56.2 - ગીત – ૨ - મેશ જોઈ મેં રાતી / રાવજી પટેલ
મેશ જોઈ મેં રાતી
મઘમઘ મેશ જોઈ મેં રાતી
મખમલના જલમાં મધરાતે એક પરી જોઈ ન્હાતી !
મેશ જોઈ મેં રાતી.
આંખ ભૂલી ગૈ આંખપણું ને આંગળીઓથી દીઠી.
કમખામાંની રાત ખોલી દઈ હથેલીઓથી પીધી !
સમણાંને છુટ્ટા મેલીને હીરની દોરી ગાતી
મેશ જોઈ મેં રાતી.
પગનું એક હલેસું વાગે મસ્તક લસરક વ્હેતું;
મોરલીઓનો શ્વાસ ઉપરથી સર્યો જતો’તો સેતુ.
મણિ ચૂસતો નાગ, નાગની ફેણ મને કૈં પાતી !
મેશ જોઈ મેં રાતી.
0 comments
Leave comment