા દેતી. તારી બાના નીતિનિયમ ભારે આકરા. મોટાંબાની ચાની અડાળીમાં તું કજિયો કરી ભાગ પડાવતો તો તારી બા મોટાંબાની ધૂડ્ય કાઢી નાખતી કે તમે જ છોકરાને ચાને રવાડે ચડાવ્યો છે. લ્યો કો! જો કે મેં તો આ જનમારામાં ચા ચાખી જ નૈં... આખી બોર્ડિંગમાં આપડી નામના હતી - કરમાશંકર ભારી ટેકીલો, રોટલા સિવાય એકનું એને વેસન જ નૈં. બંધાણ તો એકે વાનાનું નૈં પણ હંધાય ચાના સબડકા ભરે ત્યારે થાય કે ચાનો ટેસ એક વાર કરી લેવામાં શું વાંધો... પણ આપડી ટેક એટલે ટેક... એમાં કાંય મીનમેખ નૈં... ખાડા ખહે પણ હાડા નો ખહે...! પણ ઈ તો જૂની વાતું, તારે તો જોઈ એટલીવાર ચા પીવો. કાંટો રે તો મન ભણવામાં લાગે એટલી જ વાત... બીજું સું

શેર છે તે ફિલમુંય ઘણી ચડતી હશે, ને હવે તો રંગીન ફિલમું. ક્યે છે કે બહુ જોવાથી મન ડખળી જાય, ફિલમના એક્ટર જેવા દેખાવાના અભરખા વધી જાય ને ભણવામાંથી જીવ ઊડી જાય. ઈ તો માળું બૌ ખરાબ... મનને તો માર્યું ભલું... તોય હું તો માનું છું કે ક્યારેક જોવામાં કાંઈ ખોટું નૈં. આપણે ક્યાં રોજ રોજ જોવી છે. મૈનામાં એકાદવાર વાંધો નૈં, પણ એમ એકાદવાર કરતાં-કરતાં એના રવાડે નો ચડી જવાય ને ભણવાનું ના ભુલાઈ જવાય એની પાકી સરત રાખવી. મેં તો આ જિંદગીમાં ફિલમ જોવાના સમ ખાધા છ, પણ જાણકાર વાતું કરે કે એમાંય ગનાનની ને દુનિયાદારીની ઘણી વાતું આવે છે, તો એ કાંય ખોટું નૈં. ગુનાન તો ગમે ત્યાંથી મળે, લેવું. જોકે પૈસો ખોટો વેડફવો મને ગમે નૈં. હું બોર્ડિંગમાં ભણતો તંયે ટોકિઝમાં બનહર નામનું ઈંગ્રેજી ફિલમ લાગેલું. છાપામાં એના બૌ વખાણ વાંચેલા. બધાએ જોયું. પણ કરપાશંકરનું મન ડખળે તો તો થઈ રિયું ને. એક દોસ્તારે કીધું, હાલ્ય, કરપા, હું દેખાડું. પણ મેરુ રે ડગે પણ જેનાં મન ના ડગે ઈ માયલા અમે. પણ તારે જગતની હારે હારે હાલવાનું છે, સાવ બાઘામંડળ નથી રેવાનું. એટલે સમજી કારવીને એકાદી સારી ફિલ્મ જો તો કંઈ વાંધો નૈં.

તારી બા ફરિયાદ કરતીતી કે જનુડો નકામી ચોપડીઓ બૌ વાંચે છ. એ ભણવા સિવાયના સાહિત્યની વાત કરતી હતી. એણે બચાડીએ ઓખાહરણ સિવાય બીજું કાંય વાંચ્યું હોય તો ખબર પડે ને કે ભણવા સિવાયનું પણ ઘણું બધું એવું વાંચવાનું છે કે એમાંથી ભણવાથી વિશેષ ગનાન મળે. મેં પેલો નંબર લીધો ત્યારે સરસ્વતીચંદ્રની એક ચોપડી ઇનામમાં મળીતી, તે વાંચેલી. પછી ચારેચાર ભાગ વાંચવાનો વિચાર કરેલો. પણ પછી કથાઉં, હાથજોડ, દયા પરભુની અને જજમાનવરતીનાં ચક્કરમાં એવો તો ફસાઈ ગયો કે ચોપડી-બોપડી બધું ભુલાઈ ગ્યું. બાપાએ કીધું ને આપણેય વરતી લીધું કે એવાં એલફેલ થોથાં વાંચવામાં દિ નહીં વળે. પણ તારે તો લેવાની વાત છે, તે નવરાશના ટેમે બધું વાંચવું. પણ મેરબાની કરીને વેકેશનમાં ઘરે આવ ત્યારે એવું એકાદુંય થોથું સાથે લાવવું નૈં... તારી માનો જીવ અમથો કળપાય.

મન આનંદમાં હોય તો અભ્યાસ મોકળા જીવે થાય. પરવાસ-બરવાસ યોજાય તો કૉલેજનાં છોકરાવ ભેળું આપણેય જાવું. નોખા નો તરી રેવું. ખીસામાં કાવડિયાં રાખવાં. બહાર જઈ ત્યારે હાથ છૂટો હોય તો ફરવાનો ટેસ પડે ને લુખ્ખામાં ગણતરી નો થાય. અમે ભણતા ત્યારે પરવાસ થાતા.. પણ આપણને મન જ ન થાય. સરખે સરખા ગોઠિયાવ જોડે મજા આવે એની ના નૈં. પણ બાપાને લખવું પડે, ને પૈસા મંગાવવા પડે... એવી પીંજણમાં કોણ પડે ! ભલી આપણી સંસ્ક્રતની પાઠશાળા, ને ભલા આપણે. એક તો મફતમાં ભણવાનું ને ઉપરથી વીસ રૂપિયા કોલરશિપ મળે.. ઈ મૂકીને ભાટકવા કોણ જાય... હેં ?!

આ લાંબી પારાયણ વાંચતાં તને થાશે, ક્યારેક ખપજોગો એકાદો શબદ બોલનાર તારો બાપ આ શું લવારીએ ચડ્યો છે ! હું બોલતો તો હોઉં જ છું. પણ તમને સંભળાય નહીં એવું... અંદર અંદર નિરંતર વાતું હાલતી જ હોય... મન કૈંક ઘોડા ઘડતું હોય... પણ ઈ કઉં તો કોને કઉં ! વાત કરું તો કોને કરું ! તારી બાને મારી વાતુંમાં કાંઈ રસ નહીં. હૈયાની બે વાત કરવા જાઉં કે એની હાજરીમાં તારી જોડે બે વેણ બોલવા જાઉં તો તરત બોલે; રહેવા દો એ તમારાં પોથી માયલાં રીંગણાં... છોકરાનું મગજ ભમાવી દેશો. એટલે તને આ બધું લખું છું. મન તો માંહ્યથી ક્યાંયનું ક્યાંય પૂગી જાય છે. માયલાને બૌ માર્યો, જનુ, હવે તું સમજણો થયો તે આ બધું...

એ બધું તો ઠીક, પણ તું કૉલેજ-હૉસ્ટેલની ફીના પૈસા લીધા વિના ચાલ્યો ગયો, ભલા માણસ ! મગફળી બળી ગૈ. ને આ વરસેય દુકાળ છે તો સું થૈ ગયું...! ખેડ ને જજમાનવરતી આકાશી રોજી કેવાય... તેમાં સારું મોળું હાલ્યા કરે. હા, જો ભુલાઈ જાત પાછું, તારી બા કે દિની કીધા કરે છે કે જૂની વારીની મગમાળા હવે ગમતી નથી... એટલે કાઢી નાખવીતી... પણ તું અમથો ઉતાવળો થૈ ગયો. આજે જ તને મનીઑડર કર્યું. પોંચનો કાગળ લખી વાળજે. પૈસાની ફિકર તારે રાખવી જ નૈં.

બીજું લખવાનું કે, મારાથી હવે જજમાનવરતી અને ખેડ બેય થાતાં નથી... બૌ થાક લાગે . તે તું મોટા વૅકેશનમાં આવે ત્યારે ઉગમણી વાડી કાઢી નાખવી છ. આઘી બૌ પડે છે, ને મારાથી હવે પુગાતું નથી. તારી બા ભલે કકળાટ કરતી, પણ મારે કેટલેક ઠેકાણે પૂગવું, કે.

બસ, એ જ લિખિતંગ તારા બાપુના આશીર્વાદ,
૧૯૮૮


0 comments


Leave comment