57.1 - કવિતા – ૧ / રાવજી પટેલ


ગઈ કાલે રાત્રે ખાધેલી માછલી
ફરી પાછી જીભ પર
પાણી થઈને ફરી વળે તો !

પણ એમ નહીં બને
કેમ કે
સમય કદી ખોદી શકાતો નથી.

જો એમ હોય તો
પાછલા ભવની મશરૂ તળાઈ પરનું
સંવનન આ લીંપણવાળી ઓસરીમાં
માણી શકાત.

ધત્ તેરી આ તો માથા પર પાકેલી
લીંબોળી પડી !
એકસામટાં સાત આઠ દશ પંદર પચ્ચીસ
વર્ષો
માથા પર પડ્યાં હોય એવું થયું.

‘ઓ બા મને બવ્વો આલને
માલે નવી વાવા પ્હેલવી છે,
મને કોઈ રાવલી પદાવલી કહે
પછી જૂના રાણીછાપ પૈસા પર
તાજછાપની જરક ચોટાડી ધની કાછિયણને
છેતરવાનું મળે.
રસ્તા પર ગમે તેમ ચાલવાનું મળે
પણ આ
માથા પર અસંખ્ય લીંબોળીઓ
પડ્યા કરે છે, એનું શું?

બાલમંદિરનાં છોકરાં ઘેર જતાં હોય
ટોળું મોરારજી દેસાઈ વિશે ગમે તેમ
બોલતું હોય
અને હું ભાવવાચક ક્રિયાપદ જેવો
ત્યાંથી પસાર થાઉં
એની અસર પણ કેટલી?
કારણ
સમય કદી ખોદી શકાતો નથી.


0 comments


Leave comment