37 - કોને કે’વું ? / ભાનુપ્રસાદ પંડ્યા


સીમે વાવેલ અમે સોબતનો છોડવો
ને ઓરડે ઉજાગરાનાં ફૂલ ! બોલ, કોને કે’વું ?

એને સંભારતાં બીજું ભુલાય બધું
એને ભૂલું એ મોટી ભૂલ ! બોલ, કોને કે’વું ?

ઊછળ્યા કઈ દીમના ઉતાવળ્યુંના ડાબલા ?
ના શેરિયું બોલે કે બોલે ધૂળ ! બોલ, કોને કે’વું ?

એવાં તે મીણનાં પૂતળાં અમે કે
દીવો આઘો ત્યાં ઓગળીને ડૂલ ! બોલ, કોને કે'વુ ?

સોડમના ચોકમાં નો’તી ખબર કે
આમ આવીને આંતરશે શૂલ ! બોલ, કોને કે’વું ?

અમે હટાણામાં એવું લાવ્યાં કે
જાત સાટે આપી ઈ એનું મૂલ ! બોલ, કોને કે’વું ?


0 comments


Leave comment