57.3 - કવિતા – ૩ / રાવજી પટેલ


પલંગ પર બેઠો બેઠો કવિતા લખું છું.
ને
આવું કેમ થાય છે ?
તમાકુના પાન પર તડકો બેસે એમ.
મારી પીઠ પાછળ લીમડાની ડાળ
હોય એવું લાગે છે.
હાથમાં પેનને બદલે પાંદડું જ છે જાણે.
હું આ સુંદર મંદિરોથી,
છીંકણીની દાબડી જેવી પેલી વૃદ્ધાની આંખથી જરીય છેટો નથી.
કાચી કેરીના સ્વાદ જેવી પડોશીની કન્યાની,
નારંગીની છાલ શરીર પરથી ઉતારીને
ફેંકી દેતા વૃદ્ધથી
અને આખો દિવસ
સૂર્યમાંથી ઘાસ કાપ્યા કરતી
મજૂરણથી કેમ વિભક્ત છું?
અચાનક મારી ત્વચામાં ઝૂલ્યા કરતી
લીમડાની ડાળી પર નજર પડી;
અને સામેનાં વૃક્ષનાં પાંદડાંને આઘાપાછાં કરી
કૂંપળનું મોં ખૂલ્યું.
અરે હા
હું એ ડાળીની લાલકૂણી કૂંપળમાંથી જ
સીધો આ ઘરમાં ઊતરી આવ્યો છું!
નહીં તો આ રૂંવાડાંમાંથી કોયલ ક્યાંથી બોલે?
મારી આંગળીઓમાંથી
પાંદડાં જેવા શબ્દો ક્યાંથી ફૂટે?
અને આ
ઘરમાં બેચાર પાંચ જણા આવ જા કરે છે
તે પણ વૃક્ષ જેવા જ.


0 comments


Leave comment