6 - બિલાડીના પેટમાં ખીર ટકે તો બૈરાંના પેટમાંવાત ટકે / કંચનલાલ વાસુદેવ મહેતા 'મલયાનિલ'


આ કહેવત ખરી છે તે તો વાંચનાર સ્ત્રીઓમાંની ઘણીખરી જાણતી હશે. જોકે પોતાની બહેનપણી આગળ ને પોતાના પતિ આગળ તો દરેક જણ ડાહીથઈને કહેતી હશે કે ‘આ કહેવત બીજાં બૈરાંને લાગુ પડે છે એમાં ભૂલ નહિ, પણ મને તો, બા, જરાયે લાગુ નથી પડતી !' પણ તે મનમાં તો બરોબર સમજતી જ હશે કે કહેવત સત્ય જ છે.

હવે પછીથી એ કહેવત પોતાને લાગુ ન પડે તેવા યત્ન કરાવવાને અને પતિઓને બને ત્યાં સુધી સાવધાન રાખવાને આ સાચો બનેલો ઇતિહાસ પ્રગટ કરવાની જરૂર જણાઈ છે. આમાં મારો ઉદ્દેશ કાંઈ સ્ત્રીઓને નિંદવાનો નથી, પરંતુ કેટલીક વખત આવી બાબતોનો સાચો બનેલો અહેવાલ વધારે અસરકારક નીવડે છે માટે જ સ્ત્રીઓમાં ઘણે ભાગે જોવામાં આવતા આ દોષની તવારીખ રજૂ કરી છે.

પિનાકિન આજકાલનો ઊછરતો લેખક - કાવ્યલેખક - હતો અને હાલના સમયમાં આવતી કવિતાએ એના ઉપર એટલી સજ્જડછાપ બેસાડી દીધી હતી કે એના કેટલાક વિચારોએ અજબ માર્ગો પકડ્યા હતા. આમાંનો એક માર્ગ એ હતો કે પોતાની પત્ની શિવગંગાને પોતાનું અંગ ગણીને એ પ્રમાણે તે તેની તરફ આચરણ કરતો હતો.

આ કરવું કાંઈ વિચારોમાંખોટું નથી, પરંતુ એ રીતે આચરણ કરતાં પહેલાં સ્ત્રીઓને ઉચ્ચ સ્થિતિએ મૂકવી જોઈએ; અને તે પહેલાં જો આમ કરવામાં આવે તો પરિણામ પતિ ધારે તેના કરતાં ઊલટું જ આવે. પિનાકિન આ સત્યથી અજ્ઞાત હતો. એના હૃદયમાં તો यत्र नार्यस्तु पूज्यन्ते વગેરે શ્લોકો હંમેશાં ગુંજી રહેતા.

હાલના લેખકો, અલબત્ત કવિતામાં, પોતાની પત્નીની આરતીઓ કરે છે, પણ આ તો બિચારો ખરેખર આરતી ઉતારી નૈવેદ્ય ધરાવે એમાંનો હતો! આપણા ધર્મશાસ્ત્રમાં સ્ત્રીને અર્ધું અંગ ગણી છે, પરંતુ પિનાકિન તો એક પગલું આગળ વધેલો હતો. એની ગણતરી નીચે મુજબ હતી :
‘સ્ત્રી-પુરુષ બંને મળીને એક આખું સ્વરૂપ થાય છે. બધા લોકો સ્ત્રીને અર્ધું અંગ ગણે છે, પણ શિવલી તો મારું પોણું અંગ છે. આ એક સ્વરૂપમાં ફક્ત પા ભાગ જ મારો છે અને તે પણ હું જતે દિવસે ભૂલી જઈશ. શિવલીનું આ રૂપ જ હુંબની જઈશ.'

ખરેખર, શિવગંગા પણ પોતાના પતિના વિચાર પ્રમાણે વર્તતી હતી. સ્વામીના આખા સ્વરૂપમાંથી પોતાનો ભાગ પોણો હતો તે આખો કરવાને મથતી હતી. અર્થાત્ પોતાના પતિનો જે પા ભાગ, તેને ભૂલી જવાને તે હંમેશાં યત્ન કરતી હતી. તાત્પર્ય એટલે કે આચારવિચારમાં પતિને જરાપણ ભાગ લેવા ન દેતાં પોતે સ્વતંત્ર જ છે એમ ગણી બધાં ડહાપણ (અથવા ભૂલ) ભરેલાં કામો કર્યે જ જતી હતી.

માણસની એક ઇન્દ્રિય જો જતી રહે તો તેની બીજી ઇન્દ્રિયો તીક્ષ્ણ થાય છે. દાખલા તરીકે, આંધળા માણસના કાન સરવા હોય છે અને બહેરા માણસની આંખો ચંચળ હોય છે. એવું જ અહીંયાં એકસ્વરૂપ, એક અંગધારી દંપતીનું હતું.

પિનાકિન જ્યારે થોડાબોલો હતો, ત્યારે શિવગંગાની જીભ હાથ લાંબી હતી. શિવગંગા એક આંખે કાણી હતી, ત્યારે પિનાકિન બે આંખે ત્રણ આંખ જેટલું દેખતો હતો, એટલે કે થોડું હોય તોયે તેને બહુ દેખાતું હતું. આમ એક ભાગની ખોટ બીજો પૂરી પાડતો હતો, એટલે તરસાળો બધાં દંપતી જેટલો જ આવી રહેતો હતો.

એક વખત રાત્રે નવેક વાગ્યે આ દંપતી curtain lecture શય્યાનું – શાસન (રાત્રિનું ભાષણ) ચલાવતાં હતાં. યુવાન લેખક પોતાની પત્નીને સદ્દગુણ સંપાદન કરવા અને દુર્ગુણોનો ત્યાગ કરવા દાખલાદલીલો સાથે શિખામણ આપતો હતો. પોતાનું પોણું અંગ શિવગંગા છે એટલે તે કાંઈ પણ વાત કોઈ આગળ કદી પણ કહેશે નહિ; એની એને ખાતરી જ હતી. પોતાની સ્ત્રી એને મન ખરેખર એક દેવી હતી!

‘જો શિવગંગા!’પિનાકિન બોલતો હતો: ‘કદી પણ કોઈ પુરુષ સાથે કામ સિવાય વાત કરવી નહિ. બહુ છૂટથી બોલવું નહિ. અતિશય હસવું નહિ. નહિ તો પછી પરિણામ શું આવે તેની ખબર છે? દાખલા તરીકે આપણી પોળના પેલા ધરણીધર બૅરિસ્ટર. એમની વહુના કેટલા ભવાડા થયા હતા ! એમને ત્યાં પેલો લલ્લુ માસ્તર કેટલી વાર આવતો હતો! બૅરિસ્ટર દારૂ ઢીંચી બહાર ન જવા જેવી જગાઓએ રખડે ત્યારે એમનાં પત્નીશ્રી અહીં આ ધંધા કરે. જોજે હોં શિવગંગા, દરેક સ્ત્રીને આ બાબત સંભાળવા જેવી છે. શિયળ, સતીત્વ એ સ્ત્રીઓનું ખરેખરું ભૂષણ છે. સ્વામી સિવાય અન્ય તરફ ચિત્ત રાખતી સ્ત્રીઓ રૌરવ નર્કમાં પડે છે.’

બિચારો પિનાકિન શિખામણ તો સારી આપતો હતો;પણ એમનાં શિવગંગા દેવીએ શો સાર લીધો તે હવે જોઈએ.

બીજે દિવસે વહેલી વહેલી કામ પરવારી શિવગંગા પાસેના પડોશીને ઘેરગઈ અને બારણેથી ‘માનકોરમાશી, છો કે?' કહી ઘાંટો કાઢ્યો.

માનકોરમાશીએ બારણું ઉઘાડ્યું તો શિવગંગા ને પાંચસાત બૈરાં નજરે પડ્યાં. બધાંયે પોળનાં ને પોળનાં જ હતા. (કદાચ બહારનાં હોય તોય સ્ત્રીઓનેભળી જતાં ક્યાં વાર થાય છે?)
‘અલી શિવલી ! અલી કેમ ઘરમાં ને ઘરમાં ઘલાઈ રહે છે? પિનાકિન પૂરીને જાય છે કે શું?’માનકોર બોલી.

જોકે એ મોટી ઉંમરની હતી, છતાં બૈરાંઓમાં તો આ પ્રમાણે-બલ્કે આનાથી વધારે છૂટથી વાતો થઈ શકે છે.
‘ના રે, માનકોરમાશી ! એ શું મને પૂરી મૂકતા હતા? હું એમને પૂરી મૂકું એમાંની છું ને! (વાહ રે દેવી !) પણ કામનો પાર આવે ત્યારે બહાર નીકળું ને? ચાર દહાડાથી આમલી આવી'તી તે ભાંગભાંગ કરી આજે પૂરી થઈ, ત્યારે, મેંકું, લાવ જરા માનકોરમાશીને ત્યાં જઈ આવું.'
‘કેમ છે જંબુડીબહેન, આજ તમે ક્યાંથી?’
‘આજ હું કથામાં નહોતી ગઈ (વિધવા હતી) ત્યારે જરા ઘરમાં ગમ્યું નહિ તે અહીં આવી. તને ખબર છે અલી ! આ પેલા રામપ્રસાદે એની બાયડીને કમઠાળે કમઠાળે મારી છે તે? મેં તો કાલે કથામાં વાત હાંભળી.’

‘હાય રે, કેમ એ બાપડી હમણાંનો રોજ માર ખાય છે! મને તોલાગે છે કે એ એના વરનું કહ્યું જ નથી માનતી, ને છાનીમાની પિયર હટકી જાય છે.’માનકોરે કહ્યું.
‘અને પેલા બૅરિસ્ટરનું સાંભળ્યું કે?' લાગ આવ્યો જાણી શિવગંગા બોલી : ‘મને તો કાલે, મારા ઘરમાં વાત કરતા'તા.’
‘શું અલી?' એક ત્રીજીએ પૂછ્યું.
‘કે'છે ને કે એની વહુ જરા એવી છે !જ્યાંત્યાં રખડતી ફરે છે ! રાત ને દહાડો ઘેર તો રહેવું જ નહિ. કંઈ લલ્લુ માસ્તરનું તો નામ કહ્યું. બીજા કોઈ બેચાર જણનાં નામ જણાવ્યાં. બળ્યો એનો અવતાર!ને બૅરિસ્ટર પણ દારૂ ઢીંચી જ્યાંત્યાં રઝળ્યા કરે છે.'
‘કોણ, પિનાકિન કહેતો હતો?' માનેકોરે પૂછ્યું.

‘હા, માશી. કાલ રાતે એ વરવહુની મને બધી વાત કરી.’
‘કોણ જાણે, બા! આપણે તો કશું જાણતાં નથી.’જંબુડીએ કહ્યું. આ પછી સાથેસાથે ઘણાં સ્ત્રીપુરુષોની આ મંડળીમાં વાતો થઈ ગઈ. પણ તે અહીં લખવાનું પ્રયોજન નથી. થોડી વારે વાળુ કરવાનો વખત થયો હતો એટલે બધાં વિખરાઈગયાં.

તે જ દિવસે રાત્રે જંબુડી ધરણીધર બૅરિસ્ટરને ઘેર ગઈ. થોડી વાર બેઠાં ન બેઠાં ને વાત છેડી.
‘પરધાનબહેન, હમણાં તો તમારા ને તમારા વરને વાસ્તે બહુ સાંભળીએ છીએ. કાનના કીડાયે ખરી જાય છે! જુઓ બહેન, ખોટું ના લગાડશો. મારા ઘરનું હું જરાયે કહેતી નથી. પણ આ તો શિવલી પાંચસાત બૈરાં વચ્ચે લવતી'તી.’
‘શું જંબુડીબહેન?'
‘કહે છે કે પિનાકી એને કહેતો હતો.'
‘પણ વાત શી છે?'
‘કે તમે ખરાબ ચાલનાં છો અને તમારા ઘરવાળા દારૂ પીને જ્યાંત્યાં રઝળતા ફરે છે. કંઈ બેચાર જણનાં તો નામ દીધાં. મને તો એ બધું કહેતાંયે લાજ આવે છે, હું તો બા, કશુંયે બોલી નહોતી. બીજાં બૈરાંય સાંભળતાં'તા.’
‘એમ કે? કોણ પેલી શિવલી કાણી? મેં એના બાપનું શું બગાડ્યું છે, જે મને એ ને પિનાકી એવડું કહે છે? ઠીક, એની વાત કરું છું. આવો જંબુડીબહેન, જરા ઉપર, એમને વાત કરીએ. હમણાંહમણાંનું એ અમારે વાસ્તે બહુબોલે છે. શા માટે એટલું બધું બોલવું પડે? અમે એવાં છીએ તો છો રહ્યાં, અમારા ઘરને ભારે. તેમાં તમારે શું? તમે તમારું સંભાળીને બેસી રહો ને !'

જંબુડી : ‘ના બા, જો મારું નામ ન દેશો. મેં કશું નથી કહ્યું. કો'તો સોગન ખાઉં.'
‘પણ તમને કોણ કહે છે? જરા ઉપર તો આવો.’કહી હાથ ખેંચી પરધાન એને ઉપર લઈ ગઈ અને ઓરડામાં જતાંવેંત જ ‘કયમ, પેલાનું હવે કંઈક કરવું છે કે નહિ?’કહેતી પરધાન ઘૂરકી : ‘એટલું બધું એ બોલવા શીખ્યો છે તે ?'
‘પણ છે શું?’બૅરિસ્ટરે પૂછ્યું.

‘જુઓ આ જંબુડીબહેન કહે છે તે સાંભળો. બાર જણ વચ્ચે પિનાકી તમારું ને એની શિવલી મારું ભૂંડું બોલે છે. કહે છે જે તમે દારૂ પીઓ છો ને હું ભટકતી ફરું છું.’
‘એમ કે?' કહી ધરણીધરે એક કાગળ લીધો. લખાવો જો, એનું ને બીજાં બૈરાંઓનાં નામ. બીતાંબીતાં જંબુડીએ સર્વ હકીકત લખાવી. શિવગંગાના શબ્દો પણ જેટલા યાદ હતા તેટલા લખાવ્યા અને પછી જંબુડી અને પરધાન નીચે ઊતર્યાં.
‘જુઓ બા, મારું નામ કોઈને ના દેશો; નહિતર મારા તો ભોગ મળશે.' જંબુડીએ કહ્યું.
‘એને વાસ્તે તમે જરાયે બ્હી’શો નહિ.'

બીજે દિવસે બૅરિસ્ટરે કૉર્ટમાં ફરિયાદ નોંધાવી પોતાની નિંદા (slander)કર્યા બાબત પિનાકી ઉપર સમન્સ કાઢ્યો. પોળનાં બૈરાંઓ ઉપર પણ સાક્ષી તરીકે આવવાના સમન્સ આવ્યા.

બિચારો પિનાકી પહેલાં તો વિચારમાં જ પડી ગયો. પણ પછી તેને ત્રણેક દહાડા ઉપર શિવલી આગળ કહેલું યાદ આવ્યું. અને એને પૂછતાં માલૂમ પડ્યું કે બૈરાંઓના ટોળામાં એણે ઊપલી વાત કહી હતી એની જ આ મોક્કાણ મંડાઈ હતી !

લાગલોજ તે બૅરિસ્ટરને ઘેર ગયો અને ટોપી ઉતારી માફી માગવા લાગ્યો. બૅરિસ્ટરે હજાર રૂપિયા નુકસાનીના માગ્યા, અને જો પિનાકી તે આપવા કબૂલ થાય તો જ એ ફરિયાદ પાછી ખેંચી લેવા એમણે કબૂલ કર્યું.

હા ના કરતાં બસો રૂપિયા બૅરિસ્ટરે એની પાસેથી પડાવ્યા અને હવે પછી સાવચેત રહેવાનીચેતવણી આપી જવા દીધો.
વાહ રે શિવલી દેવી ! અને પિનાકીદેવ !
* * *


0 comments


Leave comment