40 - ગોતી લ્યો / ભાનુપ્રસાદ પંડ્યા


બોલાવ્યે સ્હેજ મા મલકો ઉતાવળાં
વેળા કવેળાનાં માંડોની મૂલ !

મધરાત્યું મેલીને ધોળે તે દિવસે
વરસો મા ચાંદનીનાં રૂપેરી ફૂલ !

ઘેરા અંધારમાં સોડમની કેડીએ
ગોત્યે જડે ઈ રાતરાણું !

તરસ્યુંની આગમાં હોમી દ્યે અંગ તંઈ
સાચું કે’વાય એને પાણી !

છલકે બધાય એને સાયર મ જાણીએ
ચળકે સંધુંય નો’ય મોતી અમૂલ !

પરખી લ્યો અમિયલ મોસમનું વાદળું
માવઠાનું ગાજવું તે ઠાલું !

સોંઘા સનકારે કંઈ મોંઘા અબોલડા
હું તો ના આમ કદી આલું !

મોરલાના ટૌકામાં મોહ્યું ના પાલવે
ગોતી લ્યો ગરવા કો’ સારસનાં કુલ !


0 comments


Leave comment