2.3 - ‘પરિચય પુસ્તિકા’ : વ્યાપની સમૃદ્ધિ / પરોક્ષે પ્રત્યક્ષે / રમણ સોની
એક સમયે સર્વસામાન્ય જ્ઞાનનો – જનરલ નૉલેજનો – મહિમા મોટો હતો; અત્યારે માહિતીનો છે. એકાંગી વિશેષજ્ઞતામાંથી જરાક મોકળાશમાં જવાનાં ને વ્યાપકતામાં પણ વિહરવાનાં રસ-જિજ્ઞાસા ઇષ્ટ ગણાતાં. આજે પણ એ વલણ ટક્યું તો છે, પણ એનો વ્યાપ ઘટ્યો છે. સાહિત્યનો વિશેષજ્ઞ અવકાશવિજ્ઞાનમાં ને વનસ્પતિશાસ્ત્રમાં ય રસ ધરાવતો હોય ને વિજ્ઞાનના અભ્યાસીને સંગીતમાં ને ચિત્રમાં દિલચશ્પી હોય. કિશોર-યુવાનવયના વિદ્યાર્થીને તો વિવિધ વિષયોમાં એકસરખા રસથી ફરી વળવાની ઉત્સુકતા બલકે તાલાવેલી હોય. વિશ્વકોશો, વ્યાપક પ્રકારનાં સામયિકો એ તરસ છિપાવતાં હોય. ‘કુમાર’ આ અર્થમાં જ ‘આવતીકાલનાં નાગરિકો માટેનું’ સામયિક છે - પુરવાર પણ થયેલું છે. પછી, ઝડપી વ્યસ્ત જીવનમાં સમયનો દાબ વધતો ગયો એમ વ્યાપક વિષયોની રસ-જિજ્ઞાસા સંતોષવા ટૂંકાં લખાણોની માંગ ઊભી થઈ. માંડ બચાવેલા સમયમાં એ જલદી વંચાઈ જાય. પણ એમ કરતાં કરતાં નરી માહિતી સુધી એનું હ્રસ્વીકરણ થયું. વર્તમાનપત્રો, લોકપ્રિય સામયિકો, દૃશ્ય માધ્યમો ને હવે ઇન્ટરનેટ એ કામ કરતાં થયાં છે. એ સૌ જ્ઞાન હાથવગું કરી શકે છે ખરાં પણ માંગ માહિતીની છે. આ માહિતીવિસ્ફોટની વચ્ચે આપણે, એક રીતે તો, દિગ્મૂઢ ઊભાં છીએ.

વિવિધ વિષયોમાં રુચિ-જિજ્ઞાસા હતાં, એની માંગ હતી એ દિવસોમાં ‘પરિચય પુસ્તિકા’-પ્રવૃત્તિ શરૂ થઈ હતી. છેક ૧૯૫૮માં વાડીલાલ ડગલી અને યશવંત દોશીને આ વિચાર આવ્યો : વિવિધ વિષયો પર, એના અભ્યાસીઓ પાસે, પણ સરળ ભાષામાં, કેવળ ૩૨ પાનાંની પુસ્તિકાઓ કરાવવી. વરસે ૨૪ પુસ્તિકાઓ કરવી - ને વરસ સુધીમાં ક્રમેક્રમે વાચકને હાથવગી કરવી. બારે માસ વિવિધ વિષયોનો વાચન-આનંદ પણ મળતો રહે ને સમય પર પણ એકસાથે દાબ ન આવી જાય. ‘પરિચય ટ્રસ્ટ’ તો એ પછી સ્થપાયું – ૧૯૫૯માં. અને ૧૯૬૩માં યશવંત દોશી એના મેનેજિંગ એડિટર થયા. પછી ૧૯૬૪માં સમીક્ષા-સામયિક ‘ગ્રંથ’ શરૂ થયું ને ૧૯૮૬માં એ બંધ થયું ત્યાં સુધી યશવંત દોશી એનાય સંપાદક રહ્યા. પણ ‘પરિચય ટ્રસ્ટ’ની મુખ્ય પ્રવૃત્તિ ‘પરિચય પુસ્તિકા’ તો, સતત ચાલતી જ રહી છે. હમણાં, જાન્યુઆરી ૯૯માં, યશવંતભાઈનું અવસાન થયું. ‘પરિચય ટ્રસ્ટ’ અને એની ‘પરિચય પુસ્તિકા’-પ્રવૃત્તિ તો ચાલુ જ છે ને આ પ્રવૃત્તિ સાથે ઘણા વખતથી સંકળાયેલા રહેલા ચન્દ્રકાન્ત શાહ એને આગળ ચલાવે છે (હવે, ૨૦૦૪થી એનું સંપાદન જિતેન્દ્ર દેસાઈ સંભાળે છે.) તે, યશવંત દોશી જેવા ચાર દાયકાથી સતત આ સાધના કરનારને યોગ્ય અંજલિરૂપ છે.

આ ‘પરિચય પુસ્તિકા’ ૯૭૫ની સંખ્યા સુધી પહોંચી છે ને આ સદીના અંત પહેલાં તો એ ૧૦OOની સંખ્યાએ પહોંચી હશે. એકસરખી સંપાદકીય ભાતવાળી, આશ્ચર્યકારક વૈવિધ્યવાળી, વ્યાપક ઉપયોગિતા ધરાવતી, વિવિધ પ્રકાર-સ્તરના અભ્યાસીઓ પાસે તૈયાર કરાવેલી ને છતાં એક સ્પષ્ટ મુદ્રાવાળી, એકધારી રીતે પ્રગટ થયેલી ૧૦૦૦ પુસ્તિકાઓ નાનીસૂની ઘટના નથી. આ પ્રવૃત્તિએ આપણા વિદ્યાજગતમાં તેમજ આપણા સંસ્કારજીવનમાં મોટા ગજાનું પણ કશા દાવાઓ વિનાનું શાન્ત પ્રદાન કર્યું છે. વિવિધ વિષયો, સામ્પ્રત પ્રશ્નો-ઘટનાઓ-વ્યક્તિઓ વિશે પુસ્તિકાઓ થતી રહી છે. વાતાવરણમાં ઊપસતી ઘટનાઓ ઉપર પણ પુસ્તિકા થઈ છે ને એ જ વખતે શાશ્વત વિષયો પર પણ થઈ છે – આ વર્ષની પુસ્તિકાઓ જ જોઈએ તો માર્ક ટ્રેનની કથાસૃષ્ટિ વિશેની પુસ્તિકા પણ છે ને સાથે સી. ટી. બી. ટી. (પરમાણુ-પરીક્ષણ-પ્રતિબંધ-સંધિ) વિશે પણ છે. એટલે એક રીતે જોઈએ તો એનું કામ પુસ્તક અને સામયિક વચ્ચેનું છે. ને છતાં એના સંપાદકે તો નેપથ્યમાં રહેવાનું સ્વીકાર્યું છે – કોઈપણ પુસ્તિકામાં ન કોઈ નિવેદન, ન કોઈ સંપાદકીય નોંધ સુધ્ધાં. જે કર્યું તે અવાંતરે કર્યું - લેખકની હસ્તપ્રત (એનીય પહેલાં વળી વિષય-પસંદગી ને મુદ્દાઓનું સૂચન) તથા પ્રગટ પુસ્તિકાની વચ્ચે સંપાદકે પોતાના શ્રમને ને પોતાની સૂઝને પ્રયોજ્યાં. કેટલું સંમાર્જન થયું હશે, કેટલા રંધા ફર્યા હશે ને પરિણામે ૩૨ પાનાંની સુઘડ, સફાઈદાર, મુદ્દાસર, સુગ્રાહ્ય, પુસ્તિકા વાચકને મળતી રહી છે! (એ સંપાદન-કર્મનો થોડોક અંદાજ ‘યશવંત દોશી’ વિશેની ચન્દ્રકાન્ત શાહની પુસ્તિકા પરથી આવશે.) એટલે આ પુસ્તિકાના સંપાદક તો સામયિકના સંપાદક કરતાંય વધુ, બલકે હંમેશાં, પરદા પાછળ રહ્યા કેમકે સામયિક-સંપાદક તો પોતાના સામયિકમાં ધારે એટલો પહોળો થાય; ઓછામાં ઓછું, ‘સંપાદકીય’રૂપે પણ એ આગળ આવે, એટલોક તો પ્રગટ થાય.

આ પુસ્તિકાઓની ઉપયોગિતા નિર્વિવાદ છે. પંડિત સુખલાલજીએ ઘણા વખત પહેલાં કહેલું કે, ‘આ પુસ્તિકાઓ એક ઘરગથ્થુ લઘુ જ્ઞાનકોશ છે.’ હવે, ૧૦૦૦ની હારમાળા કલ્પતાં એનો મર્મ વધુ સ્પષ્ટપણે ઊપસે છે. પરિચય ટ્રસ્ટે નોંધ્યું છે કે આ પુસ્તિકાઓના લક્ષ્ય વાચકો શાળા-કૉલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો ને સર્વસામાન્ય જિજ્ઞાસુઓ છે. જેણે આના વાચનમાં રસ લીધો હશે એને તો જરૂર એનો લાભ મળ્યો હશે પણ આ લક્ષ્ય-વર્તુળ – વિદ્યાર્થી-શિક્ષકોનું – ક્રમશ: સંકોચાતું નથી ગયું? જેમને જરૂર છે એમની જ રુચિ મંદ થતી જતી હોય તો પછી ઉપયોગિતા પણ એટલી ન્યૂન થવાની. એ ભૂખ ફરી જગાડવાની થશે – જે ઉત્તમ ને ઉપયોગી છે એને પ્રસરવાની મોકળાશ ને સુવિધા કરવાની હોય જ.

વિચાર આવે છે કે હજાર પુસ્તિકાઓ થાય એ પછી કોઈ - કે પરિચય ટ્રસ્ટ જ – એની એક વર્ગીકૃત સૂચિ આપે : વિષયવાર, લેખકવાર, વર્ષવાર; તો એ એક સ્વતંત્ર સંદર્ભ બની રહે ને પરિચય પુસ્તિકાઓને ફરી એકવાર જોવા-વાંચવા માટેનો પણ હાથવગો સંદર્ભ બની રહે. એની વ્યાપક સમૃદ્ધિનું એક આકર્ષક ચિત્ર એમાંથી ઊપસી રહે. ઉપરાંત, આ સર્વ પુસ્તિકાઓનું પ્રદર્શન યોજાય તો એ પણ એક અનોખી, ઉત્તેજક ઘટના બની રહે.
જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૯૯


0 comments


Leave comment