5 - ચાનો પ્યાલો / કંચનલાલ વાસુદેવ મહેતા 'મલયાનિલ'


હું તો કહું છું કે આખી દુનિયા મૂરખી છે અને બધાયે લોકો બેવકૂફોના સરદાર છે; કારણ કે કોઈ પણ મારું અનુકરણ નથી કરતા. જો મારા જેવા ગોળ-મટોળિયા પેદા થાય તો દુનિયામાં બધે એટલી હોશિયારી, એટલી ચાલાકી અને એટલી ચોક્સાઈ પ્રસરી જાય તથા લોકો એટલા બધા તીક્ષ્ણ બુદ્ધિના ને સાવધાન થઈ જાય કે કાંઈ કહેવાની વાત જ નહિ.

ભાઈઓ, જો તમારો અભ્યુદય ઇચ્છતા હો તો આ ગોળમટોળિયાને પગલેપગલે ચાલો. જો આપણા દેશમાં પૈસા વધારવા ચાહતા હો તો આ ગરીબ શર્મા ઉપદેશ આપે તેમ કરો. નક્કી જ સમજજો કે ઐહિક સુખ તો તમને મળશે જ મળશે; પછી પારલૌકિક વખતે તો ભલેને તમારો સૂક્ષ્મ દેહ નરકમાં પડે એમાં તમારા બાપનું શું જાય છે?

પણ બા ! આપણું કહેવું સાંભળે છે જ કોણ? સૌ પોતપોતાના તાનમાં ને તાનમાં. પણ જરા કૃપા કરીને તમારા રેંટિયામાંથી થોડો વખત કાઢો અને આ સેવક લખે છે તે વાંચો. એમાંથી તમારી હજાર મિલો કરતાં વધારે આવક થશે. મુંબઈમાં આટલો પૈસો છે તેનું કારણ શું? લંડનમાં આટલી જાહોજલાલી છે તેનું કારણ શું? એનો કોઈ દિવસ તમને વિચાર આવે છે? લ્યો એ બધું હું તમને આજે જણાવું છું.

ઘણા દિવસથી વિચાર કરતો'તો કે પૈસા વગર કામ શી રીતે ચાલે? પૈસાની લેવડદેવડ વગર તો દુનિયા ઊંધી વળી જાય. અર્થશાસ્ત્રમાં તો સમાજનો આધાર જ પૈસાની ઉપર છે. પણ આ લ્યો, મને એક નવો રસ્તો જડ્યો છે કે જેનાથી થોડે પૈસે જે જોઈએ તે મળે – પણ જો આવડત હોય તો. આ સાધને ઘણાંઘણાંને વશ કરી દીધાં છે. આ જમાનાનું એ એક હિપ્નૉટિઝમ છે. ખરેખર કહું છું કે એ વશીકરણવિદ્યા છે.

મારો અમદાવાદી ઉર્ફે મારવાડીવાચક રાહ જોતો હશે કે આની ક્યારે ખબર પડે; પણ આપણે કંઈ એ બતાવવાને ચાર આનાની ટિકિટો મંગાવતા નથી.લ્યો કહી દઉં છું – મફત – કે એ સાધન તે બે દોઢિયાનો ચાનો પ્યાલો જ છે.

જાણજો કે આ પ્યાલો ઝેર આપ્યા વગર ઝેર ચડાવે છે. બાવાજીની ભૂરકી વગર પણ એને વશીકરણવિદ્યા સાધ્ય છે.
આ હિપ્નૉટિઝમને નથી કોઈ અમુક વિધેય (subject)ની જરૂર, કે નથી સંકલ્પશક્તિ (will power)ની જરૂર. જે આવે તે વિધેય બની જાય છે. આ ઉપાય, ખરેખર કહું છું કે, અકસીર છે; માત્ર એ વાપરવો કેમ તેની આવડત જોઈએ.

જપ્તી લઈને અમલદાર આવ્યો હોય તો બસ એક ચાનો પ્યાલો દેવો. હોટેલ તપાસવા કોઈ આવ્યો હોય તો ચાનો પ્યાલો ધરવો. પોસ્ટમાસ્ટર પાસેથી કામ કઢાવવું હોય તો ચાનો એક પ્યાલો પાઈ દેવાથી તમારા પાસા પોબાર પડવાના.

પોલીસવાળાઓ ! તમારામાંથી રખે કોઈ પોતાના સંબંધે લખ્યું છે એમ ધારી લેતા. ભાઈસાહેબ, હું તો તમારી ગાય છું. કંઈ આડુંઅવળું ઠોકી બેસાડી ગેટમાં ખોસી ઘાલો તો હું તો માર્યો જાઉં. તમારાથી હું તો બહુ બીઉં છું; પણ આ તો તમારે પણ કામ આવે. તમારા ઉપરી અમલદારને પણ રીઝવવા ફાવે એટલા વાસ્તે આ લખું છું; કાંઈ તમારી નિંદા કરવા નહિ.

આ ઉપાય, ફરીથી કહું છું કે, અકસીર છે. સરકારી નોકરો, પોલીસો, ફોજદારો, જમાદારો, રેલવેવાળાઓ, પોસ્ટવાળાઓ બધા ઉપર ચાલે છે. લાંચ આપી કહેવાય નહિ ને વળી કામ કરે છે. દસ રૂપિયા દાબવા કરતાંયે ઝડપથી.

વાચક! હવે તને મનમાં જાણે એમ થતું હશે કે એ પ્યાલો કેમ વાપરવો? બતાવું છું; બેવકૂફનો વૈદ્યરાજ, હિંદનો મહાન જાદુગર, હું ગોળમટોળ શર્મા તમને બધું બતાવું છું; ને તે મારો જાતઅનુભવ લખીને, કે જેથી ખાતરી થયા વિના રહે જ નહિ.

જેની પાસેથી આપણે આપણું કામ કઢાવી લેવું હોય એ માણસ ઘેર આવે તે વખતે, અથવા રસ્તામાં, હોટેલમાં એક ચાનો પ્યાલો પાવો. એક પાઈનું દૂધ વધારશો તો વળી તે અકસીર ઉપાય તરીકે કામ કરશે.

શહેરમાં હોટેલની ખોટ નથી. મિલમાં જતા હો તો ઝાંપા આગળ, કૉર્ટમાં જતા હો તો લીમડા હેઠળ જ પાછલે દરવાજે, વેપાર કરતા હો તો તમારી દુકાનની જોડે જ અથવા સામે જ. હને જો ચાની દુકાન જ તમારી હોય તો તો જોઈતું'તું શું!

બહાનું કાઢી સુતાર, કડિયા, મજૂરો વગેરે કામ ઉપરથી ચા પીવા જઈ શકે એમ દુકાનો ઊઘડી છે – ઊઘડતી જાય છે. કહો ત્યારે, હવે તમારે એ ઉપાય અજમાવવાને શી અડચણ છે? લ્યો, હવે બીજી બાબતો બાજુ પર મૂકી મારો જાતઅનુભવ જણાવું.

હું, તમારો સેવક, છું તો જાતે બ્રાહ્મણ; પણ હમણાં તો ઝવેરીધંધામાં પડ્યોછું. તમે કહેશો કે ગોરમહારાજ, ભીખ માગવાનું છોડી તમે આ શું લઈ બેઠા ? તમારા બામણભઈનાં આ કામ નહિ; એ તો શ્રાવક વાણિયાનાં કામ અને એ તો ચોકસીઓ જ કરે. પણ આપનો ગોરમહારાજ તો ચોકસી વાણિયાનું ટીલું અને શ્રાવકનો ચાંલ્લો ચાટી જાય એમાંનો ઘરાક છે.

મારા શેઠ ગરબડદાસ સડબડદાસ ભડભડિયા છે તો સારા જેન્ટલમૅન, પણ રહેવાના ઇસ્કેટાટ, કોટ ઉપર કૉલર ટાઈ લગાવે છે, કોક વખત પાટલૂન પહેરે છે. રોફ મારવામાં કાંઈ મણા નથી; પણ જો એકાદ વખત વાતચીતના પ્રસંગમાં આવે તો તરત ખબર પડી જાય કે ભાઈ ધોળકાના છે.

ત્રીસેક વર્ષનો અનુભવ અને ઝવેરીઓમાં ફરેલા એટલે એ એવા ગઠિયા થઈ ગયા છે કે ભલભલાની ચોટલી અને વહોરાજીની દાઢી મંત્રી જાય. પણ... આ ગોળમટોળજી આગળ ગરીબ ગાય જેવા છે અને તે ફક્ત ચાના પ્યાલાને પ્રતાપે.

શું કરું છું તે કહું. સાંજે હું અને એ દુકાનેથી સાથે નીકળીએ. મારી પોળમાં થઈને જવાનું એટલે વાતમાં ને વાતમાં એમને મારે ઘેર તેડી જાઉં અને આવતાંની સાથે તમારાં કાકીને ચા મૂકવાનું કહી દઉં. માત્ર એક જ પ્યાલો ચા મુકાવું, કારણ કે મેં તો નિયમ કર્યો છે કે કોઈ દિવસ ભૂલેચૂકે પણ ચા પીવી નહિ. જો ચા પીધી તો માર્યા જ ગયા.

શેઠને આ પ્યાલો પાયો કે કામ પાર. એવીપ્રીતિ રાખે છે કે કંઈ કહેવાની વાત નહિ. એક વરસમાં બે વખત પગાર વધારે. હું પણ એમને સારી કમાણી કરાવું છું, અને તે માત્ર ચાને પ્યાલે.

કોઈ શેઠશાહુકારને ત્યાં અથવા રાજારજવાડામાં ઝવેરી જુઓ તો શેઠ ગરબડદાસ સડબડદાસ ભડભડિયા અને તે આ શર્માને પ્રતાપે. ખબર પડે કે કોઈ મોટા માણસને ત્યાં લગ્ન છે કે તરત જ એમનો સગાવહાલો કે કરતોકારવતો હોય એને મળું, વાતચીત કરું અને હોટેલમાં લઈ જાઉં. પહેલે દિવસે ઝવેરાત સંબંધે વાત જ ન કરું, બીજે દિવસે લગ્નની વાત કરું અને ત્રીજે દિવસે જણાવી દઉં કે મોતીબોતી જોઈએ તો અમને પૂછીને લેજો.

એક વખત શેઠછગુભાઈ જગુભાઈને ત્યાં એમના દીકરા ગજુભાઈનું લગ્ન હતું. આપણને એ ખબર પડી, અને એમના મુનીમ શા. ભગુભાઈ મંગુભાઈ કારભારી છે એ પણ જાણ્યું. એ જ દિવસ રસ્તામાં શા. ભગુભાઈ મંગુભાઈ સામા મળ્યા. મને જરાજરા ઓળખે, પણ ખાસ પરિચય નહિ. આપણને ઘુસણિયા વિદ્યા સારી રીતે આવડતી હતી. મારાશેઠ તે વખતે સાથે જ હતા. મુનીમને જોતાંજ મેં એમનો હાથ દાબ્યો ને બંને ઊભા રહ્યા.
‘કેમ શેઠ સાહેબ !' મેં કહ્યું.
‘શેઠ સાહેબ’સાંભળતાં જ મારા વશીકરણની અસર થઈ.
‘ઓ...હો ! ગોળમટોળભાઈ કે?' એમણે કહ્યું.
‘હાજી, હમણાં તો લગ્ન મહાલવામાં પડ્યા હશો.' પછી મારા શેઠ તરફ ફરી મેં કહ્યું : ‘સાહેબ, આમને ઓળખ્યા કે? છગુભાઈ શેઠનો જમણો હાથ. શેઠ જો કોઈનું કહ્યું કરતા હોય તો એમનું જ. કોણ જાણે શી રીતે આ બધું પાર ઉતારી શકે છે! ચારે કોર નજર પહોંચાડી શેઠનું, ઘરનું અને મિલનું કામકાજ કરે છે.લ્યો, આવો છો કે, જરા ચા પીતા જઈએ. મારે તમારી તરફ જ આવવું છે.’

આમ કહી હું તો એમને ‘આનંદાશ્રમ’માં લઈ ગયો. બે કપ ચા મંગાવી સાથે પાશેર દૂધનો પણ ઑર્ડર આપ્યો.

બસ, પૂરો ભણાઈ ગયો હતો. ત્રીજે દિવસે છગુભાઈને ત્યાંથી મને તથા મારા શેઠને સાથે બોલાવ્યા. વીસ હજારના માલના અમે ત્રીસ હજાર લીધા ! તમે કોઈ માનશો નહિ, પણ ઘણા જણે અમારી દુકાને થેલીઓ જતી જોઈ છે.

કહો હવે, મારો શેઠ એક વરસમાં બે વખત મારો પગાર વધારે તેમાં શી નવાઈ? હું જયાં મારા પ્રયોગો બે તરફથી ચલાવવા મંડ્યો હોઉં ત્યાં!
અરે રામ ! રામ ! આ ધમાલમાં પડ્યો હતો એટલામાં મારી દીકરી માંદી પડી. તાવ કહે મારું જ કામ, ઉધરસ કહે હું જ ખરી ને ફેરે જવાનો પાર જ નહિ. હું તો નાસીપાસ થઈ ગયો. હવે દાક્તરની ફી ઉપર ફી ચડશે. આ તો ભોગની દશા થઈ !

મારી પોળને મોઢે L.M.& S.નું ડહેલું હતું. હું તો લાગલો જ ત્યાં ગયો અને દાક્તરસાહેબને ઘેર જોવા બોલાવી લાવ્યો.
પહેલે દિવસે તો બે રૂપિયા વિઝિટના આપ્યા, પણ કંઈ રોજ આપીએ તો ચાલે નહિ.

બીજે દિવસે છોડીને એવું ને એવું હતું, તોપણ આપણે ડૉક્ટરને કહ્યું કે ‘ના દાક્તર, આજ તો ઘણો ફેરફાર માલૂમ પડે છે. કાંઈ બીવા જેવું નથી. તોપણ જતાંજતાં વળી ફેરો મારતા જજો. સાંજનાં ચાપાણી ઘેર કરવાને બદલે આપણે ઘેર કરજો . બે ઘડી વાતચીત કરીશું.'

દાક્તર કાંઈ સાંજે ઘેર ચા પીતા નહોતા, પણ મફતનો મળે તો કોણ ના કહે? એમણે તો રોજ સાંજે આવવા માંડ્યું. મેં પણ ચા આપવાનું ચાલુ રાખ્યું. મહિના સુધી એમ ને એમ ઘેર આવતા અને દરરોજ જાતે જ (personally) મારી દીકરીને તપાસતા.

મહિને દહાડે બિલ આવ્યું ત્યારે ફક્ત દવાના જ પૈસા માંડેલા. વિઝિટ ફીનુંનામ નહિ ! કહો, આ ઓગણત્રીસ દુ અઠ્ઠાવન રૂપિયાનું કામ મેં ઓગણત્રીસ પૈસામાં કાઢી લીધું. છે કોઈ તમારા ઘરમાં કોઈ એવું માંદું કે જેને દાક્તર રોજ મફત જોવા આવતા હોય? મારી દીકરીનાં કેટલાં ભાગ્ય? કહો સાહેબ !

કામ તો થઈ રહ્યું, પણ દાક્તર તો હજી આવવાનું ચાલુ રાખશે એમ લાગ્યું. આથી બે દહાડા ઢેડ બારેજડી જઈ આવ્યો. આમ ઝેપ (break) પડ્યો કે પછી એમણે પોતે જ આવવાનું બંધ કર્યું – મારા કહ્યા વગર.

મારા ઘરની થોડે છેટે એક વકીલ રહેતો હતો. એ મારો વા’લો કોઈની સાથે ઝાઝી વાતચીત જ ન કરે. સલાહ પૂછવા જાય તો ફી વસૂલ કરવા બીજે દહાડે ગુમાસ્તો મોકલ્યો જ છે ! પણ કાંઈ નહિ, એ reserved હતા તો હું એમને મોંમાં આંગળાં ઘાલી બોલાવું એવો હતો !

મારા શેઠનો કાંઈક કેસ હતો. એટલે હું એમને ત્યાં લઈ ગયો. ઓળખાણ થાય એમાં તો નવાઈ નહિ, પણ હવે તે જારી રાખી વધારવી એનો ઉપાય શોધતો હતો. તરત જ તે હાથ લાગ્યો અને તે ચાનો પ્યાલો. આ અકસીર ઈલાજ મેં એમના પર ચલાવવા માંડ્યો. નવરો હોઉં કે તરત જ એમની ઑફિસમાં – ભદ્ર આગળ – જઈ રાવને કહી દઉં કે ‘ચાનો પ્યાલોમોકલજે.’વાતો કરતો હોઉં ને છોકરો ચા લઈને આવે. આમ મેં બેએક આનાના પૈસા બગાડ્યા હશે; પણ ત્યાર પછી મારો બેડો પાર.

મેં ખાનગીમાં કેટલોક માલ વેચ્યો હતો. તેમાંથી અરધા રૂપિયા મળેલા ને અરધા બાકી હતા, અને તે લેનારો મારો વા'લો આપે નહિ.
મેં વકીલને કહ્યું, ‘ગગલભાઈ વકીલહોશિયાર કે તમે?'
‘હવે તે તો હું પોતે શી રીતે કહી શકું?’

મેં કહ્યું, ‘ના, મેં તો તમારું નામ સાંભળ્યું હતું. તેથી હું કહું છું કે અટપટી બાબતોનો ખુલાસો કરવામાં તમારા જેવું અહીં તો કોઈ નથી એમ લોકો કહે છે.’

વકીલ હસી પડ્યા. વખાણ ઉર્ફે બૂટપૉલિશ કોને વહાલું નથી.
‘હેં સાહેબ !’તક આવી જાણી મેં કહ્યું : ‘કોઈ કોઈના રૂપિયા ન આપતું હોય તો વકીલ કર્યા વગર એ વસૂલ કરવાની યુક્તિ તમે કાઢી શકો ખરા કે?’
‘શા માટે નહિ? એના તો હજાર રસ્તા છે. કેટલીક વખત તો એક નોટિસથી કામ પતી જાય છે.’
‘ત્યારે મને જરા એક કાગળ ઉપર નીચે સહી કરી આપો ને! ડ્રાફટ તો મારી પાસે છે.' એમ કહી એક નોટપેપર ઉપર મેં સહી કરાવી લીધી. ઘેર જઈ નોટિસ મારે હાથે લખી, કાગળ રજિસ્ટર કરાવી મોકલી દીધો. બીજે દિવસે પેલો લેનારો પગે ચાલતો મારે ઘેર આવ્યો અને કહી ગયો કે ‘ચાર દિવસમાં, ભાઈસા'બ,પૈસા આપી દઈશ; મારે પાછું ખાતર ઉપર દીવેલ થશે.’

રૂપિયા મળ્યા પણ વકીલને એક અરધી પાઈ પરખાવી નથી. જો કોઈ બીજી રીતે ગયો હોત તો કૉર્ટમાં દાવો કરવાની સલાહ આપત અને પોતે વકીલ થાત તથા મારી પાસેથી ફી કઢાવત. ઓ ચાના પ્યાલા ! તારાં શાં વખાણ કરું?

વાંચનાર, મારા અનુભવ તો ઘણા છે. સેવકેમ્યુનિસિપાલિટીમાં કાઉન્સિલર થવાનો અખતરો કર્યો છે, ટ્રેનમાં ચારપાંચ મણ ભાર લગેજ ભર્યા વગર આણ્યો છે, શહેરમાં દરવાજા બહારથી હાંસલ ભર્યા વગર માલ આણ્યો છે, મારો ભાઈ ફોર્થ સ્ટૅન્ડર્ડમાં નાપાસ થતો હતો તે સ્કૂલના હેડમાસ્તર પાસે પ્રમોશન અપાવ્યું છે, – અને આ બધું ફક્ત ચાના પ્યાલાથી.

પણ આ બધું લખવા બેસું તો એક લાંબું પુરાણ થાય એવું છે. ખરેખર, હમણાં તો ચાનો પ્યાલો સારું કામ કરે છે અને પોળને મોઢે માણભટ્ટને પુરાણ કથાનું સાધન બને તેમ છે. પણ એ બધું હવે આગળ ઉપર. કદાચ લોકોને આ વશીકરણવિદ્યાની ખબર પડી જશે અને છેતરાતા અટકશે ! પણ ત્યાં તો બીજોએક સારો પ્યાલો અથવા -પ્યાલી નહિ નીકળે? પગલાં તો મંડાયાં છે.
***


0 comments


Leave comment