56.10 - ગીત – ૧૦ - અમે રે અધવચ રણના વીરડા ! / રાવજી પટેલ


અમે રે અધવચ રણના વીરડા !
થોડા ખારા રે છઈએ – ખાટા રે છઈએ;
પગલું પડે અને વ્હેતા રે થઈએ... અમે રે...

અમારી આંખોમાં માળા બાંધશે;
એમાં પીછાં રહેશે – પાછાં વ્હેતાં રહેશે.
થોડું અમથું વધેલું આભ હશે ...અમે રે...

અમારા નિઃસાસા આસોપાલવ થશે,
થોડાં તોરણ થશે – રણનો છાંયો થશે
દુઃખી કુંવરીનો સાચો વિસામો થશે... અમે રે,..
અમને શરાપ લાગ્યા સામટા;
નથી લીલા રહેતા – નથી સૂકા થતા.
સૂની આંખોમાં ઝાઝેરું ના ટકતા...
અમે રે અધવચ રણના વીરડા !


0 comments


Leave comment