42 - હાજરીનો ભાર / ભાનુપ્રસાદ પંડ્યા


દેવતાની આંચ-અડ્યા સાચા કપૂર જેમ
ઊડતો દેખાય બધી વાણીનો સાર !
પાંપણ જરીય ના ઊંચકી ઊંચકાય
સૈ, એવો એની હાજરીનો ભાર !

જાણે ચોમાસાની સીમ હોઉં એમ
મને ફૂટયો કૈં તરણાળુ કંપ !
માલીપા સાતતાળી રમતા’તા બેય
ઘડી દોડે ઉમંગ ઘડી હાફે અજંપ !

રહી રહી થોડું થોડું મલક્યાનો, સૈ !
હતો મારે ત્યાં એકલો આધાર !
લીલા ઉછરંગ જોઈ ઊછળે ઈ ઓરતા
કે સીમાડે કાળિયાર ભાળું ?

પંખીની જેમ આવ્યા અવસરને
આંગણે આયખું આલીને હવે પાળું !
તારે તે બોલ ભલે ટીખળ રેલાય
સૈ કહી દીધી વાત મેં ધરાર !


0 comments


Leave comment