57.2 - કવિતા – ૨ / રાવજી પટેલ
મારી ઘ્રાણનો ડંખ મને લાગ્યો !
ગયા ભવમાં હું ક્યું વૃક્ષ હતો?
હું કૂંપળ જેવું બોલું ને
વાતાવરણનો કાટ ધીરે ધીરે ઊતરતો જાય.
ખેડતાં ખેડતાં હળનો દાંતો અટકી જાય
ચાસમાંથી શ્રીકૃષ્ણ ઊગે અને
વાતાવરણનો કોટ ધીરે ધીરે ઊતરતો જાય.
જૂના ટેબલ પરનું નકશીકામ
મારી કવિતાના અક્ષર અને
એની હું વાટ જોઉં છું.
પણ કૂંપળના કાન પાસે બેસીને
સૂકા તળાવની તિરાડો જેવું
ટટળે છે ક્યારની ટીંટોડી.
મારી જીભ પરથી સૂકું સૂકું તળાવ
શ્રુતિલોક લગી પહોંચે
અને
વાતાવરણનો કાટ સમૂળગો ઊતરી જાય.
ચારેકોર વ્યાપી ગઈ છે
ખેડેલી જમીનની ઊની ઊની વરાળ;
હવે તો મારી કવિતાના શબ્દોમાંથી પણ
દઝાવાય એવું લાગે છે !
0 comments
Leave comment