38 - બેય હવે તો... / ભાનુપ્રસાદ પંડ્યા


ભીડમાં મેળામાં ય છેટેથી બોલતાં ભાગ્યા
તી સરવા કર્યા કાન તો યે ના સાંભળ્યાં કૂણાં વેણ

વળતાં ઊભી નદીએ પાણી ખૂંદતાં હાલ્યાં
પગલાં ગોત્યાં એ ય તાણી ગ્યાં અવળચંડાં વહેણ
ભૂલાં પડો નંઈ એટલા હારૂ વાંસળી સૂરે
કાંઈ સુવાળી કેડિયું પાડી કેડિયું પાડી !
આંખ્યની અદેખાઈની આડી ગોઠવી
દીધી’તીય તે પાછી ફૂલસોતી કરેણની ઝાડી !

ગાવડીને કરી ચાંદલો આપણે મળશું મેળે
સાન કરીને શીદ એવાં તો કેવરાવ્યાં’તાં કહેણ ?
વળતાં એકલ મારગે મારી આંખ્યમાં સાંજે
સીમ નો’તી પણ બળતું ચારેકોરથી લીલું રણ;
મનથી છૂટા એારતા ભાગ્યા જાય ચારે પા
ભાળતો એ ગોવાળ વિહાણું ઠેકતું જાણે ધણ !
બેય હવે તો બાખડી બેઠાં-મળતાં નથી
લેણું દેણું ચુકવી છેટાં નીંદર ને આ નેણ ?


0 comments


Leave comment