56.11 - ગીત – ૧૧ - તમે રે તિલક રાજા રામના / રાવજી પટેલ


તમે રે તિલક રાજા રામના
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે;
તમારી મશે ના અમે સોહિયાં –
કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં?
કહો ને સાજણ દ:ખ કેવાં સહ્યાં?

તમે રે ઊંચેરા ઘરના ટોડલા!
અમે લજવાતી પાછલી રવેશ રે;
તમારી મશે ના અમે સોહિયાં –
કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં?
કહો ને સાજણ દ:ખ કેવાં સહ્યાં?

તમે રે અખશર થઈને ઊકલ્યા!
અમે પડતર મૂંઝારા ઝીણી છીપના;
તમારી મશે ના અમે સોહિયાં –
કહો ને કહો ને દ:ખ કેવાં પડ્યાં?


0 comments


Leave comment