43 - રૂંધાતા આવકારનું ગીત / ભાનુપ્રસાદ પંડ્યા


ઉંબરમાં રૂંધાતા મીઠેરા આવકાર
આવતલ, ઉતાવળ્યું પલાણજો !
પાંખડીને જાગી છે ઝંખના પતંગિયાની
વ્હેલું પરભાત ભેળું આણજો !
આંગણે ઊગેલ હોઉં બોરસલી એમ
જાય સુગંધી દંન મારા ખરતા !
અગરુની અમળાતી સેાડમમાં આમતેમ
સોણાં મેળાપનાં ય તરતાં !
ડેલીમાં અકળાતા જોણાની હદમાં બે
મોજડીની છાપ પાડી જાણજો !
ફળિયું ચીતરીને ઊડી જાતા અકાશ
એ નથી કપોત – ભોળા ઓરતા !
આખા મલકને લાવે મારગ–
નથી અલબેલાં ડગલાંને દોરતા !
ખેંચાણી ખૂબ જાળી પાતળી જુદાઈની
હવે તૂટી જાય એમ એને તાણજો !
ઉંબરમાં રૂંધાતા મીઠેરા આવકાર
આવતલ, ઉતાવળ્યું પલાણજો !


0 comments


Leave comment