56.4 - ગીત – ૪ - ઝૂકીને જોશું ! / રાવજી પટેલ


કાગળ પર દેખાય ગલીનો વળાંક તો
ઝૂકીને જોશું !

ખોવાયેલાં મોરપિચ્છ શોધીશું મનથી
મનથી પગલાં કૈં વેરીશું,
પગલે સમય બાચકો બાંધી પાછો ખોશું!
કાગળ પર દેખાય ગલીનો વળાંક તો
ઝૂકીને જોશું !

છેવાડાની વાત અમે ચૂંટી’તી ભૂલથી,
ભૂલથી વાત અમારી રોપી’તી.
પથરાળી નીકોથી લગરીક મધુવેલને ટોશું !
કાગળ પર દેખાય ગલીનો વળાંક તો
ઝૂકીને જોશું !


0 comments


Leave comment