57.11 - કવિતા – ૧૧ / રાવજી પટેલ
માર્ગ પરથી રબારીને લીલુંછમ
ઘાસ ભરેલું ગાડું હાંકીને જતો જોઈ
હું
પથારીમાં થોડુંક આળોટ્યો.
ચાદરમાં કશુંય ન્હોતું
છતાંય મેં એને સૂંધી
આંખો બંધ કરીને થોડુંક પડી રહ્યો
ત્યારે
કીકીઓમાં કશુંક લીલું લીલું ફરક્યું
અને
હું દોડ્યો
ખળળ ખળળ વહી જતા
ભીના ભીના
ગાડાની આગળ જઈ
મેં બળદની નાથ ઝાલી (એને)
ખૂબ ખૂબ બચીઓ ભરી.
મને ભાન પણ ન રહ્યું કે એ તો
બળદ હતો કે લીલું લીલું સરી જતું
ઘાસ !
અને હું પથારીમાં આવીને
ડૂસકે ડૂસકે રડી પડ્યો...
0 comments
Leave comment