44 - હથેળિયું માં... / ભાનુપ્રસાદ પંડ્યા


હથેળિયું ને મોકળી મેલું શેં, આઈ !
હથેળિયુંમાં પુરાયા ચારચાર પ્હોર !
હથેળિયુંને સાચવીને રાખું ને, આઈ ?
હથેળિયું માં તબકે છે ભાતીગળ ભોર !

‘હથેળિયુંમાં ભાર્યો ટંકણખાર તેજી’
સાહેલિયુંનાં સાચાં પડ્યાં ઈ સાવ વેણ !
હથેળિયું ને પાણીમાં નૈં બોળું, આઈ,
રેળાય મારી આખી અળખાયેલ રેણ !
હથેળિયુંને પાલવની ડાળખીમાં ઢાંકું
ટૌકે છે મહીં સૂડા – કોયલ ને મોર !

હથેળિયુંમાં ફોરે કૈંતાજાં ધૂપેલ
ફરકે છે એમાં ઓડિયાનો વાંકડિયો તોર !
હથેળિયુંમાં મ્હોર્યા વરત ગોર્યમાના
બિલોરી બધા ખીલી ઊઠ્યા છ ઓલ્યા કોડ,
હથેળિયુંમાં ઊગી સુખાળવી રેખું
અજબ ! એનો જોશીડા તાગે નૈં તોડ !


0 comments


Leave comment