5 - હરદા / ચુનીલાલ મડિયા


હરદાને તાવ આવ્યા પછી બે દિવસ સુધી તો તેણે દવા-દારૂનું નામ પણ ન લીધું. ત્રીજે દહાડે સવારે સૌના આગ્રહને વશ થઈને તેના મિત્ર શામજી સાથે ભભૂતિયા બાવાને વડલે ગયો.

ગામનો ડૉક્ટર કે વૈદ્ય જે ગણો તે ભભૂતિયો બાવો જ હતો. કેડે ખાસ્સું બે ઇંચના વ્યાસવાળું રાંઢવું બાંધી, આખે ડિલે રાખના થપેડા લગાવી બેસતો એટલે સૌ એને ભભૂતિયો બાવો કહેતા. શહેરના કોઈ એમ.ડી. થયેલ ડૉક્ટરના જેટલી બાવાજીની પ્રતિષ્ઠા હતી. કોઈની આંખ ઊઠી હોય, કોઈને તાવ આવ્યો હોય, કોઈને વા થયો હોય, કોઈનું છોકરું ભરાઈ આવ્યું હોય, કોઈ છોકરાનું ગળું આવ્યું હોય તો બાવાજીની પાસે આવે અને બાવાજી વડલાની નાનીશી બખોલમાંના એમના ઔષધાલયમાંથી બે-ચાર ઝાડનાં પાંદડાં, મૂળિયાં વગેરે લઈ, પડખેની છીપર ઉપર વાટી, ‘લે જાવ બેટા !’ કહી આપે અને સૌ શ્રદ્ધાભર્યા એ ઘેર લઈ જાય.

એક વખત ગામમાં કોગળિયું આવ્યું. જુવાનજોધ માણસો ટપોટપ મરવા માંડ્યા. લોકો ગામ ખાલી કરી જવાની તૈયારી કરવા લાગ્યા. બાવાજીએ ચાર આગેવાનોને બોલાવી કહ્યું : ‘ઇસ તરહ ગાંવ છોડ કર મત જાવ. દો દિન ઠહેરો. મેં કુછ કરુંગા.’ બીજે દિવસે બાવાજી દિશાએ ફરીને આવ્યા ત્યારે ડાળખાંડાળખીઓનો ઢગલો કર્યો અને કહ્યું : ‘ઇસકા ધૂપ કરો.’ ગામલોકોએ ઘરમાં ચોવીસે કલાક ધૂપનાં કૂંડાં સળગતાં જ રાખ્યાં અને સૌની અજાયબી વચ્ચે ગામ આખામાંથી એક નાના છોકરાને પણ કશી આંચ ન આવી.

હરદા તો બાવાજીના ખાસ ઉપાસકોમાંનો એક હતો. બાવાજીના મોંમાંથી પડતો બોલ ઉપાડે. બાવાજીને પણ તેના પ્રત્યે ઊંડી મમતા હતી. બાવાજીની પીધેલી ચલમ પહેલવહેલી હરદાને મળે. શિવરાત્રિને દિવસે ભાંગ વાટવાનું અને સાથે સાથે ભાંગ ચડે એવી બને એ માટે વાસણને તળિયે છાનામાના તાંબાના સિક્કાસંતાડવાનું કામ હરદા જ કરતો. અને મધરાતે, જ્યારે શંકરભગવાન પૃથ્વી ઉપર આવે, જ્યારે બાવાજી ‘બ્હમ, બ્હમ ભોલા !'ની ત્રાડ નાખે ત્યારે પાછળ ધીમેથી ‘પિલા દે ચરસ કા ગોલા!’ બોલનાર પણ હરદા જ હોય.

‘ક્યું હરદા ! દો દિન સે કહાં ચલા ગયા થા?' હરદાને છેટેથી દેખીને જ બાવાજી બોલી ઊઠ્યા.
શામુએ કહ્યું : ‘ક્યાંય નથી ગયો. બિચારો તાવે ભરાણો છે. કેવો ધાણી ફૂટે એવો તાવ ધખે છે!’
‘ઐસી બાત હૈ? અચ્છા! યહાં આવ.’ બાવાજીએ કહ્યું.

હરદા ઓટા ઉપર આવીને બેઠો. બાવાજીએ તેનો હાથ લઈ નાડી જોવા માંડી : ‘અરર.. ઇતના તાવ !!’ બાવાજી બોલી ઊઠ્યા, ‘મેરી ચલમ ભી ઇતની ગરમ નહીં હોતી. ઔર અબતક ઇધર આયા કર્યું નહીં?’
‘અમથી જરાક ધગશ આવી ગઈ'તી.’ હરદાએ ધીમે અવાજે કહ્યું.
‘શિવ શિવ શિવ! તુમ લોગો કો બહોત બૂરી આદત છે. બીમાર હોતે તબ ઈધર આતે નહીં હો ઔર જબ મરનેકા વખત આતા હૈ તબ કહતે હો, બાવાજી હમકો બચાઓ. ઔર જબ મેં નહીં બચા સકતા તબ ગાલિયાં દેતે હો કિ બાવાજીને માર ડાલા!’ વડલાની બખોલમાંથી તેમની ઔષધિ કાઢતાં કાઢતાં બાવાજી બોલતા હતા. છેવટે ઉમેર્યું: ‘એસી હૈ દુનિયા!’

હરદાએ ઓટા ઉપર લંબાવ્યું.
‘શામુ, તુમ ઇસકા રસ નિકાલો. શામુને બાવાજીએ પાંદડા વાટવાનું કહ્યું.’
‘હરદા, અબી તો કિતને દિનસે રામજી કા ભજન નહીં હુંવા ! બાવાજી હરદા સાથે વાતોએ વળગ્યા.
‘બાપુ, આમાંથી સાજો થઈને ઊઠું એટલે તરત ભજન બેસાડીશ; એવી માનતા પણ મારા બાપે કરી નાખી છે.’
‘હા ! હા! માનતા ! શરતી ઔર બિનશરતી ? તુમ લોગ શરતી માનતા કરતે હો. અગર તુમ્હારા બુખાર ચલા જાય તો તુમ રામભજન કરો, ક્યું? રામજી કે સાથ ભી લોગ શર્ત ખેલતે હૈં. એસી હૈ દુનિયા!’

હરદાએ વાત બદલી: ‘બાપુ, બીજું બધું તો ઠીક, પણ આ તાવમાં તમે ક્યા ઝાડનાં પાંદડાંનો રસ પાવ છો એ તો કહો !’
‘વો જાનકર ક્યા તુમકો ડૉક્ટર બનના હૈ?'
‘ના બાપુ, આ તો અમસ્થો જરા-‘
‘હાં, બહોત લોગ વો જાનને કે લીયે યહાં આ ગયે. એસે સેવા કે કામ કા ભી લોગ પૈસા હાંસિલ કરને કે લીયે ઉપયોગ કરતે હૈ. એસી હૈ દુનિયા!’

શામુ પાંદડાં વાટીને ઊભો થયો એટલે બાવાજીએ હરદાના વાડકામાં રસ ઉતારી દીધો. પછી પોતાની ઝોળીમાંથી એક નાનકડી કોથળી ઉઘાડી, એમાંથી ચપટી ભરીને કંઈક નાખ્યું.

‘લે જાવ !’ વાડકો શામુને આપતાં બાવાજી બોલ્યા. પછી હરદાને કહ્યું : ‘બરાબર પી જાના હૈ!’
‘હો બાપુ.’
‘ઔર કુરૂકી રોટી મત ભૂલના.’ કૂતરાને માટેનો રોટલો એ બાવાજીની દવાની ‘ફી’ હતી.
‘અરે! એ તે ભુલાય?'
‘હા...આ...આ.’ બન્નેના ગયા પછી બાવાજી મનમાં ગણગણ્યા, ‘અંગરેજી પઢે હુવે ડૉક્ટરો કો દવા કે સૈંકડો રૂપિયે દેતે હૈ, લેકિન યહ રામજી કી રોટી ભૂલ જાતે હૈ ઐસી હૈ દુનિયા!'

હરદા ઘેર આવીને ખાટલામાં પડ્યો. શામુએ દવા પીવાનું કહ્યું ત્યારે ઊઠીને દવા પી લીધી. સાંજ પડ્યે તાવ સહેજ નરમ લાગ્યો. બાવાજીની સૌ તારીફ કરવા લાગ્યા: ‘વનસ્પતિના ગુણ સારી રીતે ઓળખી જાણે છે.’
‘અરે ઈલમી છે ઇલમી!’ કોઈ અગમ્યના ઉપાસકે કહ્યું, ‘ફૂંક મારીને મસાણમાંથી મડદાં ઊભાં કરી દિયે.’

બીજી સવારે ફરી હરદા અને શામુ બાવાજી પાસે જવા ઊપડ્યા.
‘શામુ, બાપુ શેનાં પાંદડાં આપતા હશે?' હરદાએ પૂછ્યું.
‘રામ જાણે. કાંઈ વરતાતાં નથી.’
‘આજે એ બરાબર ધ્યાન રાખજે. ઈ, ઈલમ હાથ કરવા જેવો છે. ન્યાલ થઈ જઈએ. શહેરમાં તો રોજ ટંકશાળ પડે !’

બાવાજીનો ઇલમ હાથ કરવાની હરદામાં કોઈ દુર્દમ્ય આકાંક્ષા ઉત્પન્ન થઈ.
બાવાજીએ નાડી તપાસી ફરી એનાં એ પાંદડાં શામુને આપ્યાં.

હરદાની આંખો શામુને કંઈક મૂંગું મૂંગું સમજાવી રહી હતી. શામુ પણ આંખના અણસારાથી જ એનો ઉત્તર આપતો હતો.
‘તબિયત કિતની અચ્છી હો ગઈ!' બાવાજીએ કહ્યું.
‘હાં, લેકિન તુમ લોગ કો હમારી દવા મેં બિસબાસ નહીં હૈ. ઐસી હૈ દુનિયા!'
‘બાપુ, તમે આ પાંદડાં ક્યા ઝાડમાંથી લાવો છો એ તો કહો' હરદાએ પૂછ્યું.
‘વો જાનને કી ક્યા જરૂરત હૈ?’
‘જરૂરત નહીં, પણ જરાઅમથું નામ આપો તો ખબર પડે.’
‘તુમ કો ભી શહર મેં જાકર બડે ડૉક્ટર બનને કી ખ્વાહિશ લગ ગઈ - કયું?' બાવાજીએ ચલમની સટ ખેંચીને કહ્યું.
‘ના રે બાપુ! આ તો જરા જાણવા સારુ પૂછું છું.’
‘હરદા, વો કૌન સે પત્તે હૈ વો જાનના અચ્છા નહીં. તુમ્હારી ઇસ હાલત મેં તો વો બિલકુલ અચ્છા નહીં.’ થોડી વારે એકીટશે ચલમનો દમ ખેંચી, પછી ધીમે ધીમે ધુમાડા બહાર કાઢતા બાવાજી તદ્દન શૂન્ય નજરે ફરીથી બોલી ગયા : ‘વો અચ્છા નહીં, હરગિજ અચ્છા નહીં.’

રસ્તે પડ્યા એટલે હરદાએ શામુને પૂછ્યું: ‘કાં, ખબર પડી, શેનાં પાંદડાં છે?'
‘કાંઈ વરતાણાં તો નહીં, પણ આમ ખરાટી જેવા લાગે છે. અણી ખરાટી જેવી છે.’
‘ખરાટીનાં?' હરદાએ આતુરતાથી પૂછ્યું.
‘હા.’
‘એનેથી તે તાવ ઊતરતો હશે? બાવાજી પણ ઠીક ગામને બનાવ્યે રાખે છે ! ખરાટીનાં પાંદડાં તો ઓણ મારા વાડામાં મલકનાં ઊગી નીકળ્યાં છે. નાખી દે, શામુ, આ પાંદડાંને શું ધોઈ પીવાં'તાં! એનાથી તે તાવ ક્યાંથી ઊતરે ?’

બીજે દિવસે હરદાને સખત તાવ ચડી આવ્યો.
બાવાજીને ખબર મળ્યા ત્યારે બોલી ઊઠ્યા. ‘વો કેસે હો સકતા હૈ? કલ તો પૂરા આરામ થા. વો પત્તો કા રસ ફિર દે દો.’

સાંજે પાંદડાંનો રસ દેવામાં આવ્યો ત્યારે હરદાએ કટાણું મોં કરીને કહ્યું : ‘બાવાજી ખરાટીનાં પાંદડાં આપે છે, જેનાથી તે તાવ ઊતરે?’
‘અરે પાંદડાંને બદલે ભલેને ધૂળ આપતા હોય; તારે રોટલાનું કામ છે કે ટપાકાનું?' હરદાના વૃદ્ધ બાપે કહ્યું.
‘હા ભાઈ, પી જા જોઈએ. સવારમાં સુવાણ થઈ જાય.' માએ આજીજી કરી.

‘મા,’ હરદાએ માને નજીક બોલાવી કાનમાં કહ્યું, ‘બાવાજી તો ખરાટીનાં પાંદડાંનો રસ આપે છે. પૂછી જો શામુને, હું ખોટું કહેતો હોઉં તો. એનાથી તે તાવ કેમ કરીને ઊતરે ? ઈ પાંદડાં તો આપણા વાડામાં છે.’

છેવટે હરદાએ સૌના આગ્રહથી વાડકો લઈને ‘હમણાં પી જાઉં છું', કહી ખાટલા પાસે મૂક્યો અને થોડી વાર પછી કોઈનું ધ્યાન નહોતું ત્યારે સહેજ ઊંચા થઈને વાડાને બારણે ઢોળી નાખ્યો.

સવારમાં આગલી રાત કરતાં પણ વધારે તાવ હતો. શામુ ખબર લઈને ગયો ત્યારે બાવાજી બોલ્યા: ‘કુછ સમઝ મેં નહીં આતા.' પછી થોડી વારે કહ્યું : ‘હાં શામુ, વો રસ તો અચ્છી તરહ પીતા હૈ ?’
‘હાં.'
‘તબ તો આજ શામકો બુખાર જરૂર ચલ જાયેગા.’

સાંજે પણ હરદાએ વાડકો મોઢે માંડી પી લીધાનો ડોળ કરી, ખાટલાની ઇસ ઉપર ઢાંકી રાખ્યો અને નજર ચુકાવી, વાડામાં હાથ લંબાવી ઢોળી નાખ્યો.
‘બુખાર કેસે નહીં હટતા?' બાવાજીએ ચીપિયો પછાડ્યો, ‘આજ જ્યાદા રસ દે દો.’
શામુએ હળવેક રહીને બાવાજીને કહ્યું: ‘બાપુ, હરદા તમે આપો છો ઈ રસ પીતો જ નથી. કે છે કે એમાં તો ખરાટીનાં જ પાંદડાં છે. એનાથી તાવ કેમ મટે?’
‘હાં આ આ... અબ સમજી ગયા. યહ બાત હૈ. શામુ, અબ હો ચૂકા. સબ હો ચૂકા ! વો કભી ભી બિછાનેસે ખડા નહીં હોગા. કહ દો, સબ કો કહ દો કિ હરદા ખતમ હો ચૂકા. મૈને પહિલે સે કહા થા કિ વો જાનના અચ્છા નહીં –'

આકરા તાવને લીધે હરદાને સન્નિપાતનાં ચિહ્નો જણાતાં હતાં. થોડી થોડી વારે એ બોલ્યા કરતો હતો : ‘મટે જ નહીં. ખરાટીનાં જ પાંદડાં... ઓળખી ગયો... વાડામાં... ઢગલામોઢે ઊગ્યાં છે.'
‘હરદા, એમ બોલ બોલ શું કરે છે?' બાપે કહ્યું.
‘અરે સાવ ધતિંગ... ઈ પાંદડેથી તાવ ઊતરે ?... લાવો હું રસ કાઢી દઉં...’ હરદા બકવાટ કરતો જતો હતો.

મોડી રાતે બકવાટનું પ્રમાણ બેહદ વધ્યું ત્યારે બાવાજી જાતે જોવા આવ્યા. નાડી હાથમાં લઈને બોલ્યા: ‘હો ચૂકા, અબ અચ્છા નહીં હોગા. લેકિન મેરી આખરી કોશિશ કરને દો.’ બાવાજીએ તેમની ઝોળીમાંથી ઝાડનાં મૂળિયાં કાઢ્યાં અને પાણીમાં વાટી તેનો રસ પાવા માંડ્યો, પણ હરદાએ ઉન્માદમાં આવી જઈને ચીસ પાડી : ‘ક્યાંથી મટે?' અને રસ અર્ધો પીધો ન પીધો ને અધખૂલા મોંમાંથી ફીણ રૂપે બહાર કાઢી નાખ્યો.

‘શિવ શંભો ! શિવ શંભો !' બાવાજીએ નિઃશ્વાસ મૂક્યો. ‘અબ યહ મેરી તાકત સે બહાર કા કામ હૈ.’
‘બાપુ, તમારી દવાથી ભોંયે નાખ્યાં તો બેઠાં થયાં છે... ને મારો...' હરદાના બાપે બાવાજીને બે હાથ જોડીને કહ્યું.
‘મેરી દવા તો શરીર કા રોગ મિટાને કે લિયે હૈ, લેકિન અબ વો શરીર કા રોગ નહીં હૈ, વો માનસિક હો ચૂકા. વો મૈં કેસે મિટા સકતા હું?’ પછી શામુને કહે : ‘શામુ, જૈસે બહોત ગમાર રહેના અચ્છા નહીં, વૈસે હી બહોત આકિલ બનના ભી અચ્છા નહીં. દુનિયા કી સભી ચીજે જાનને કે લિયે નહીં હૈં.’ અને ભીંત સાથે વાતો કરતા હોય તેમ બોલી ગયા: ‘વો અચ્છા નહીં, હરગિજ અચ્છા નહીં.'

હરદાને ભોંય ઉપર લેવામાં આવ્યો. બાવાજી નાડી પકડીને જ બેઠા હતા. તેઓ બોલી ઊઠ્યા: ‘અબ દેર નહીં હૈ, ગંગાજલ લાઓ.’ ગંગાજલ પીતાં પીતાં જ હરદાની આંખ ફાટી રહી. દાંતની દોઢ વળેલ તેનું મોં કાંઈ પણ વસ્તુને અંદર જવાદે તેમ નહોતું. એ ચેતનવિહોણા ચહેરા ઉપર અશ્રદ્ધાની ઊંડી રેખાઓ મૂક પ્રશ્ન કરતી હતી: ‘ક્યાંથી મટે?’
* * *


0 comments


Leave comment